ઈશા અંબાણી સાથે રોબો ટ‍્વિન બેબીઝ જોઈને સોશ્યલ મીડિયા ચકરાવે ચડી ગયું

28 June, 2024 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાણીતાં ફૅશન અને કૉસ્ચ્યુમ-સ્ટાઇલિસ્ટ અનીતા શ્રોફ અડાજણિયાએ સોશ્યલ મીડિયા પર ઈશા અંબાણીનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો હતો.

ઈશા અંબાણી સાથે રોબો ટ‍્વિન બેબીઝ

અબજોપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી જાહેરમાં કે સોશ્યલ મીડિયા પર બહુ જોવા નથી મળતી. જોકે તે જ્યારે પણ કોઈ ઇવેન્ટ કે ફોટોશૂટનો ભાગ બને એટલે તરત ચર્ચામાં આવી જાય છે. આ વખતે તે ટ‍્વિન બેબીઝને કારણે ચર્ચામાં છે. આ બેબીઝ ઍક્ચ્યુઅલી ઈશા અંબાણીનાં ટ‍્વિન્સ- ક્રિશ્ના અને આદિત્ય નથી, પણ રોબો છે. જાણીતાં ફૅશન અને કૉસ્ચ્યુમ-સ્ટાઇલિસ્ટ અનીતા શ્રોફ અડાજણિયાએ સોશ્યલ મીડિયા પર ઈશા અંબાણીનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં ઈશા અંબાણીના લુક કરતાં પ્રોપ્સ તરીકે મૂકવામાં આવેલા બે રોબો બેબીઝે લોકોમાં ઉત્સુકતા જગાવી હતી. ઈશાએ લક્ઝરી બ્રૅન્ડ મેઇસન શિયાપરેલીનો ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે બે ટ‍્વિન-ટૉય બેબી હતાં જેમાંથી એકને તેણે પોતાના હાથમાં પકડ્યું હતું. આ રોબો બેબીઝ એટલે કે બાયોનિક ડૉલ્સ ઈશા અંબાણીનાં ટ‍્ન્વિન્સનું પ્રતિનિધિત્વ કરે છે અને એને ૨૦૦૦ના દાયકાની ટેક્નૉલૉજી અને ૯૦ના દાયકાના નૉસ્ટેલ્જિયાના ફ્યુઝન તરીકે દેખાડવામાં આવ્યું છે. આ રોબો બેબીઝ શિયાપરેલી બ્રૅન્ડના સ્પ્રિંગ ૨૦૨૪ના ફૅશન કલેક્શનનો ભાગ છે જેને એક ફૅશન-શોમાં રિહાના જેવી સેલિબ્રિટીએ કૅરી કર્યા હતા.

Isha Ambani photos mumbai news life masala mumbai