શું મુંબઈની જાણીતી હીરાની કંપની યુદ્ધને સ્પૉન્સર કરી રહી છે?

18 September, 2023 10:00 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ‍્સ નામની કંપની પર આવો આરોપ કર્યો છે યુક્રેને.

રશિયાએ કરેલા હુમલામાં યુક્રેનની સુપ્રસિદ્ધ સ્કૂલને થયેલા નુકસાનની ફાઇલ તસવીર

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ‍્સ નામની કંપની પર આવો આરોપ કર્યો છે યુક્રેને. એનું કહેવું છે કે આ કંપનીએ રશિયાને ૧૩૨ મિલ્યન ડૉલરનું પેમેન્ટ કરીને એને યુદ્ધમાં આડકતરી રીતે આર્થિક મદદ કરી છે. ભારત સરકારે આ મામલાની ગંભીર નોંધ લઈને એસઆરકે સહિતની ભારતીય કંપનીઓને યુક્રેનની ઇન્ટરનૅશનલ વૉર સ્પૉન્સર કરતી કંપનીની યાદીમાંથી કઢાવવા માટે શરૂ કરી હિલચાલ 

રશિયાએ યુક્રેન પર હુમલો કરવાને લીધે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીને ગંભીર અસર પહોંચી છે અને અત્યારે આ ધંધામાં ભયંકર મંદી ચાલી રહી છે ત્યારે યુક્રેનની એજન્સીએ એસઆરકે તરીકે ઓળખાતી ડાયમન્ડની કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ‍્સને ઇન્ટરનૅશનલ વૉર સ્પૉન્સર કરતી કંપનીની યાદીમાં મૂકી હોવાનું જાણવા મળ્યું હતું. આથી ડાયમન્ડ માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે.

યુક્રેનની નૅશનલ એજન્સી ઑન કરપ્શન પ્રિવેન્શન (એનએસીપી)એ દુનિયાભરની ૨૦ કંપનીઓને ટાર્ગેટ બનાવી છે જેમાં સી. કે. બિરલા ગ્રુપ, હિન્દુસ્તાન યુનિલીવર, પેપ્સિકો સહિત સુરત અને મુંબઈ સહિત વિદેશમાં પણ ડાયમન્ડનું કામકાજ કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સનો સમાવેશ થાય છે. યુક્રેનની એજન્સીના નિવેદન બાદ એસઆરકે કંપનીની મુશ્કેલી વધી શકે છે, કારણ કે એસઆરકે કંપનીનો મોટા ભાગનો બિઝનેસ યુરોપ અને અમેરિકામાં છે. આથી તેઓ જો એસઆરકે કંપનીને બ્લૅકલિસ્ટમાં મૂકી દે તો આ કંપનીના બિઝનેસને ગંભીર અસર થઈ શકે છે.
રશિયાના સરકારી મીડિયા સ્પુટનિક, ન્યુઝ એજન્સી રૉઇટર્સ અને ટ્રિબ્યુન અખબારે યુક્રેનની એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં ભારતની ટોચની ડાયમન્ડ એક્સપોર્ટ કરતી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપનીએ રશિયાને ૧૩૨ મિલ્યન ડૉલરનું પેમેન્ટ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આમ કરીને આ કંપનીએ રશિયાને યુદ્ધમાં આર્થિક મદદ કરવાનો આરોપ કર્યો છે.

યુક્રેનની એજન્સીના નિવેદનમાં એવું જણાવાયું છે કે એસઆરકેએ ૨૦૨૧માં રશિયા પાસેથી હીરા ખરીદ્યા હતા એનાથી ત્રણગણો માલ ૨૦૨૩માં ખરીદવામાં આવ્યો છે. ૨૦૨૩ના છ મહિનામાં આ કંપનીએ હીરા ખરીદવા બદલ ૧૩૨ મિલ્યન ડૉલરનું પેમેન્ટ કર્યું છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યાં બાદ રશિયા સાથે ડાયરેક્ટ બિઝનેસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં એસઆરકે રશિયા સરકારની માલિકીની કંપની અલરોસામાંથી કાચા હિરાની ખરીદી કરીને આડકતરી રીતે યુદ્ધને સ્પૉન્સર કરી રહી છે.

