15 February, 2023 08:26 AM IST | Mumbai | Mehul Jethva
ફાઇલ તસવીર
ભારતીય રેલવેએ ટિકિટ કૅન્સલેશન પૉલિસીમાં ૨૦૧૪માં બદલાવ કરી ટિકિટ કૅન્સલ કરાવવાના ચાર્જિસમાં ૧૦૦ ટકાનો વધારો કર્યો હતો જેને લીધે આઠ વર્ષમાં રેલવેને સાડાદસ હજાર કરોડ રૂપિયાની રેવન્યુ મળી છે. ૨૦૨૧-’૨૨માં રેલવેને ૧૫૬૯ કરોડ રૂપિયાની રેવન્યુ મળી હતી. જોકે એની સામે વિરોધ કરતાં મુલુંડના આરટીઆઇ ઍક્ટિવિસ્ટે રેલવે પાસે માહિતી માગી સામાન્ય નાગરિકોને ફાયદો કરાવવા માટે ફરીથી ૨૦૧૪ પહેલાંની ટિકિટ કૅન્સલેશન પૉલિસી અમલમાં મૂકવા માટેની માગ કરી છે.
મુલુંડમાં રહેતા આરટીઆઇ ઍક્ટિવિસ્ટ જનક કેસરિયાએ ભારતીય રેલવે પાસે આરટીઆઇ દ્વારા માહિતી માગી હતી કે રેલવેએ ૨૦૧૪થી અત્યાર સુધી ટિકિટ કૅન્સલિંગ માટે કેટલા પૈસા વસૂલ્યા છે. એની માહિતી રેલવે દ્વારા આપવામાં આવતાં જણાવ્યું હતું કે એણે ૨૦૧૪થી ૨૦૨૨ દરમ્યાન ૧૦,૫૧૦.૫૧ કરોડ રૂપિયા વસૂલ્યા છે, જેમાં કોવિડ સમયે માત્ર ૭૧૦ કરોડ રૂપિયા વસૂલ્યા હતા જે ગયા વર્ષે ડબલ એટલે કે ૧૫૬૯ કરોડ રૂપિયા ટિકિટ કૅન્સલિંગ માટે વસૂલ્યા હતા. ૨૦૧૪ પહેલાં રેલવે ટિકિટ કૅન્સલેશન માટે એસી ફર્સ્ટ ક્લાસ માટે ૧૨૦ રૂપિયા લેતી હતી જે હાલ ૨૪૦ રૂપિયા લે છે, સેકન્ડ એસીના પહેલાં ૧૦૦ રૂપિયા હતા જે હાલ ૨૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે, થર્ડ એસીના પહેલાં ૯૦ રૂપિયા હતા જે હાલ ૧૮૦ રૂપિયા કરવામાં આવ્યા છે, સેકન્ડ સ્લિપર ક્લાસના પહેલાં ૬૦ રૂપિયા છે જે હાલ ૧૨૦ રૂપિયા છે, સેકન્ડ ક્લાસ ટિકિટના પહેલાં ૩૦ રૂપિયા હતા જે હાલ ૬૦ રૂપિયા છે.
જનક કેસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મોદી સરકાર સામાન્ય જનતા માટે મોટા-મોટા પ્રકલ્પ હાથમાં લેતી હોય છે તો બીજી બાજુ મધ્યમ અને નીચલા વર્ગના લોકો પાસેથી આવી રીતે ટ્રાવેલિંગના પૈસા પડાવી લે છે. કોઈ પણ વ્યક્તિ કૅન્સલેશન કંઈ પ્રૉબ્લેમ આવ્યો હોય તો જ કરતી હોય છે એ વાત રેલવેએ સમજવી જરૂરી છે. છેલ્લાં આઠ વર્ષમાં દસ હજાર કરોડથી વધુ રૂપિયા ટિકિટ કૅન્સલેશનમાંથી રેલવેએ કમાણી કરી છે. કોઈ પણ વ્યક્તિ કોઈ જરૂરી કામ હોય ત્યારે જ ટિકિટ કૅન્સલ કરાવતી હોય છે. આ રીતે પૈસા કમાવા સરકાર માટે યોગ્ય ન કહેવાય. એણે ૨૦૧૪ પહેલાંના ચાર્જિસ પાછા રિસ્ટોર કરવા જોઈએ.’
૨૦૧૪થી ૨૦૨૨ દરમ્યાન રેલવેએ ટિકિટ કૅન્સલેશન પાછળ વસૂલ કરેલા રૂપિયા
વર્ષ વસૂલ કરેલા રૂપિયા (કરોડમાં)
૨૦૧૪-’૧૫ ૯૨૭.૪૨
૨૦૧૫-’૧૬ ૧૧૪૭.૭૭
૨૦૧૬-’૧૭ ૧૧૬૦.૩૦
૨૦૧૭-’૧૮ ૧૨૦૫.૯૬
૨૦૧૮-’૧૯ ૨૦૬૫.૦૦
૨૦૧૯-’૨૦ ૧૭૨૪.૪૪
૨૦૨૦-’૨૧ ૭૧૦.૫૪
૨૦૨૧-’૨૨ ૧૫૬૯.૦૮