લાઇસન્સ એક્સપાયર્ડ હોય તોય ઇન્શ્યૉરન્સ તો ચૂકવવું જ પડશે

02 June, 2023 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોર્ટે કહ્યું કે અકસ્માતનો ભોગ બનેલા વાહનચાલકનું લાઇસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોય તો પણ ઇન્શ્યૉરન્સ કંપનીએ તેના પરિવારને વળતર ચૂકવવું પડશે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

વીમા કંપની અકસ્માત થયેલી વ્યક્તિના પરિવારને વળતર ચૂકવવા માટે જવાબદાર છે. ભલે તે ડૅમેજ્ડ વેહિકલના ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોય અને રિન્યુ કરાવવામાં ન આવ્યું હોય.

જસ્ટિસ એસ. જી. ડિગેની સિંગલ બેન્ચે એપ્રિલમાં એક આદેશ આપ્યો હતો. એની નકલ ગુરુવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. એ ઑર્ડરમાં આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડને નવેમ્બર ૨૦૧૧માં એક અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલાના પરિવારને વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વીમા કંપની તે વાહનના માલિક પાસેથી વળતરની રકમ પાછળથી વસૂલ કરી શકે છે.

કોર્ટ મૃતક મહિલાના પરિવારના સભ્યો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં મોટર ઍક્સિડન્ટ્સ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા વીમા કંપનીને વળતર ચૂકવવાથી મુક્ત કરવાના આદેશને પડકારવામાં આવ્યો હતો, કારણ કે વાહનના ડ્રાઇવરનું ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હતું. ટ્રિબ્યુનલે ટ્રકમાલિકને વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

આશા બાવીસ્કર નામની આ મહિલા ૨૦૧૧ના નવેમ્બરમાં પુણેના હડપસર તરફ મોટરસાઇકલ પર પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે એક ટ્રક તેની સાથે ખૂબ જ ઝડપે અથડાઈ હતી. આશા બાવીસ્કર ટ્રકની નીચે આવી જતાં મૃત્યુ પામી હતી.

બેન્ચે એના આદેશમાં નોંધ્યું હતું કે મૃત્યુ ટ્રક દ્વારા સ્કૂટરને ટક્કર મારવાથી થયું હતું અને ઘટના સમયે ટ્રકનો વીમો વીમા કંપની પાસે હતો. તેથી વળતરની ભરપાઈ કરવા માટે વીમા કંપનીની કરાર આધારિત જવાબદારી હતી. 

mumbai mumbai news bombay high court mumbai high court