05 May, 2023 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વાય. બી. ચવાણ ઓડિટોરિયમમાંથી બહાર કાર્યકરોને સંબોધવા આવી રહેલા શરદ પવાર. સૈયદ સમીર અબેદી
મુંબઈ : પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ રાજ્યભરમાંથી એનસીપીના પદાધિકારીઓ અને કાર્યકરો ત્રણ દિવસથી શરદ પવારને મળવા મુંબઈ દોડી આવે છે. વાય. બી. ચવાણ સેન્ટરમાં ગઈ કાલે પહોંચેલા પક્ષના નેતાઓ અને કાર્યકરોને શરદ પવાર મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેમના મનમાં જે છે એનો નિર્ણય બે દિવસમાં લેશે એટલે કોઈએ અહીં આવીને આવી રીતે બેસવાની જરૂર નહીં રહે. આમ કહીને શરદ પવારે પક્ષપ્રમુખપદેથી આપેલા રાજીનામા વિશે ફેરવિચાર કરવાનો સંકેત આપી દીધો છે. પક્ષની કોર કમિટીના મોટા ભાગના નેતાઓનો મત છે કે રાજ્ય અને દેશને અત્યારે તેમની જરૂર છે એટલે તેઓ આગામી વિધાનસભા અને લોકભાની ચૂંટણી સુધી પક્ષપ્રમુખપદ પર કાયમ રહે. આથી લાગી રહ્યું છે કે શરદ પવાર આવતી કાલની કોર કમિટીની બેઠકમાં તેમનો આ બાબતનો નિર્ણય જાહેર કરી શકે છે. રાજીનામાના ત્રણ દિવસના ડ્રામામાં શરદ પવારને પક્ષના નેતા અને કાર્યકરોની સાથે બીજા પક્ષના નેતાઓની સહાનુભૂતિ પણ મળી છે એટલે શરદ પવારથી જુદો મત ધરાવતા અજિત પવાર કે બીજા નેતાઓને મેસેજ મળી ગયો છે કે તેઓ કંઈ નવાજૂની કરશે તો તેમને બહુ સમર્થન નહીં મળે. આથી શરદ પવારને જેની અપેક્ષા હતી એ કામ થઈ ગયું છે એટલે તેઓ આવતી કાલે રાજીનામું પાછું ખેંચી શકે છે. તેઓ જો આવો નિર્ણય લેશે તો તેમણે એક કાંકરે અનેક પક્ષીઓને માર્યાં હોવાનું કહી શકાશે.
મંગળવારે વાય. બી. ચવાણ સેન્ટરમાં પોતાના પુસ્તકનું અનાવરણ કરતી વખતે શરદ પવારે અચાનક પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદથી અહીં મોટી સંખ્યામાં એનસીપીના પદાધિકારીઓ અને કાર્યકરો દોડી આવ્યા હતા. આ સિલસિલો ગઈ કાલે પણ કાયમ રહ્યો હતો. અનેક લોકો સતત રાજીનામું પાછું ખેંચવાની માગણીની સાથે અનશન કરી રહ્યા છે એટલે ગઈ કાલે બપોર બાદ શરદ પવાર તેમને મળ્યા હતા.
શરદ પવારે વાય. બી. ચવાણ સેન્ટરમાં અનશન કરી રહેલા કાર્યકરો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં જે નિર્ણય લીધો છે એ પક્ષના ભવિષ્ય માટે છે. અમે જ્યાં સુધી મક્કમતાથી પક્ષની પાછળ ઊભા છીએ, પક્ષ શક્તિશાળી બનાવવા માટેનો મારો હેતુ હતો. હા, એ વાત સાચી છે કે આવો નિર્ણય લેતી વખતે સહયોગીઓ સાથે ચર્ચા કરવી જોઈએ. મને ખબર હતી કે તમારી સાથે ચર્ચા કરી હોત તો તમે ક્યારેય મારી વાત ન માનત. તમને વિશ્વાસમાં લઈને નિર્ણય નથી લીધો એ મારી ભૂલ છે. દેશભરમાંથી પક્ષના અનેક પદાધિકારીઓ આવીને મળ્યા, તેમની સાથે ચર્ચા કરી અને હજી પણ કરીશ. બધા લોકો સાથે ચર્ચા કરીને એક-બે દિવસમાં અંતિમ નિર્ણય લઈશ. કાર્યકરોની જે ભાવના છે એને ધ્યાનમાં રાખીશ. એટલું જ કહું છું કે બે દિવસ બાદ તમને આવી રીતે અનશન પર બેસવાની જરૂર નહીં પડે.’
