સમાજના પૈસા અને સમાજના જ ઑન્ટ્રપ્રનર

20 February, 2023 09:12 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આ જ સૂત્ર સાથે કચ્છના બિદડા ગામના રોકાણકારોએ શાર્ક ટૅન્ક ઇન્ડિયાની જેમ જ બિદડા શાર્ક પ્લૅટફૉર્મની રચના કરી

દિનેશ ગોગરી અને દિપેશ છેડા

મુંબઈ ઃ સોની ટીવી પર આવતા શો ‘શાર્ક ટૅન્ક ઇન્ડિયા’માં જાણીતી કંપનીઓના ફાઉન્ડર અન્યની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. આ રીતે સમાજના ઑન્ટ્રપ્રનર, વ્યવસાયમાં પગભર થવા માગતાં યુવક-યુવતીઓની ટૅલન્ટને પ્રોત્સાહન અને સપોર્ટ આપવા સમાજના રોકાણકારોએ આગળ આવવાની હાકલ સાથે બિદડા ગામ ‘બિદડા શાર્ક’નું પ્લૅટફૉર્મ લઈને આગળ આવ્યું છે. આ કાર્યક્રમ મુંબઈમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.  
આ વિશે બિદડા સોશ્યલ ફ્રેન્ડ્સ ગ્રુપના કન્વીનર અને મુલુંડમાં રહેતા દિનેશ ગોગરીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સમાજ અને ગામમાં જ ખૂબ ટૅલન્ટ હોય છે, પરંતુ આર્થિક કે પછી ટેક્નિકલ અને માર્કેટિંગ જેવા વિષય પર પહોંચી શકતા ન હોવાથી અથવા એની પૂરતી વ્યવસ્થા ન હોવાથી આ ટૅલન્ટને કોઈ પ્લૅટફૉર્મ મળતું નથી. એથી ટૅલન્ટ હોવા છતાં યુવા વર્ગ બિઝનેસ કરતાં અચકાતો હોય છે. એથી ગામના જ શાર્ક (દાતાઓ કે કંપની ધરાવતા) ગામના જ ઑન્ટ્રપ્રનર અથવા બિઝનેસ કરવા માગતા લોકોને મદદ કરવા કે ઇન્વેસ્ટમેન્ટ કરવા આગળ આવી શકે છે. હાલમાં અમે આ બિદડા ગામ પૂરતું જ રાખ્યું છે. પહેલી ‌સીઝન સફળ રહ્યા પછી અમે સમાજ લેવલ પર પણ કામ કરવાના છીએ. પહેલી સીઝનમાં આઠ ઑન્ટ્રપ્રનર હશે. દરેકને ૧૫થી ૨૦ મિનિટ આપવામાં આવશે. ત્યાર બાદ સીઝન-ટૂ પણ શરૂ કરવામાં આવશે. બિદડા ગામના ભારતભરમાં કોઈ પણ શહેરમાં રહેતા લોકો આમાં ભાગ લઈ શકે છે. અમારું ગ્રુપ જરૂરિયાતમંદના પ‌રિવારમાંથી કોઈ હૉસ્પિટલમાં ઍડ્મિટ થાય તો ગ્રુપના ૧૦૦-૧૦૦ જણ પ્રત્યેક ૨૫૦ રૂપિયા આપે અને એ રીતે જરૂરિયાતમંદને બે દિવસની અંદર ૨૫,૦૦૦ રૂપિયાની તાત્કાલિક મદદ મળી રહે છે અને આગળની મદદ જોઈતી હોય તો એ પણ કરાય છે.’

mumbai news kutch business news preeti khuman-thakur