ડ્રાયફ્રૂટ્સ હૈ સદા કે લિએ

17 October, 2022 09:32 AM IST  |  Mumbai | Rohit Parikh

કોરાેના પછી ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ ફુલ સ્પીડમાં ચાલી રહ્યો છે અને લૉકડાઉનને લીધે ઑનલાઇન તરફ વળી ગયેલા ગ્રાહકો ફરીથી ડ્રાયફ્રૂટ્સની દુકાનોમાં દેખાવા લાગ્યા છે એને કારણે વેપારીઓને આ દિવાળી જોરદાર રહેવાની આશા છે.

ગઈ કાલે ક્રૉફર્ડ માર્કેટમાં આવેલી સૂકા મેવાની દુકાનમાં સારીએવી ભીડ જોવા મળી હતી (તસવીર : આશિષ રાજે)

તેમનું કહેવું છે કે ડ્રાયફ્રૂટ્સની અમુક આઇટમોમાં ભાવવધારો થયો હોવા છતાં દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ડિમાન્ડ ડ્રાયફ્રૂટ્સની રહેશે

કોરોનાના સમયથી જ લોકોમાં ડ્રાયફ્રૂટ્સની માગ વધવા લાગી છે. આજનું યંગ જનરેશન તેમનો ઇમ્યુનિટી પાવર વધારવા માટે ડ્રાયફ્રૂટ્સ ખાવા લાગ્યો છે. બીજી તરફ ડાયાબિટીઝ જેવા રોગોને કારણે લોકો તહેવારોમાં મોંઘી મીઠાઈ અને ચૉકલેટ કરતાં ડ્રાયફ્રૂટ્સ ગિફ્ટમાં આપવાનું વધારે પ્રિફર કરી રહ્યા છે. કૉર્પોરેટ સેક્ટરમાં પણ હવે ગિફ્ટમાં ડ્રાયફ્રૂટ્સ આપવા લાગ્યા છે, જેને લીધે આ દિવાળીના તહેવારોમાં અત્યારથી જ ડ્રાયફ્રૂટ્સની માગ વધી છે. 

આ માહિતી આપતાં મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રવક્તા યોગેશ ગણાત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈની ડ્રાયફ્રૂટ્સ બજારમાં આ દિવાળીએ ધૂમ ઘરાકી નીકળી છે. બે વર્ષ કોરોનાને લીધે દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સનાં બૉક્સ ભેટ આપવાની પ્રથા જે ઓછી થઈ ગઈ હતી એ આ વર્ષે ફરી દેખાઈ રહી છે. કૉર્પોરેટ કંપનીઓ પણ આ વર્ષે કર્મચારીઓને ગિફ્ટ-બૉક્સની લહાણી કરી રહી છે. લોકો હવે મોંઘી મીઠાઈ અને ચૉકલેટ ગિફ્ટ આપવાને બદલે ડ્રાયફ્રૂટ્સ આપવાનું વધુ પસંદ કરતા થયા છે એટલે સૂકા મેવાની ખપત પણ વધી છે. ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક હોવાથી રાજકીય પક્ષો પણ વોટરોને રાજી કરવા ડ્રાયફ્રૂટ્સનાં બૉક્સ આપી રહ્યા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પૂર આવવાને લીધે અંજીર અને ખારેકના પાકને ખૂબ નુકસાન થયું છે, જેને પરિણામે અંજીર અને ખારેકના ભાવ આ વર્ષે લગભગ ૫૦ ટકા જેટલા વધી ગયા છે. બીજા અન્ય  સૂકા મેવા જેવા કે બદામ, પિસ્તા, કાજુ, કિસમિસ, અખરોટ વગેરેના ભાવમાં ખાસ વધારો થયો નથી. નવી અમેરિકન બદામ બજારમાં આવી ગઈ છે. કાજુનો બમ્પર પાક હોવાને લીધે આ વર્ષે કાજુના ભાવમાં તેજી આવી નથી. બીજી એક ખાસ વાતની અહીં નોંધ લેવી કે લૉકડાઉનને લીધે જે ગ્રાહકો ઑનલાઇન તરફ વળી ગયા હતા એ હવે ફરીથી ડ્રાયફ્રૂટ્સની દુકાનોમાં દેખાવા લાગ્યા છે. આ જોતાં અમે વિશ્વાસપૂર્વક કહી શકીએ એમ છીએ કે ખરા અર્થમાં ડ્રાયફ્રૂટ્સના વેપારીઓની આ દિવાળી જોરદાર રહેવાની છે.

