11 July, 2024 08:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૅકલિન ફર્નાન્ડિસ
કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા કરવામાં આવેલી ૨૦૦ કરોડ રૂપિયાની ઠગાઈના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ બૉલીવુડની ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસને મની લૉન્ડરિંગ કેસની તપાસ માટે સમન્સ મોકલ્યો હતો, પણ તે તબિયતનું બહાનું આપીને EDની ઑફિસમાં હાજર રહી નહોતી. હવે ED નવેસરથી સમન્સ મોકલે એવી શક્યતા છે.
શ્રીલંકાના મૂળની ૩૮ વર્ષની આ ઍક્ટ્રેસની આ પહેલાં પાંચ વાર ED દ્વારા પૂછપરછ કરવામાં આવી છે, પણ તેણે જણાવ્યું છે કે તે નિર્દોષ છે અને સુકેશ દ્વારા કરવામાં આવેલી ઠગાઈની તેને કોઈ જાણકારી નથી. આ વખતે નવાં ઇનપુટ્સ મળ્યાં હોવાથી EDએ તેને પૂછપરછ માટે બોલાવી હતી.
EDએ એના રિપોર્ટમાં આરોપ લગાવ્યો છે કે સુકેશે તેને મળેલા ઠગાઈના પૈસાથી જૅકલિનને કીમતી સામાન, ઘરેણાં અને મોંઘી ગિફ્ટ્સ આપી હતી. આરોપી સુકેશે ફોર્ટિસના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દ્ર સિંહની પત્ની અદિતિ સિંહ સાથે કથિત રીતે ૨૦૦ કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી. આરોપી જેલમાંથી પણ જૅકલિનને પત્રો લખે છે અને કહે છે કે તેને જૅકલિન સાથે પ્રેમ છે.