એસઆરકે એક્સપોર્ટ્સ ટોચની ડાયમન્ડ પ્રોસેસિંગ કરતી કંપની છે જે ડી બિયર્સ, આર્કટિક કૅનેડિયન ડાયમન્ડ કંપની અને રિયો ટિટો જેવી કંપનીઓ પાસેથી કાચા હીરાની ખરીદી કરીને પ્રોસેસ કરે છે. પૉલિશ કરવામાં આવેલા ડાયમન્ડ બાદમાં એસઆરકે યુરોપ અને અમેરિકામાં વેચે છે. યુરોપ અને યુએસ જો યુક્રેન એજન્સીના નિવેદનને ગંભીરતાથી લેશે તો એસઆરકે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે આ બાબતને ભારત સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે એટલે એસઆરકે સહિતની ભારતની કંપનીઓને યુક્રેનની એજન્સીની યાદીમાંથી બહાર કાઢવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સનું શું કહેવું છે?
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ દ્વારા આ બાબતે નિવેદન જારી કરવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘યુક્રેનની એજન્સીએ રશિયા-યુક્રેન વૉર બાબતે ભારતની ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરીને વૈશ્વિક ધોરણે ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપ થકી ભારતની પ્રતિષ્ઠિત બિઝનેસ કંપનીને અન્યાયી રીતે નિશાન બનાવી છે. ૨૦૨૩માં અમે રશિયા પાસેથી એક પણ રૂપિયાના હીરાની ખરીદી નથી કરી. આથી ૧૩૨ મિલ્યન ડૉલરનું પેમેન્ટ કરવાનો પ્રશ્ન જ નથી. યુક્રેનની એજન્સીએ એસઆરકેને આ યાદીમાં મૂકીને ભારતીય વ્યાપારની સાથે રોજગારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરીને ભારતના હીરાઉદ્યોગને કલંકિત કર્યો છે. આનાથી રાષ્ટ્રની વ્યાવસાયિક પ્રતિષ્ઠાને બહુ મોટું નુકસાન પહોંચી શકે છે. ડાયમન્ડ ઉદ્યોગની સાથે એસઆરકે હંમેશાં પારદર્શિતા, અખંડિતતા અને નૈતિક આચરણના સિદ્ધાંતો પર આધારિત છે. કંપનીએ એના સમગ્ર ઇતિહાસમાં કોઈ પણ અપવાદ વિના આ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જવાબદાર વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની એની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે, જે છેલ્લાં ૫૦ વર્ષનો ટ્રૅક રેકૉર્ડ છે. વિશ્વસ્તરે જેમ્સ ઍન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી સ્પષ્ટપણે શાંતિ અને સંવાદિતા ભાર મૂકે છે.  એસઆરકે નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે સમર્પિત છે. અમે યુદ્ધને લીધે પ્રતિબંધ મૂકવામાં આવી હોય એવી કોઈ રશિયન કંપની સાથે વ્યવહાર નથી કર્યો.’

આ દેશોની કંપનીઓને ટાર્ગેટ કરાઈ
ભારતની કંપનીઓ ઉપરાંત યુક્રેનની એજન્સીએ ચીનની ૯, અમેરિકાની ૭, ગ્રીસની ૭, ફ્રાન્સની ૪, ઈટાલીની ૨ તથા બ્રિટન, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, સ્વીટઝરલૅન્ડ સહિતના દેશોની કંપનીઓને ઈન્ટરનૅશનલ વૉર સ્પૉન્સર કરતી કંપનીની યાદીમાં મૂકી છે. 

russia ukraine india diamond market mumbai mumbai news prakash bambhrolia