29 March, 2024 10:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદેની તસવીર
લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા દર મહિને સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું કહેવાય છે. વિરોધીઓની સાથે એકનાથ શિંદે જૂથના નેતાઓનો આરોપ છે કે સર્વેના નામે શિવસેનાની કેટલીક બેઠકો આંચકવાનો પ્રયાસ BJP દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉમેદવાર વિજયી થવાની શક્યતા ન હોવાનો સર્વે જાહેર કરીને આમ કરવામાં આવી રહ્યું હોવાનું તેમનું કહેવું છે. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની નજીકના ગણાતા વિધાનસભ્ય સંજય શિરસાટે ગઈ કાલે કહ્યું હતું કે ‘દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગી કરવાનો નિર્ણય લે છે. શિવસેનાનો નિર્ણય એકનાથ શિંદે તો BJPનો નિર્ણય દેવેન્દ્ર ફડણવીસ કે બીજા નેતાઓ લે છે. આવી જ રીતે અજિત પવાર તેમના પક્ષનો નિર્ણય લે છે. BJP કે અજિત પવારના પક્ષનો ફેંસલો એકનાથ શિંદે ન લઈ શકે. BJP દ્વારા દર મહિને બેઠકોનો સર્વે કરવામાં આવી રહ્યો હોવાનું મેં પણ સાંભળ્યું છે, પણ તે તેમના પાર્ટીના નેતાઓ માટે આમ કરે છે. શિવસેનાની બેઠક અને ઉમેદવારની પસંદગી કરવાનો અધિકાર અમે એકનાથ શિંદેને આપ્યો છે. તેઓ નિર્ણય લેવામાં સક્ષમ છે એટલે BJP શિવસેનાની બેઠક પડાવવા માટેનો પ્રયાસ કરી રહી હોવાની ચર્ચાને કોઈ સ્થાન નથી.’