midday

આંખ સામે જોયું મોત

12 October, 2023 12:40 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

મુંબઈના ઢોલક-પ્લેયર અને તેમના પુત્રને ઇઝરાયલમાં થયો આવો અનુભવ : મ્યુ‌ઝિક-શોમાં ગયા હતા ત્યારે હોટેલમાં ફાયરિંગ અને ધડાકાના અવાજ સાંભળ્યા : માંડ-માંડ ઍરપોર્ટ પહોંચીને ઇન્ડિયા આવ્યા
ગિરીશ વિશ્વ

ગિરીશ વિશ્વ

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાણીતા અને ઇન્ડિયન આઇડલ, સારેગામાપા અને અનેક સિન્ગિંગ રિયલિટી શોના ઢોલક પ્લેયર/પર્ક્યુશનિસ્ટ ગિરીશ વિશ્વ અને તેમના પુત્ર મૌસમ વિશ્વએ ઇઝરાયલમાં મોતનો અનુભવ કર્યો હતો. આજુબાજુ તબાહી અને ફાયરિંગ વચ્ચે પિતા-પુત્ર માંડ-માંડ ઍરપોર્ટ પહોંચ્યા હતા. ભારત પહોંચ્યા બાદ તેમણે જીવ બચ્યો હોવાથી રાહતનો શ્વાસ લીધો હતો.

ચોથી ઑક્ટોબરે ઇઝરાયલમાં મ્યુઝિક-શો હોવાથી ગિરીશ વિશ્વ અને તેમનો પુત્ર મૌસમ ઇઝરાયલ ગયા હતા. સાતમી ઑક્ટોબરે તેમની ભારત પાછા આવવાની ફ્લાઇટ હતી. એ પહેલાં જ સવારના સાડાછ વાગ્યે ધડાકા અને ફાયરિંગના અવાજ આ‍વવાની શરૂઆત થઈ ગઈ હતી. પોતાના ભયજનક અનુભવ ‌વિશે વાત કરતાં મૌસમ વિશ્વએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જે દિવસે ભારત આવવાના હતા એ દિવસે સવારે જ હુમલો થયો હતો. અમે ઇઝરાયલના એક્સોલેન સિટીમાં હતા જે ગાઝા બૉર્ડરથી પાંચથી છ કિલોમીટર દૂર છે. સવારે ફાયરિંગ અને ધડાકાના અવાજ એટલા ભયંકર હતા કે બધા ગભરાઈ ગયા હતા. આ બધું જોઈને ગભરામણ થવા લાગી હતી. સતત ત્રણ કલાક ફાયરિંગના જ અવાજ આવી રહ્યા હતા.’

બધી ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ હોવાથી અને બહારનું વાતાવરણ ડરામણું હોવાથી બહાર તો જઈ શકીએ એમ નહોતા એમ જણાવીને મૌસમે કહ્યું હતું કે ‘ત્યાર બાદ બીજા દિવસે અમારા પ્રોગ્રામના ઑર્ગેનાઇઝરે ઍરપોર્ટ ચાલુ હોવાનું જણાવીને અમને તરત જ નીકળવા કહ્યું હતું. તેઓ અમને હોટેલથી ૬૦ કિલોમીટર દૂર આવેલા ઍરપોર્ટ પર કારમાં મૂકવા આવ્યા હતા. કારમાં અમે એક કલાક બેઠા હતા; પરંતુ રસ્તાની બન્ને બાજુ ફક્ત સળગેલી કાર, ધરાશાયી થયેલાં બિ‌લ્ડિંગો અને આગ લાગેલી ફૅક્ટરીઓ જોવા મળી રહ્યાં હતાં. કોઈ પણ સમયે અમારી કાર પર પણ હુમલો થઈ શકે એમ હતો. કાર ફુલ સ્પીડમાં ચલાવીને અમે ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. જોકે અમારી ફ્લાઇટ સાત કલાક મોડી હતી અને ૯ ઑક્ટોબરે અમે ભારત પાછા આવ્યા હતા. અમારાં નસીબ સારાં હતાં કે અમને ફ્લાઇટ મળી અને એ પછી તો ઍરપોર્ટ બંધ થઈ ગયું હતું.’

israel mumbai mumbai news preeti khuman-thakur