08 May, 2024 07:04 AM IST | Mumbai | Mehul Jethva
એક્ઝામ પહેલાંના શૂટ વખતે હાર્દિક પંડ્યા સાથે ઇશ્તિ ઠક્કર.
એક્ઝામના આગલા દિવસે ૬ કલાક હાર્દિક પંડ્યા સાથે શૂટ કરીને પણ હિસ્ટરી ઍન્ડ સિવિક્સમાં કમાલ કરી બાંદરાની આ ગુજરાતી ટીનેજરે
બાંદરામાં રહેતી ઇશ્તિ આશિષ ઠક્કર તેની ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)ના દસમા ધોરણની પરીક્ષામાં બીજા અનેક વિદ્યાર્થીઓની જેમ બહુ જ સારા ટકા લાવી છે, પણ તેના આ રિઝલ્ટની પાછળ ખાસ વાત એ છે કે તે હિસ્ટરી ઍન્ડ સિવિક્સના પેપરના આગલા દિવસે છ કલાક સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે હાર્દિક પંડ્યા સાથે શૂટ કરી રહી હોવા છતાં એમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ લાવી છે. એટલું જ નહીં, તેણે ઓવરઑલ પણ ૫૦૦માંથી ૪૯૩ માર્ક્સ સાથે ૯૮.૬૦ ટકા મેળવ્યા છે. હાર્દિક પંડ્યાની ફૅન ઇશ્તિને ભવિષ્યમાં પપ્પાની જેમ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાની ઇચ્છા છે.
ખારની બીકન હાઈ સ્કૂલની ટૉપર ઇશ્તિને નાનપણથી મારી જેમ ક્રિક્રેટનો બહુ જ શોખ છે એવું જણાવીને તેના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પપ્પા આશિષ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇશ્તિએ દસમા ધોરણમાં ૯૫+ ટકા મેળવવાની અપેક્ષા રાખી હતી અને એના માટે તેણે જોરદાર મહેનત પણ કરી હતી. જોકે તેણે પોતાની ફેવરિટ ક્રિકેટમૅચો જોવામાં કોઈ કૉમ્પ્રોમાઇઝ નહોતું કર્યું. આખા વર્ષ દરમ્યાન તેણે મોટા ભાગની મૅચો આખેઆખી જોઈ હતી. IPLમાં કયો ક્રિક્રેટર કોના માટે રમવાનો છે, તે કેટલામાં વેચાયો છે, તેણે કેટલી સિક્સ-ફોર મારી, કોણે-કેટલી વિકેટ લીધી એવી તમામ માહિતીઓ તેને મોઢે છે. આ વર્ષના ફેબ્રુઆરીની શરૂઆતમાં મને જાણ કરવામાં આવી હતી કે મુંબઈ ઇન્ડિયસના કૅપ્ટન સાથે શૂટ છે અને એના માટે આખા મુંબઈમાંથી બે બાળકોને સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં, જેમાં ઇશ્તિ પણ હતી. ઇશ્તિ પણ આ શૂટને લઈને બહુ જ ખુશ હતી, પણ એમાં એવું થયું કે ૨૬ ફેબ્રુઆરીએ તેનું હિસ્ટરી ઍન્ડ સિવિક્સનું પેપર હતું અને ૨૫ ફેબ્રુઆરીએ વિર્લે પાર્લેમાં શૂટ રાખવામાં આવ્યું હતું. શૂટના દિવસે હું અને ઇશ્તિ બપોરે જ પહોંચી ગયાં હતાં. જોકે ત્યાં છ કલાક લાગ્યા હતા, પણ ઇશ્તિએ એની અસર તેના પેપર પર નહોતી થવા દીધી. તેણે આ પેપરમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે, જ્યારે એની પહેલાં લેવાયેલી જ્યોગ્રાફીની પરીક્ષામાં તેને ૯૮ માર્ક્સ આવ્યા છે.’
૧૯૯૬માં મારી Bcomની પરીક્ષા હતી ત્યારે પણ મેં આખો વર્લ્ડ કપ જોઈને ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હતો એમ જણાવતાં આશિષ ઠક્કરે વધુમાં કહ્યું હતું કે ‘ઇશ્તિ મારા અને તેના દાદાની જેમ ક્રિકેટનીજબરી ફૅન છે. તમે એવું પણ કહી શકો કે અમારા પરિવારના લોહીમાં ક્રિકેટ છે. જ્યારે પણ આપણી મૅચ હોય ત્યારે અમારા ઘરની દરેક વ્યક્તિ ટીવી સામે બેસી જાય છે એટલું જ નહીં, મુંબઈ કે આસપાસમાં ક્યાંય મૅચ હોય તો અમે ઍડ્વાન્સમાં ટિકિટ કઢાવીને મૅચના દિવસે સ્ટેડિયમ પર પહોંચી જતાં હોઈએ છીએ. મારી દીકરીને ક્રિકેટ-ક્રેઝ વારસામાં મળ્યો છે, પણ સારી વાત એ છે કે તે પોતાની સ્ટડીને પણ બૅલૅન્સ કરી લે છે. આ જ કારણસર તેનું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે.’
માર્કશીટ
હિન્દી ૯૬
ઇકૉનૉમિક્સ ૧૦૦
હિસ્ટરી, સિવિક્સ ઍન્ડ જ્યોગ્રાફી ૯૮
મૅથ્સ ૯૯
સાયન્સ ૧૦૦