04 August, 2024 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન વાઝે
મહા વિકાસ આઘાડીની સરકારના સમયમાં ગૃહપ્રધાન રહેલા અનિલ દેશમુખ સામે ૧૦૦ કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ થયો હતો એ મામલામાં ઇન્સ્પેક્ટર સચિન વાઝેની પોલીસમાંથી હકાલપટ્ટી કરવામાં આવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. સચિન વઝે અત્યારે નવી મુંબઈમાં આવેલી તળોજા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેને ગઈ કાલે મેડિકલ કરવા માટે હૉસ્પિટલ લઈ જવાતો હતો ત્યારે તેણે મીડિયા સાથે વાત કરી હતી. સચિન વાઝેએ કહ્યું હતું કે ‘૧૦૦ કરોડ રૂપિયાની ખંડણીના મામલામાં જે કંઈ થયું છે એના પુરાવા છે. અનિલ દેશમુખ સુધી તેમના પર્સનલ અસિસ્ટન્ટ મારફત રૂપિયા પહોંચાડવામાં આવતા હતા. CBI પાસે આના પુરાવા છે. મેં દેવેન્દ્ર ફડણવીસને પણ પત્ર લખીને માહિતી આપી છે. મેં બધા પુરાવા આપ્યા છે. હું નાર્કો-ટેસ્ટ કરાવવા પણ તૈયાર છું. પત્રમાં જયંત પાટીલનું નામ પણ લખ્યું છે.’
ઉલ્લેખનીય છે કે ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી વસૂલવાના મામલામાં સચિન વાઝે આરોપી છે. એ સિવાય ૨૦૨૧માં મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની બહાર વિસ્ફોટકો સાથેની કાર પાર્ક કરવાના મામલામાં પણ સચિન વાઝે આરોપી છે. બાદમાં તેને પોલીસમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેણે અનિલ દેશમુખની સાથે હવે જયંત પાટીલનું પણ નામ લીધું છે એટલે અનિલ દેશમુખ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે થઈ રહેલા આરોપ અને પ્રત્યારોપ વધી શકે છે.
હું બે દિવસથી નાગપુરમાં છું. સચિન વાઝેએ મને પત્ર મોકલ્યો હોવાનું કહ્યું છે એની મને જાણ નથી. બધી માહિતી લીધા બાદ બોલીશ. કોઈ પુરાવા હાથમાં લાગશે તો એની તપાસ કરવામાં આવશે. - દેવેન્દ્ર ફડણવીસ