17 December, 2024 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
વિધાનસભાના શિયાળુ સત્રની ગઈ કાલે નાગપુરમાં શરૂઆત થઈ ત્યારે પહેલા જ દિવસે વિપક્ષના સભ્યોએ વિધાનસભાના ગેટ પર જ બેસીને EVM સંદર્ભે અને અન્ય મુદાઓ બાબતે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એ વખતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોની સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘વિપક્ષની જે કંઈ માગ હોય એની એ યોગ્ય રીતે રજૂઆત કરે. અમે ચોક્કસ એના પર ચર્ચા કરીશું, પણ અમારું એટલું જ કહેવું છે કે એ મુદ્દાઓ પર રાજકારણ ન કરો. કૉન્ગ્રેસ જ્યારે પણ હારી છે ત્યારે એણે દોષનો ટોપલો અન્યો પર ઢોળ્યો છે. અમારું કહેવું છે કે કૉન્ગ્રેસ હાર બદલ દોષનો ટોપલો અન્યો પર ન ઢોળવાને બદલે પોતાના જ અંતરમનમાં ઝાંકે, આત્મચિંતન કરે. જ્યાં સુધી એ આત્મચિંતન કરીને ઉપાય નહીં શોધે ત્યાં સુધી હારતી જ રહેશે.’
આ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે એમ કહ્યું હતું કે, `વિપક્ષ મીડિયા સામે કોઈ બાબતોની રજૂઆત કરે એના કરતાં વિધાનસભામાં એ મુદા ઉપિસ્થિત કરે તો અમે તેમને જવાબ આપીશું.’
આ બાબતે પ્રતિભાવ આપતા વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે વિપક્ષ ચર્ચા કરવા તૈયાર છે, પણ સરકાર જુઠ્ઠાણું ન ચલાવે તો. ત્યાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘અંબાદાસ દાનવે કે પછી વિપક્ષના કોઈ પણ નેતા કોઈ પણ મુદ્દે ચર્ચાની શરૂઆત કરી શકે છે. સરકાર દરેક પ્રશ્નના ઉત્તર આપવા સક્ષમ છે. મારી સરકારે કંઈ છુપાવવાનું નથી. એમ છતાં પણ જો વિપક્ષને રાજકારણ જ કરવું હોય તો પછી તેમને એ જ પ્રમાણે રાજકીય રીતે જવાબ મળશે.’