02 April, 2025 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના શ્રીમુખેથી દીક્ષિત અને શિિક્ષત થયેલાં પૂજનીય સંતો-સતીજીઓના સાંનિધ્યે ૪ એપ્રિલથી ૧૨ એપ્રિલ સુધીના નવ દિવસના આવી રહેલા આયંબિલ ઓળી પર્વ નિમિત્તે વિવિધ ક્ષેત્રોમાં અને સંઘમાં અનેકવિધ અનોખા કાર્યક્રમ સાથે પર્વની આરાધના કરાવવાનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે જૈનોમાં મિની પર્યુષણ જેવા પર્વનું અનેરું મહત્ત્વ જે પર્વનું દર્શાવવામાં આવ્યું છે એવા નવ દિવસના ભોજનમાં સ્વાદના વિજયરૂપ આયંબિલ મહાતપની ઓળીના પર્વમાં વડીલો, યુવાનો તેમ જ બાળકો સર્વ માટે વિશિષ્ટ પ્રકારનાં આયોજનો અને કાર્યક્રમો દ્વારા આરાધના કરાવવામાં આવશે.
પારસધામ-ઘાટકોપરમાં પૂજ્ય શ્રી પરમ સમાધિજી મહાસતીજી આદિ ઠાણા ૪ના સાંનિધ્યે, શ્રી શ્વેતાંબર સ્થાનક જૈન સંઘ કલ્યાણના આંગણે પૂજ્ય શ્રી પરમ સમ્યકતાજી મહાસતીજી આદિ ઠાણા ૪ના સાંનિધ્યમાં તેમ જ પાવનધામ કાંદિવલીના આંગણે પૂજ્ય શ્રી પરમ અનુભૂતિ મહાસતીજી આદિ ઠાણા ૪ના સાંનિધ્યમાં પર્વલક્ષી આરાધના કરીને હજારો ભાવિકો ધન્ય બનશે.
પૂજ્ય શ્રી સંતો-સતીજીઓના સાંનિધ્યે પર્વના નવ દિવસ દરમ્યાન વડીલો માટે આયંબિલ ભોજનની વ્યવસ્થા સાથે બાળકો માટેની કિડ્સ આયંબિલની વિશિષ્ટ વ્યવસ્થાઓ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક આયોજનો, અદ્ભુત નાટિકાઓ, અનોખા પ્રયોગો, ધ્યાનસાધના, જ્ઞાનસાધના, તપસાધના, ભાવયાત્રા આદિ અનેક પ્રકારની આરાધના સાથે ભગવાન મહાવીર જન્મકલ્યાણક અવસરે ભક્તિભીના ભવ્ય કાર્યક્રમ દ્વારા પ્રભુ જન્મોત્સવનાં વધામણાં લેવાશે.