26 June, 2024 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૈસર ખાલિદ
ઘાટકોપર હોર્ડિંગ કૌભાંડમાં કથિત ભૂમિકાનો આરોપ થયા બાદ ગઈ કાલે ૧૯૯૭ના બૅચના ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારી કૈસર ખાલિદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘાટકોપર-ઈસ્ટમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ૧૩ મેએ ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (BPCL)ના પેટ્રોલ-પમ્પની બહાર ઈગો મીડિયા દ્વારા ઊભું કરાયેલું હોર્ડિંગ ધરાશાયી થયું હતું જેમાં ૧૭ લોકોનાં મૃત્યુ થવા સાથે ૭૫ કરતાં વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા આ ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરીને તપાસ કરવામાં આવતાં કૈસર ખાલિદનાં પત્નીની કંપની અને ઈગો મીડિયા વચ્ચે નાણાકીય વ્યવહારોના પુરાવા મળી આવ્યા હોવાનો આરોપ SIT દ્વારા કરવામાં આવ્યો હતો.
ઘાટકોપરની દુર્ઘટના બાદ SITએ ઈગો મીડિયાના ડિરેક્ટર સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. તપાસમાં SITને જાણવા મળ્યું હતું કે ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ભાવેશ ભિંડેએ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં ગોવંડીસ્થિત માહપરા ગાર્મેન્ટ્સમાં ૪૬ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એની સાથે જાણવા મળ્યું હતું કે ૨૦૨૧થી ૨૦૨૩ સુધી કૈસર ખાલિદ મુંબઈ રેલવે પોલીસના કમિશનર હતા ત્યારે ઈગો મીડિયાને ઘાટકોપર અને દાદરમાં રેલવેની જગ્યા પર હોર્ડિંગ્સ લગાવવા માટે પરવાનગી આપવામાં આવી હતી.