મુલુંડની એમટી અગ્રવાલ હૉસ્પિટલ છે શોભાના ગાંઠિયા સમાન

07 September, 2023 12:15 PM IST  |  Mumbai | Mehul Jethva

અહીં થતી બ્લડ ટેસ્ટનો રિપોર્ટ ત્રણ દિવસ બાદ મળતો હોવાથી અમુક કેસમાં રિપોર્ટના અભાવે ટ્રીટમેન્ટ શું કરવી એ નક્કી નથી કરી શકાતું અને એને લીધે ઘણી વાર દરદીની તબિયત વધુ કથળે છે

મુલુંડની એમટી અગ્રવાલ હૉસ્પિટલ

મુલુંડમાં પાલિકા સંચાલિત એમટી અગ્રવાલ હૉસ્પિટલમાં દિવસે-દિવસે સુવિધાના અભાવે મોટી પરેશાની થઈ રહી છે. હૉસ્પિટલમાં આઇસીયુ વિભાગ તો છેલ્લા કેટલાક મહિનાથી બંધ પડ્યો છે અને બ્લડ ટેસ્ટનો રિપોર્ટ ત્રણ દિવસ પછી મળે છે. જોકે સવાલ એ છે કે દરદીને જો હાર્ટ-અટૅક આવ્યો હોય કે તેને વધુ મોટી બીમારી હોય તો તરત એને બ્લડ ટેસ્ટના રિપોર્ટની જરૂર હોય છે જેનાથી ડૉક્ટર આગળનો ઇલાજ કરી શકે, પણ એને માટેની કોઈ સુવિધા અહીં નથી.

મુલુંડની આશરે ૬થી ૭ લાખની વસ્તી વચ્ચે પાલિકાની પહેલા નંબરે આવતી એમટી અગ્રવાલ હૉસ્પિટલ છે અને એમાં દરરોજ ૫૦થી વધુ દરદીઓ ઇમર્જન્સી સારવાર માટે આવે છે ત્યારે આ હૉસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ છે. એક બાજુ બોગસ ડૉક્ટરનાં સ્કૅમ અને બીજી બાજુ ૧૦ બેડનો આઇસીયુ વૉર્ડ ડૉક્ટરના અભાવે બંધ કરવામાં આવ્યો છે. અહીં આવતા ઇમર્જન્સી માટેના દરદીઓને સાયન અથવા સેવન હિલ્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે. એ ઉપરાંત અહીં ચાલતી લૅબનો રિપોર્ટ ત્રણ દિવસ પછી મળતો હોવાથી કેટલાક દરદીઓની તબિયત વધુ કથળી જાય છે.

કેટલાક કિસ્સામાં દરદીને હાર્ટ-અટૅક આવે છે ત્યારે દરદીનું લોહી જાડું થવાને કારણે તેને હાર્ટ-અટૅક આવ્યો હોવાનું જણાય છે, પણ સાચું કારણ શોધવા માટે ડૉક્ટર ટ્રોપોનિન આઇ ટેસ્ટ કરવાનું કહે છે અને એ પછી ઇલાજ કરવામાં આવે છે. જો કોઈ દરદી હાર્ટ-અટૅક સંબંધી ફરિયાદ સાથે આવ્યો હોય તો એની બ્લડ-ટેસ્ટ અહીં કરવામાં આવે છે, પણ એનો રિપોર્ટ પાલિકાને બીજા દિવસે મળે છે. આવા કિસ્સામાં દરદીનો જીવ જવાની શક્યતા પણ હોય છે.

એમટી અગ્રવાલ હૉસ્પિટલમાં ‘ત્રણ દિવસ પછી રિપોર્ટ મળશે’ એવું લગાડાયેલું બોર્ડ

એમટી અગ્રવાલ મ્યુનિસિપલ હૉસ્પિટલનાં ચીફ મેડિકલ ઑફિસર ડૉ. સ્નેહા ખેડેકરે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘પાલિકા તરફથી બ્લડ ટેસ્ટ માટે કૃષ્ણ લૅબ છે, જે પ્રાઇવેટ છે એને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. એ લૅબ બહાર હોવાથી એનો રિપોર્ટ અમારી પાસે એક-બે દિવસ પછી મળે છે.’

તેમને પૂછવામાં આવ્યું કે હાર્ટ-અટૅક પછી વધુ કોઈ ઇમર્જન્સી બીમારીમાં દરદીની તાત્કાલિક બ્લડ ટેસ્ટ અને એના રિપોર્ટની જરૂર પડે તો તમે કઈ રીતે હૅન્ડલ કરો? એના જવાબમાં તેમણે કહ્યું કે અમે દરદીનાં સગાંને બહારથી રિપોર્ટ કરાવવાની સ્લાહ આપીએ છીએ.

mulund mumbai mumbai news mehul jethva