શરદ પવારે આવું કહીને પક્ષપ્રમુખપદેથી રાજીનામું પાછું ખેંચવાનો સંકેત આપી દીધો છે. ત્રણ દિવસ સુધી એનસીપીના નેતા, પદાધિકારીઓ અને કાર્યકરો પોતાની સાથે જ છે અને પોતાના પ્રત્યે ભરપૂર સહાનુભૂતિ ધરાવે છે એટલે તેમની ભાવનાને ધ્યાનમાં રાખવાની સાથે કોર કમિટીના નેતાઓની આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સુધી પદ પર કાયમ રહેવાની વિનંતીને પણ ધ્યાનમાં રાખશે અને આવતી કાલે બેઠક બાદ રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી શકે છે.
વિધાનસભા-લોકસભાની
ચૂંટણી સુધી મનાવીશું
શરદ પવાર કાર્યકરોને મળ્યા હતા એ પહેલાં એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘કોર કમિટીની બેઠકમાં અમે સાહેબને વિનંતી કરીશું કે આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી તેઓ પદ પર કાયમ રહે. અત્યારે રાજ્યની રાજકીય સ્થિતિ ડામાડોળ છે ત્યારે તેમની રાજ્યને જરૂર છે. લોકસભાની ચૂંટણીને પણ આઠથી દસ જ મહિના બાકી છે ત્યારે દેશમાં પણ વિરોધી પક્ષના નેતા તરીકે તેમની ભૂમિકા મહત્ત્વની છે. પવારસાહેબ પ્રમુખપદે કાયમ રહે એવી માગણી સાથે પક્ષના અનેક પદાધિકારીઓએ તેમનાં રાજીનામાં મને મોકલી આપ્યાં છે. પક્ષમાં તમામ બીજા કોઈને આ પદે જોવા નથી માગતા એટલે મને વિશ્વાસ છે કે અમારી વિનંતી માન્ય રાખશે.’
આજે ૧૧ વાગ્યે બેઠક
શરદ પવારે પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપી દીધા બાદ એનસીપીમાં કોર કમિટી ગઠિત કરવામાં આવી છે. આ કમિટીની આજે સવારના ૧૧ વાગ્યાથી વાય. બી. સેન્ટરમાં બેઠક બોલાવવામાં આવી છે. કોર કમિટીમાં જયંત પાટીલ, સુપ્રિયા સુળે, અજિત પવાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ, જિતેન્દ્ર આવ્હાડ, અનિલ દેશમુખ, હસન મુશરિફ, એકનાથ ખડસે સહિતના પક્ષના મોટા નેતાઓનો સમાવેશ છે. બેઠકમાં શરદ પવારને ફરી એક વખત રાજીનામું પાછું ખેંચવાની વિનંતી કરવામાં આવશે. આમ છતાં શરદ પવાર મક્કમ રહેશે તો આગામી પક્ષપ્રમુખપદની નિયુક્તિ બાબતે ચર્ચા કરવામાં આવશે.
અજિત પવાર પર શાબ્દિક હુમલો
શરદ પવાર બાદ એનસીપીનું સુકાન સંભાળવા બાબતે અત્યારે સુપ્રિયા સુળે અને અજિત પવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. શરદ પવાર જો રાજીનામું પાછું નહીં ખેંચે તો પક્ષની ધુરા અજિત પવારને જ સોંપાવાની શક્યતા છે ત્યારે શરદ પવારના રાજકીય ગુરુ વસંતદાદા પાટીલનાં પત્ની અને ભૂતપૂર્વ વિધાનસભ્ય શાલિની પાટીલે ગઈ કાલે અજિત પવાર બાબતે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. એક મરાઠી ચૅનલના માધ્યમથી શાલિની પાટીલે કહ્યું હતું કે ‘અજિત પવારને એનસીપીનું અધ્યક્ષપદ ન દેવું જોઈએ. જરંડેશ્વર કારખાનામાં અજિત પવારે ૧૪૦૦ કરોડ રૂપિયાનું મની લૉન્ડરિંગ કર્યું છે. મને સવાલ થાય છે કે ૧૦૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના મામલામાં હસન મુશરિફ સામે ઈડી તપાસ કરી રહી છે, પણ અજિત પવારને કેમ હજી સુધી બોલાવ્યા નથી? અજિત પવારની ઉપર બીજેપીના મોટા નેતાનો હાથ છે. આથી આ મામલે તપાસ નથી થઈ રહી. અજિત પવાર અનેક ગુનામાં સંકળાયેલા છે એટલે તેમની ગમે ત્યારે ધરપકડ પણ થઈ શકે છે. આથી સુપ્રિયા સુળેને જ પક્ષનું સુકાન સોંપાવું જોઈએ. હું ૯૦ વર્ષની છું છતાં આજેય બધું કામકાજ સંભાળું છું. શરદ પવાર મારાથી ઉંમરમાં નાના છે એટલે તેમણે ઉંમરનું બહાનું કરવાને બદલે હજી રાજ્ય અને કેન્દ્રમાં કામ કરવું જોઈએ.’
