અગ્નિ સંસ્કારનો આદેશ છ કરોડ ત્રણ હજાર રૂપિયામાં

25 January, 2025 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગચ્છાધિરાજ આચાર્ય શ્રીમદ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાના : વિવિધ આદેશોના કુલ ચડાવા ૧૨,૫૫,૬૧,૬૫૮ રૂપિયાના થયા

ગચ્છાધિરાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાની અંતિમ પાલખીયાત્રાના ચડાવાના આદેશ સમયે ભેગા થયેલા ભક્તો.

સૂરિ રામચંદ્ર તથા સૂરિ મહાબલનંદન સમુદાયના સમર્થ સુકાની અને ૨૦૦૦થી અધિક શ્રમણ-શ્રમણી ભગવંતોના જીવન આધાર ગચ્છાધિરાજ આચાર્ય શ્રીમદ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાની પાલખીયાત્રા મુલુંડ-વેસ્ટના સર્વોદયનગર જૈન સંઘથી ગઈ કાલે બપોરે વિજયમુહૂર્તે ૧૨.૩૯ વાગ્યે નીકળી હતી. આ પાલખીયાત્રામાં જૈનાચાર્યના દેશભરમાંથી આવેલા હજારો ભક્તોના ‘જય જય નંદા, જય જય ભદ્રા’ના નારાથી મુલુંડના રસ્તા ગુંજી ઊઠ્યા હતા. ગચ્છાધિપતિ મહારાજસાહેબના પાલખીયાત્રાના વિવિધ આદેશો લેવા માટે ભક્તોની રીતસરની પડાપડી થઈ હતી. એમાં તેમના નજીકના મુંબઈના એક ભક્ત પરિવારે ૬,૦૦૦,૩૦૦૦ રૂપિયાની બોલી બોલીને આચાર્ય મહારાજસાહેબના અગ્નિ સંસ્કારનો લાભ લીધો હતો. વિવિધ આદેશોના કુલ ચડાવા ૧૨,૫૫,૬૧,૬૫૮ રૂપિયાના થયા હતા.

ગચ્છાધિરાજ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજાની અંતિમ પાલખીયાત્રામાં જોડાયેલા ભક્તો.

આ પહેલાં સવારે ૯ વાગ્યાથી હજારો ભક્તોની મેદની વચ્ચે જૈનાચાર્યના પાલખીયાત્રાના વિવિધ ચડાવા બોલાયા હતા. આ બાબતે માહિતી આપતાં જૈનાચાર્યના એક ગુરુભક્તે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ચડાવામાં ઉમંગ અને ઉલ્લાસ સાથે ભક્તોએ ભાગ લીધો હતો. આ આદેશોમાં ગચ્છાધિપતિને પાલખીમાં પધરાવવાના આદેશથી શરૂઆત કરવામાં આવી હતી. એનો આદેશ ૫૧,૫૧,૧૫૧ રૂપિયા, વિલેપનનો લાભ ૫૧,૫૧,૧૫૧ રૂપિયા, ગુરુપૂજનનો લાભ ૯૦,૯૦,૯૯૯ રૂપિયા, પાલખીમાં સ્વસ્તિક આલેખવાના ૩૩,૩૩,૯૩૩ રૂપિયા, આગળની જમણી કાંધના ૩૬,૩૬,૯૩૬ રૂપિયા, આગળની ડાબી કાંધના ૩૬,૩૬,૯૩૬, પાછળની જમણી કાંધના ૨૭,૨૭,૯૨૭ રૂપિયા, પાછળની ડાબી કાંધના ૬૩,૬૩,૯૬૩ રૂપિયા, દોણી લઈને ચાલવાના લાભના ૨૫,૨૫,૫૨૫ રૂપિયા, ધૂપિયું (પાલખીયાત્રામાં ધૂપ લઈને ચાલવાનો)-એકનો લાભ ૧૫,૧૫,૫૧૫ રૂપિયા, ધૂપીયું-બેનો લાભ ૧૪,૧૪,૧૧૪ રૂપિયા, ધૂપિયું-ત્રણનો લાભ ૧૪,૧૪,૧૧૪ રૂપિયા, ધૂપિયું-ચારનો લાભ ૧૫,૧૫,૧૧૫ રૂપિયા, વરસીદાન ૨૮,૨૮,૯૨૮ રૂપિયા, ગુલાલ ઉડાડવાના ૨૧,૨૧,૧૨૧ રૂપિયા, અનુકંપા (આર્થિક રીતે નબળા લોકોને દાન આપવું) ૨૨,૨૨,૨૨૨, ચાંદીની મુખ્ય લોટી ૩૬,૩૬,૯૩૬ રૂપિયા, ચાંદીની લોટી-બે ૧૭,૧૭,૧૧૭ રૂપિયા, ચાંદીની લોટી-ત્રણ ૧૮,૧૮,૧૧૮ રૂપિયા, ચાંદીની લોટી-ચાર ૧૫,૧૫,૧૧૫ રૂપિયા, ચાંદીની લોટી-પાંચ ૧૫,૧૫,૧૧૫ રૂપિયા, ચાંદીની લોટી-છ ૧૬,૧૬,૧૧૬ રૂપિયા, ચાંદીની લોટી-સાત ૧૭,૧૭,૧૧૭ રૂપિયા અને ચાંદીની લોટી-આઠ ૧૭,૧૭,૧૧૭ રૂપિયા બોલીને ભક્તોએ આદેશ લીધા હતા.’

ગચ્છાધિપતિના અગ્નિ સંસ્કાર બપોરે ૩.૫૦ વાગ્યે મુલુંડ-વેસ્ટના સાંઈધામ વિસ્તારમાં દીપમ ગૃહજિનાલયની પાછળ કરવામાં આવ્યા હતા.

jain community mulund gujaratis of mumbai gujarati community news news religion mumbai mumbai news