11 November, 2023 06:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદને કારણે મુંબઈની હવામાં સુધારો થયો હતો. સતેજ શિંદે
મુંબઈ ઃ દિલ્હીની જેમ છેલ્લા કેટલાક સમયથી મુંબઈની ઍર ક્વૉલિટી ખરાબ થઈ રહી છે એટલે એના પર નિયંત્રણ લાવવા માટે પ્રશાસન કે સરકાર પગલાં લે એવી માગણી કરતી અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે અગાઉની સુનાવણીમાં સરકારને પર્યાવરણ સંબંધી કયાં પગલાં લેવામાં આવી રહ્યાં છે એનું સોગંદનામું રજૂ કરવાનો અને આ પ્રયાસથી પણ ઍર ક્વૉલિટીમાં સુધારો ન થાય તો જ્યાં સૌથી વધુ પર્યાવરણને અસર થઈ રહી છે એવાં પ્રાઇવેટ બાંધકામો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં કામકાજ બંધ કરવાનો નિર્દેશ કરે એવી શક્યતા હતી.
રાજ્ય સરકારે ગઈ કાલે સુનાવણી વખતે પર્યાવરણને જેને લીધે નુકસાન થઈ રહ્યું છે એને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હોવાનું સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યું હતું. આ સમયે ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયે સરકાર અને બીએમસીનો કાન પકડતાં કહ્યું હતું કે ‘ઉપાયો કરીને તમે મુંબઈગરા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યા. આ તમારી ફરજ છે. તમારી પાસેથી આ સિવાયની ઘણી અપેક્ષા છે.’
આ સિવાય કોર્ટે રાતના ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનો નિર્દેશ આપ્યો હતો. અગાઉની સુનાવણીમાં ૭થી ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે એક કલાક ઘટાડ્યો હતો.
બૉમ્બે હાઈ કોર્ટમાં ચીફ જસ્ટિસ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાયની અધ્યક્ષતાની ખંડપીઠ સમક્ષ ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે કોર્ટે કહ્યું હતું કે ‘ફટાકડા બાબતે પ્રશાસને વધુ ગંભીર થવું જોઈએ. બેરિયમ ધાતુના વપરાશ બાબતે સુપ્રીમ કોર્ટે આપેલી ગાઇડલાઇન્સનું કઠોર રીતે પાલન થવું જોઈએ. કેટલાંક રાજ્યોએ આ બાબતે ક્યુઆર કોડ જેવા સારા ઉપાય કર્યા છે, પણ મુંબઈમાં આ બાબતે શું કોઈ વિચારણા થઈ રહી છે?’
હાઈ કોર્ટના આદેશ મુજબ મુંબઈ બીએમસીએ ગઈ કાલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં ઍર ક્વૉલિટીમાં સુધારો કરવા માટેના ઉપાયો કરવામાં આવી રહ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. બીએમસીના વકીલ ડૉ. મિલિંદ સાઠ્યેએ કોર્ટમાં કહ્યું હતું કે ‘મુંબઈનાં ૯૫ સંવેદનશીલ સ્થળે બીએમસી દ્વારા હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. બીએમસીના અધિકારીઓ આ સ્થળોએ પ્રત્યક્ષ રીતે જઈને નિરીક્ષણ કરી રહ્યા છે. શહેરના ૬૫૦ કિલોમીટર રસ્તા દરરોજ ધોવામાં આવી રહ્યા છે. કોસ્ટલ રોડનાં કામ કરી રહેલા કૉન્ટ્રૅક્ટરોને નિયમોનું પાલન કરવાના નિર્દેશ આપ્યા છે. આ સ્થળેથી નીકળતો ડેબ્રીઝ કપડાથી ઢાંકવામાં આવેલી ટ્રકમાં જ વહન કરવામાં આવે છે.’
રાજ્ય સરકાર વતી ઍડ્વોકેટ જનરલ ડૉ. બીરેન્દ્ર સરાફે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં નોંધવામાં આવ્યું હતું કે હાઈ કોર્ટે પર્યાવરણ બાબતે સુઓ મોટો અરજી દાખલ કરી છે. હકીકતમાં આવી વેળ જ નહોતી આવવી જોઈતી. તમામ યંત્રણાએ પહેલેથી જ ગંભીરતાથી કામ કરવાની જરૂર હતી. રાજ્ય સરકાર તરીકે અમારી પણ જવાબદારી છે. બે દિવસથી ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ઓછો થઈ રહ્યો છે. આ સાંભળીને ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આ માટે તમારે વરસાદનો આભાર માનવો જોઈએ.
વરસાદે ઇજ્જત રાખી
મુંબઈમાં હવાની ગુણવત્તા ખરાબ થયા બાદ બીએમસી દ્વારા ધૂળને નિયંત્રણમાં કરવા માટે રસ્તા ધોવાથી લઈને બાંધકામનાં સ્થળોએ નિયમોનું કડક પાલન કરવાની નોટિસો મોકલવા સહિતના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. જોકે બે દિવસથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે કમોસમી વરસાદ થવાથી અચાનક પર્યાવરણમાં ફેરફાર થયો છે અને હવાની ક્વૉલિટી સુધરી છે. અગાઉ જે ઍૅર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) ગંભીર હતો એ હવે સંતોષજનક થયો છે. પ્રદૂષણમાં ઘટાડો થવા માટે આ વરસાદે મહત્ત્વની ભૂમિકા ભજવી છે એટલે વરસાદે બીએમસી અને સરકારની ઇજ્જત રાખી છે એમ કહી શકાય.
બૉક્સ
સંયમ રાખવાની અપીલ
મુંબઈનો એક્યુઆઇ અત્યારે ભલે સંતોષજનક છે, પણ મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવશે તો ફરી એ ગંભીર બની જશે. આથી હાઈ કોર્ટના આદેશ મુજબ મુંબઈગરાઓએ સંયમ રાખવો જોઈએ એવી અપીલ બીએમસીએ કરી છે. બીએમસીના કમિશનર કમ ઍડ્મિનિસ્ટ્રેટર ઇકબાલ સિંહ ચહલે વિનંતી કરી છે કે પ્રદૂષણને કાબૂમાં રાખવા માટેના પ્રયાસમાં બાંધકામ વ્યવસાયી અને સામાન્ય મુંબઈગરાઓ સહયોગ કરી રહ્યા છે એમ દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવામાં સંયમ રાખે. હાઈ કોર્ટે રાતના ૮થી ૧૦ વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાનો આદેશ આપ્યો છે. આથી આપણે બધાએ એનું પાલન કરવું જોઈએ.
આ વિસ્તારોમાં સૌથી ખરાબ એક્યુઆઇ નોંધાયો
બીકેસી, બાંદરા, મલાડ, કાંદિવલી, મુલુંડ, અંધેરી, ચેમ્બુર, સાયન, દેવનાર, કોલાબા, નેરુળ, નવી મુંબઈ અને થાણે વગેરે વિસ્તારોમાં આ અઠવાડિયામાં ૨૦૦ કે એનાથી વધુ એક્યુઆઇ નોંધાયો હતો. જોકે બે દિવસથી સાંજે અને રાતના સમયે પડી રહેલા કમોસમી વરસાદને કારણે આ બધા એરિયામાં એક્યુઆઇમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સર્કલ
હવાનું પ્રદૂષણ કયા કારણથી વધ્યું છે એનો અભ્યાસ કરવા માટે હાઈ કોર્ટે એક સમિતિ બનાવી છે, જે દરેક અઠવાડિયે કોર્ટને રિપોર્ટ આપશે.