રાહુલ ગાંધી-સ્ટૅલિનની વિનંતી
શરદ પવાર પક્ષપ્રમુખદનું રાજીનામું પાછું ખેંચી લે એવી એનસીપીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોની માગણી કરી રહ્યા છે ત્યારે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને પણ શરદ પવાર પક્ષપ્રમુખપદે કાયમ રહે એવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે સુપ્રિયા સુળેને ફોન કરીને શરદ પવારને આ મામલે પુન:વિચાર કરવાનું કહ્યું હતું.
સંજય રાઉતે સુપ્રિયા સુળે-અજિત પવાર વચ્ચે આગ લગાવી
ઉદ્ધવ ઠાકરે જૂથના મુખપત્ર સામનાના અગ્રલેખમાં સંજય રાઉતે સુપ્રિયા સુળે અને અજિત પવાર વચ્ચે આગ લગાવી હોવાનો દાવો બીજેપીના વિધાનસભ્ય નીતેશ રાણેએ ગઈ કાલે કર્યો હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે ‘સંજય રાઉત ઉદ્ધવ ઠાકરે પરિવાર અને શરદ પવારના પરિવારમાં આગ લગાવવાનું કામ કરી રહ્યા છે. તેઓ પહેલાં સમાજવાદી વિચારના હતા. હવે હિન્દુત્વની વાત કરે છે. આ વ્યક્તિ ડબલ ઢોલકી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ આ વ્યક્તિથી સંભાળવું જોઈએ. મરાઠી લોકોના હિતની તેઓ વાત કરે છે, પણ ગોરેગામમાં આવેલી પત્રાચાલમાં સામાન્ય મરાઠી માણસો સાથે શું કરવામાં આવ્યું છે એના વિશે કેમ કંઈ બોલતા નથી? તેજસ ઠાકરેનું હોટેલનું ૯૭ હજાર રૂપિયાનું ખોટું બિલ રજૂ કરીને તે ઠાકરે પરિવારની બદનામી કરી રહ્યા છે. મારું માનવું છે કે ઠાકરે પરિવાર ક્યારેય કોઈ બિલ ચૂકવતું નથી. તો આવું ખોટું બિલ રજૂ કરીને સંજય રાઉત શું સાબિત કરવા માગે છે?’
૮થી ૧૨ મે વચ્ચે સત્તાસંઘર્ષના ચુકાદાની શક્યતા
શિવસેનાના સત્તાસંઘર્ષની સુનાવણી સુપ્રીમ કોર્ટની પાંચ જસ્ટિસની બંધારણીય બેન્ચ સમક્ષ ૧૬ માર્ચે સુનાવણી પૂરી દેવામાં આવી હતી અને કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. દોઢ મહિનાથી ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે. જોકે જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટ ૮થી ૧૨ મે દરમ્યાન ચુકાદો આપે એવી શક્યતા છે. પાંચ જસ્ટિસમાંથી એક જસ્ટિસ એમ. આર. શાહ ૧૫ મેએ નિવૃત્ત થઈ રહ્યા છે અને ૧૩ અને ૧૪ મેએ શનિવાર અને રવિવાર છે. આથી ૮ મેથી શરૂ થતા આવતા અઠવાડિયાના સમયમાં જ શિવસેના સત્તા સંઘર્ષનો ચુકાદો ખંડપીઠ આપી શકે છે. આ બધા વચ્ચે કાયદાપ્રધાન કિરણ રિજિજુ અને મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર એકબીજાને મળ્યા હતા. જોકે તેમણે આ મીટિંગ રાજકીય ન હોવાનો દાવો કર્યો હતો.