કોરોનાકાળથી જ યંગ જનરેશનમાં બૉડીની ઇમ્યુનિટી વધારવા માટે બદામ અને અખરોટની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે એમ જણાવીને નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં છેલ્લાં ૨૫ વર્ષથી હોલસેલ અને સેમી-હોલસેલ ડ્રાયફ્રૂટ્સના વેપારી વિશાલ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી યંગ જનરેશનમાં પણ ડાયાબિટીઝ જેવાં દરદો આવવા લાગ્યાં ત્યારથી તેઓ ચૉકલેટ અને મીઠાઈની સરખામણીમાં ડ્રાયફ્રૂટ્સ તરફ વધારે વળી ગયા છે. ગણેશોત્સવથી જ ડ્રાયફ્રૂટ્સની ઘરાકી શરૂ થઈ ગઈ હતી, જે નવરાત્રિ દરમ્યાન વધી ગઈ હતી. દિવાળીના તહેવારોની કૉર્પોરેટ સેક્ટરની ખરીદીના ઑર્ડર નવરાત્રિથી આવવા લાગ્યા છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ડ્રાયફ્રૂટ્સ આઇટમો સિવાય ડ્રાયફ્રૂટ્સના ભાવમાં કોઈ મોટો વધારો થયો નથી. આથી ઘરાકો ડ્રાયફ્રૂટ્સની ખરીદી કરવા લાગ્યા છે.’

અમારો બિઝનેસ સામાજિક સંસ્થાઓ અને હાઉસવાઇફોએ કૅપ્ચર કરી લીધો છે એમ જણાવતાં ઘાટકોપરમાં વર્ષોથી ડ્રાયફ્રૂટ્સનો સેમી-હોલસેલ બિઝનેસ કરી રહેલા રાહુલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનામાં લૉકડાઉનને કારણે જ્યારે બધા જ બિઝનેસમેનો અને નોકરિયાત વર્ગ ઘરમાં બંધ થઈને બેઠો હતો ત્યારે તેમના ઘરની બહેન-દીકરીઓ અને ગૃહિણીઓએ ડ્રાયફ્રૂટ્સના બિઝનેસને ગૃહઉદ્યોગ બનાવીને ઘરમાં બેઠાં સોશ્યલ મીડિયા પર જાહેરાત કરીને કૅપ્ચર્ડ કરી લીધો છે. સામાજિક સંસ્થાઓએ હોલસેલ અને સેમી-હોલસેલના ભાવને ગ્રાહકોમાં ઓપન કરી દીધા છે. ગ્રાહકો પર તેમના સમાજમાંથી જ ડ્રાયફ્રૂટ્સ, મસાલા અને કરિયાણાં મળવા લાગતાં હવે દુકાનોમાંથી ખરીદી કરવાનું તેમણે ઓછું કરી દીધું છે. આર્થિક રીતે નબળા કે સબળા બધા જ લોકો તેમના સમાજમાંથી ખરીદી કરવાનું વધુ પસંદ કરે છે. સમાજમાં વેચાણ થાય એટલે એની ગુણવત્તા સારી જ હોય એવો ગ્રાહકોને દૃઢ વિશ્વાસ બેસી ગયો છે, જેની સીધી અસર અમારા રીટેલ કસ્ટમરો પણ થવા લાગી છે. અત્યારે જે ઘરાકો અમારી પાસેથી અમારા માલની ગુણવત્તા પર અતૂટ વિશ્વાસ ધરાવે છે તેઓ આજે પણ અમારી દુકાને આવીને જ ડ્રાયફ્રૂટ્સની ખરીદી કરે છે. અમારા બિઝનેસ પર પહેલાં ઑનલાઇનને કારણે મંદી વર્તાતી હતી. હવે સમાજ અને ગૃહઉદ્યોગને કારણે દિવાળીના તહેવારોમાં પણ અમે મંદીનો સામનો કરી રહ્યા છીએ.’

આ વખતની દિવાળીમાં અત્યારથી જ અમારા ગ્રાહકોના ડ્રાયફ્રૂટ્સના ઑર્ડર શરૂ થઈ ગયા છે એમ જણાવતાં માટુંગાના છેડા ડ્રાયફ્રૂટ્સના ચેતન છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરાના પછી ડ્રાયફ્રૂટ્સનો બિઝનેસ ફુલ સ્પીડમાં ચાલી રહ્યો છે. અંજીર, ખારેક, ખૂજર જેવી ડ્રાયફ્રૂટ્સની અમુક આઇટમોમાં ભાવવધારો થયો છે. જોકે કાજુ, બદામ, પિસ્તા, કિસમિસના ભાવમાં બહુ વધારો થયો ન હોવાથી ઘરાકી સારી રહી છે. આ દિવાળીના તહેવારોમાં સૌથી વધુ ડિમાન્ડ ડ્રાયફ્રૂટ્સની રહેશે.’ 

mumbai mumbai news diwali rohit parikh