26 November, 2024 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રશ્મિ શુક્લાની ફાઇલ તસવીર
આઇપીએસ (IPS) અધિકારી રશ્મિ શુક્લા (Rashmi Shukla)ને ફરી એકવાર મહારાષ્ટ્ર (Maharashtra)ના પોલીસ મહાનિર્દેશક (Director General of Police - DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલા ૪ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2024) પહેલા ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચ (Election Commission - ECI)એ તેમની બદલી કરી હતી. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર ડીજીપીના પદ પરથી રશ્મિ શુક્લા (IPS Rashmi Shukla Returns)ની તાત્કાલિક બદલીના આદેશ આપ્યાના થોડા દિવસો બાદ આ ઘટના બની છે. ચૂંટણી પંચે મુખ્ય સચિવને કેડરમાં આગામી વરિષ્ઠ-સૌથી વધુ IPS અધિકારીને ચાર્જ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. રશ્મિની જગ્યાએ સંજય કુમાર વર્મા (Sanjay Kumar Verma) IPSને DGPની કમાન સોંપવામાં આવી હતી.
વિધાનસભા ચૂંટણી પહેલા રશ્મિ શુક્લાની તાત્કાલિક બદલીના આદેશ ચૂંટણી પંચે આપ્યા હતા. ચૂંટણી પંચે મુખ્ય સચિવને કેડરના આગામી વરિષ્ઠ IPS અધિકારીને ચાર્જ સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણીમાં ગેરરીતિઓ અંગે કોંગ્રેસ (Congress) અને અન્ય મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi - MVA) નેતાઓની ફરિયાદો બાદ પંચે આ પગલું ભર્યું હતું. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને શાનદાર જીત હાંસલ કરી છે. ગઠબંધનને રાજ્ય વિધાનસભાની 288 બેઠકોમાંથી 230 બેઠકો મળી હતી.
વાસ્તવમાં, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે (Nana Patole)એ રશ્મિ શુક્લાને ભાજપ (Bharatiya Janata Party – BJP)ની નજીક ગણાવીને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભાજપે પોતાના ચૂંટણી લાભ માટે રશ્મિ શુક્લાને આ પદ પર નિયુક્ત કર્યા છે. આ પછી શુક્લાને ૪ નવેમ્બરે ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા હતા, જ્યારે તેમના સ્થાને વરિષ્ઠ IPS અધિકારી સંજય કુમાર વર્માને કાર્યકારી DGP નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રશ્મિ શુક્લાના ટ્રાન્સફર અંગે શરદ પવાર (Sharad Pawar)એ કહ્યું હતું કે, ચૂંટણી પંચે યોગ્ય નિર્ણય લીધો છે. અમે આ નિર્ણયને આવકારીએ છીએ.
રશ્મિ શુક્લાની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અસ્થાયી રૂપે તેમના પદ પરથી ટ્રાન્સફર કરવામાં આવી હતી, રશ્મિ શુક્લા, 1988 બેચના IPS અધિકારી, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક (DGP) છે. અગાઉ, વરિષ્ઠ પોલીસ અધિકારી રાજ્ય ગુપ્તચર વિભાગના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. રશ્મિ શુક્લાએ ૨૨ વર્ષની ઉંમરે IPS બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેમની નિવૃત્તિ આ વર્ષે જૂનમાં નક્કી કરવામાં આવી હતી, પરંતુ સરકારે તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો.
દરમિયાન કોંગ્રેસ (Congress)એ સોમવારે ચૂંટણી પંચ પાસે IPS અધિકારી રશ્મિ શુક્લા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસનો આરોપ છે કે રશ્મિ શુક્લાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સાથે મુલાકાત કરીને ચૂંટણી આચાર સંહિતાનો કથિત ભંગ કર્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, શુક્લા પર વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવા સહિતના ઘણા ગંભીર આરોપો છે. કોંગ્રેસે ચૂંટણી દરમિયાન તેમને ડીજીપી પદ પરથી હટાવવાની માંગ કરી હતી અને તેમને હટાવવામાં આવ્યા હતા. જોકે, ૨૩ નવેમ્બરે ચૂંટણીના પરિણામોની જાહેરાત અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે આચારસંહિતા નાબૂદ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે સોમવારે રાજ્ય સરકારે શુક્લાની ફરજિયાત રજા રદ કરી હતી અને તેમને DGP તરીકે જવાબદારી સંભાળવાની સૂચના આપી હતી.