આજે અને કાલે દરિયાઈ સુરક્ષા માટે નેવીની કવાયત

15 November, 2022 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરિયાઈ જોખમો સામે લડવા કે એનો સામનો કરવા આપણી એજન્સીઓ કેટલી સશક્ત છે એ જાણવા આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટકને આવરી લેતા અરબી સમુદ્રની અને દેશની સુરક્ષા જળવાઈ રહે એ માટે નેવી દ્વારા આજે અને આવતી કાલે બે દિવસીય કવાયત હાથ ધરવામાં આવી છે. દરિયામાં થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ, હુમલા, દાણચોરી જેવી બાબતો પર નજર રાખતી અન્ય એજન્સીઓ, જેમાં કોસ્ટગાર્ડ,  ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ, કસ્ટમ્સ, ફિશરીઝ, ડિરેક્ટરેટ જનરલ (શિપિંગ), પોર્ટ ઑથોરિટી અને અન્ય એજન્સીઓને પણ સાંકળી લેવામાં આવી છે.

કમાન્ડ કોસ્ટલ સિક્યૉરિટી ઑફિસર કૅપ્ટન સુનીલ મેનને આ ​વિશે કહ્યું હતું કે ‘દરિયાઈ જોખમો સામે લડવા કે એનો સામનો કરવા આપણી એજન્સીઓ કેટલી સશક્ત છે એ જાણવા આ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આખા દેશમાં આ પ્રકરાની કવાયતનું આયોજન કરાઈ રહ્યું છે. નેવી સહિત અન્ય એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે, કો-ઑર્ડિ​નેશન અને એના પરનું અમલીકરણ યોગ્ય રીતે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર પ્રમાણે થાય એ મહત્ત્વનું હોવાથી એ બાબતોને આ કવાયતમાં સમાવી લેવાઈ છે. આ કવાયત દરમ્યાન જો એમાં કોઈ ખામી જણાઈ આવશે તો એના પર સુધારો કરવામાં આવશે.’

mumbai mumbai news indian navy