૯૯ માસક્ષમણે નૉટઆઉટ

21 April, 2023 09:39 AM IST  |  Mumbai | Rohit Parikh

પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજનાં છેલ્લાં ત્રણ માસક્ષમણ અંતરીક્ષજી તીર્થને સમર્પિત

વિશ્વવિક્રમના સર્જક દિવ્ય તપસ્વી જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ

વિશ્વમાં ચાલી રહેલી બેફામ જીવહિંસા અને નાસ્તિકતાને નાથવા સૂક્ષ્મની તાકાતનું સર્જન કરનારા અજોડ અને અદ્વિતીય વિશ્વવિક્રમના સર્જક દિવ્ય તપસ્વી ૫૭ વર્ષના પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયહંસરત્નસૂરીશ્વરજી મહારાજ ૯૯ માસક્ષમણ (૩૦ દિવસના જૈનોના ઉપવાસ) કરીને નૉટઆઉટ રહ્યા છે. જૈનાચાર્યની ભાવના તેમના જીવનકાળ દરમ્યાન ૧૦૮ માસક્ષમણ કરવાની છે, જેમાંથી તેમણે ૯૯ માસક્ષમણ શાતાપૂર્વક પૂરાં કર્યાં છે. તેમણે ૯૭, ૯૮ અને ૯૯ એમ ત્રણ માસક્ષમણ સળંગ કર્યા બાદ રવિવારે નાશિકમાં કૉલેજ રોડ પર આવેલી શરાફ લૉનમાં સવારે ૭ વાગ્યે ભવ્યાતિભવ્ય ઉજવણીની સાથે ૯૯મા માસક્ષમણનાં પારણાં કરશે. મહાવીરના શાસનમાં હંસરત્નસૂરીશ્વરજી મહારાજનું આ વિશ્વવિક્રમથી પણ અનોખું, નિરાળું આત્મિક પરાક્રમ છે. આ તપશ્ચર્યામાં તેમનો એક જ સંકલ્પ હતો કે ૪૦ વર્ષથી વધુ સમયથી બંધ થયેલાં અંતરીક્ષ પાર્શ્વનાથ પરમાત્માનાં દર્શન, વંદન, સ્પર્શના, પૂજા, ભક્તિ વગેરેનો લાભ હવે દેશ-વિદેશના સર્વે જૈનોને કોઈ પણ જાતનાં વિઘ્નો વગર મળે.

જૈન શાસનની પ્રભાવના કરતું આ મહાનુષ્ઠાન કરતા હોવા છતાં ગુરુમહારાજ દિવસના હાર્ડલી અઢી કલાકની નિંદર લે છે. બાકીનો સમય તેઓ આધ્યાત્મિક પ્રવૃ‌ત્તિીઓમાં વ્યસ્ત રહે છે. આમ છતાં તેઓ એકદમ સ્વસ્થ રહે છે. આવી મોટી તપશ્ચર્યામાં પણ જૈનાચાર્ય કોઈ પણ જાતના વ્હીલચૅર જેવા ટેકા વગર પૂરી સ્ફૂર્તિ અને પ્રસંશા સાથે ફુલ સ્પીડમાં સેંકડો કિલોમીટરનો વિહાર કરે છે. 

તપશ્ચર્યાની તવારીખ
દિવ્ય તપસ્વી જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજ ૧૩ વર્ષની નાની ઉંમરે ન્યાયવિશારદ, વર્ધમાન તપની ૧૦૮ ઓળીના આરાધક પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા હતા. તેમને પૂજ્ય આચાર્યશ્રી વિજયમુક્તિવલ્લભસૂરીશ્વરજીના પ્રશિષ્ય ૧૪ વર્ષના બાલમુનિ પૂજ્ય રૂપાતીતવિજયજીની ૩૦ દિવસના ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા જોઈને માસક્ષમણ કરવાની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. ત્યાર પછી તો તેમણે અવિરત ૮, ૧૬, ૧૬, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૩, ૩૪, ૩૫, ૩૬, ૩૭, ૩૮, ૩૯, ૪૦, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૫૧, ૫૨, ૬૮, ૭૭, ૯૧, ૯૫, ૧૦૮, ૧૨૨ અને ૧૨૩ દિવસના ઉપવાસની અપ્રતિમ સાધના કરી હતી.

