જીવન મેં અસલી ઉડાન અભી બાકી હૈ

28 November, 2024 06:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું કોઈ સ્પીડ-બ્રેકર નથી, નારાજ થનારો કે રડનારો નહીં પણ લડીને લેનારો માણસ છું એમ કહીને મુખ્ય પ્રધાનપદ પરનો દાવો છોડી દીધો એકનાથ શિંદેએ- થાણેમાં પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને તેમણે કહ્યું કે BJPના વરિષ્ઠોનો નિર્ણય અમને માન્ય રહેશે

ગઈ કાલે થાણેમાં મીડિયાને સંબોધન કરતા એકનાથ શિંદે.

વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ મહાયુતિમાં એકનાથ શિંદેને ફરી મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ને સૌથી વધુ બેઠક મળી છે એટલે દેવેન્દ્ર ફડણવીસ કે પક્ષના બીજા કોઈ નેતાને મુખ્ય પ્રધાન બનાવાશે એ વિશે ગઈ કાલે બપોર સુધી જાત-જાતની અટકળો લગાવવામાં આવતી હતી. જોકે એકનાથ શિંદેએ ગઈ કાલે  પ્રેસ-કૉન્ફરન્સમાં સ્પષ્ટ કરી દીધું હતું કે BJPના વરિષ્ઠ નેતાઓ જે નિર્ણય લેશે એને તેમનું અને શિવસેનાના તમામ વિધાનસભ્યોનું પૂર્ણ સમર્થન રહેશે. આથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન BJPના જ હશે.

થાણેની પ્રેસ-કૉન્ફરન્સમાં એકનાથ શિંદેએ કહેલી કેટલીક મહત્ત્વની વાત…
 મહાયુતિ તરીકે અમે ચૂંટણી લડીને મોટો વિજય મેળવ્યો છે. અઢી વર્ષમાં અમારી સરકારે કરેલાં કામો પર મતદારોએ મતોનો વરસાદ વરસાવીને અમારી જવાબદારી વધારી દીધી છે. આથી સકારાત્મક અને ઐતિહાસિક સ્થિતિમાં પદને લઈને નારાજ થવાનો પ્રશ્ન જ નથી રહેતો. 
 લોકપ્રિયતા માટે નહીં, કાયમ જનતાના હિત માટે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. હું મુખ્ય પ્રધાન બનવા માટે લૉબિંગ કરી રહ્યો છું એવી ખોટી વાત ફેલાવવામાં આવી રહી છે.
 મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે રાજ્યની સરકાર બનાવવામાં અને મુખ્ય પ્રધાનપદ માટે મારે કારણે કોઈ અડચણ આવતી હોય તો ચિંતા ન કરો, હું કે મારી પાર્ટી તરફથી તમને કોઈ મુશ્કેલી નહીં આવે, તમે જે નિર્ણય લેશો એ અમને માન્ય રહેશે. 
 સામાન્ય કુટુંબનો ખેડૂત છું અને કૉમનમૅન છું એટલે જ બહેન, ખેડૂત, યુવાનો અને બીમારોની સમસ્યા જોઈ શકું છું. 
 BJP, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહના પીઠબળથી અઢી વર્ષમાં ઐતિહાસિક નિર્ણય લેવાયા અને રાજ્ય ફરી દેશનું નંબર વન રાજ્ય બન્યું. 
 અઢી લાખ કરોડ રૂપિયા રાજ્યને કેન્દ્રમાંથી મળવાથી અનેક કામો થઈ શક્યાં છે. આથી હું કેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભારી છું. 
 કેન્દ્ર સરકારના સહયોગથી રાજ્યમાં અનેક સકારાત્મક નિર્ણય લીધા એટલે જનતાએ પ્રચંડ બહુમત આપ્યો. આથી હવે કામ કરવાની જવાબદારી વધી છે.
 હું નારાજ થનારો કે રડનારો માણસ નથી, લડીને લેનારો માણસ છું. શરીરમાં લોહીનું છેલ્લું ટીપું હશે ત્યાં સુધી જનતાના હિતનું કામ કરતો રહીશ.
 લોકપ્રિયતા માટે નહીં, પણ કાયમ જનતા માટે કામ કર્યું છે. કામ કરવા માટે પદનું મહત્ત્વ નથી.
 લાડલી બહિણ યોજના થકી મને તેમના તરફથી લાડલા ભાઉની નવી ઓળખ મળી છે અને આ મારા માટે બહુ મોટી વાત કહેવાય. 
 જીવન મેં અસલી ઉડાન અભી બાકી હૈ, અભી તો નાપી હૈ સિર્ફ મુઠ્ઠી ભર ઝમીન, સારા આસમાન બાકી હૈ. મહાયુતિએ હજી ઘણું કામ કરવાનું છે. આજે વિશ્વમાં ભારતનું નામ રોશન થયું છે એવી જ રીતે દેશમાં મહારાષ્ટ્રનો સંપૂર્ણ વિકાસ કરવાનો છે અને એને સમૃદ્ધ બનાવવાનું છે. 
 મહાયુતિમાં કોઈ નારાજગી નથી. હું કોઈ સ્પીડ-બ્રેકર નથી. એક-બે દિવસમાં મુખ્ય પ્રધાનનો નિર્ણય લેવાઈ જશે. 

mumbai news mumbai eknath shinde bharatiya janata party shiv sena political news maharashtra political crisis maharashtra news