જૈનાચાર્યે ૭,૭૦૦ દિવસમાં ૪,૫૦૦ ઉપવાસ કરીને તેમનો આધ્યાત્મિક રેકૉર્ડ બનાવ્યો છે. આ જાણકારી આપતાં તેમની સેવામાં સતત હાજર રહેતા મુનિશ્રી પદ્ામકળશવિજયજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘અત્યાર સુધીમાં ગુરુમહારાજે ૪૯૦ દિવસમાં ૪૦૮ ઉપવાસ ગુણરત્ન તપ, બે વાર વરસી તપ, છ વાર ૧૮૦ ઉપવાસ, ૧૨૩ ઉપવાસ એક વાર, ૧૨૨ ઉપવાસ એક વાર, આ સિવાય ૧૦૮ ઉપવાસ, ૯૫ ઉપવાસ, ૯૧ ઉપવાસ, ૯૦ ઉપવાસ, ૭૭ ઉપવાસ, ૬૮ ઉપવાસ, ૬૪ ઉપવાસ, ૬૨ ઉપવાસ, ૫૨ ઉપવાસ, ૫૧ ઉપવાસ, ૪૬ ઉપવાસ, ૪૫ ઉપવાસ, ૪૪ ઉપવાસ, ૪૩ ઉપવાસ, ૪૨ ઉપવાસ, ૪૦ ઉપવાસ, ૩૯ ઉપવાસ, ૩૮ ઉપવાસ, ૩૭ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૩૫ ઉપવાસ, ૩૪ ઉપવાસ, ત્રણ વાર ૩૩ ઉપવાસ, પાંચ વાર ૩૨ ઉપવાસ, બે વાર ૩૧ ઉપવાસ, આઠ વાર ૩૦ ઉપવાસ, બે વાર ૧૬ ઉપવાસ કર્યા છે. આવા તો વિહારના ઘણા રેકૉર્ડ છે. તેમણે આચાર્યપદવી પછી સૂરિમંત્રની પાંચ પીઠિકાની સાધના દરમ્યાન આગળ-પાછળ અઠ્ઠમ સહિત ૯૦ દિવસના સળંગ ઉપવાસ કર્યા હતા.’ 

આત્મસિદ્ધિ એ જ ઉદ્દેશ
સાહેબ આ તપશ્ચર્યા ફક્ત પોતાના આત્માની સિદ્ધિ માટે કરી રહ્યા છે એમ જણાવતાં મુનિશ્રી પદ્મકળશવિજયજી મહારાજસાહેબે કહ્યું હતું કે ‘સાહેબની એક જ ભાવના છે કે અમારા શ્રાવકો સાહેબના તપને આજના તબીબી વિજ્ઞાન સામે જબરદસ્ત પડકાર સમાન કહે છે; પરંતુ સાહેબ તો તેમની આ તપશ્ચર્યા તેમના આત્માના કલ્યાણ માટે, તેમના આત્માની શુદ્ધિ માટે કરી રહ્યા છે. સાહેબનો તો એક જ સંકલ્પ છે કે તેમના તપના સૂક્ષ્મ જીવના બળથી વિશ્વભરમાં શાંતિ સ્થપાય, વિશ્વમાં ભગવાન મહાવીરનો સંદેશો પહોંચે કે વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. સર્વે જીવોને શાંતિ અને સમાધિ મળે એ જ તેમનો તપ પાછળનો હેતુ છે.’

૯૭મા માસક્ષમણની શરૂઆત
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ અમદાવાદમાં ૯૭મા માસક્ષમણનાં પચ્ચક્ખાણ લીધાં હતાં. ત્યાર પછી કોઈ પણ જાતના બ્રેક વગર આચાર્યશ્રીએ નૉન-સ્ટૉપ ૯૭, ૯૮, ૯૯ માસક્ષમણ પૂરાં કર્યાં હતાં. આજે તેમનો ૯૭મો ઉપવાસ છે. આટલી મોટી તપશ્ચર્યા દરમ્યાન પણ જૈનાચાર્ય અમદાવાદથી સુરત, સુરતથી માલેગાંવ અને માલેગાંવથી નાશિક, દેવલાલી સુધીનો ૬૫૦ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરીને કલાપૂર્ણતીર્થના અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા. આજે તેઓ નાશિકની રાંકા કૉલોનીમાં આવેલા શ્રી વર્ધમાન જૈન સંઘમાં બિરાજમાન છે.

ત્રણ માસક્ષમણ અંતરીક્ષ પાર્શ્વનાથને સમર્પણ
જૈનાચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે તેમનાં ૯૭, ૯૮ અને ૯૯મા માસક્ષમણને મહારાષ્ટ્રના અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થમાં બિરાજમાન શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ ભગવાનને અર્પણ કર્યાં છે. આ તપશ્ચર્યામાં તેમનો એક જ સંકલ્પ હતો કે ૪૦ વર્ષથી વધુ સમયથી બંધ થયેલાં અંતરીક્ષ પાર્શ્વનાથ પરમાત્માનાં દર્શન, વંદન, સ્પર્શના, પૂજા, ભક્તિ વગેરેનો લાભ હવે દેશ-વિદેશના સર્વે જૈનોને કોઈ પણ જાતનાં વિઘ્નો વગર મળે. આ તીર્થમાં હવે શાંતિ સ્થાપિત થાય અને અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનનો પ્રભાવ સર્વે જૈનોને મહેસૂસ થાય. આ ઉદ્દેશથી જ તેમણે તેમનાં ત્રણ-ત્રણ માસક્ષમણને અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનને સમર્પિત કર્યાં છે.

આચાર્યશ્રીનાં ૯૭, ૯૮ અને ૯૯મા માસક્ષમણનાં પારણાં રવિવાર, ૨૩ એપ્રિલે નાશિકમાં પરમ પૂજ્ય આચાર્યશ્રી જગવલ્લભસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં થશે. 

mumbai mumbai news jain community rohit parikh