ટ્રોફી સાથે બાર્બાડોસમાં ફસાઈ ટીમ ઇન્ડિયા, વાવાઝોડાને લીધે શહેરમાં કર્ફ્યૂ

01 July, 2024 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચક્રવાતી તોફાનના કારણે બાર્બાડોસમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. અહીંનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી

ફાઇલ તસવીર

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ જીત્યા બાદ હજુ સુધી બાર્બાડોસ છોડી શકી નથી. ચક્રવાતી તોફાનના કારણે ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ફસાઈ ગઈ છે. તેને બાર્બાડોસથી ન્યૂયોર્ક જવા રવાના થવાનું હતું, પરંતુ હરિકેન બેરીલને કારણે તે હજુ સુધી નીકળી શકી નથી. ખરાબ હવામાનના કારણે ટીમ ઈન્ડિયા હાલ સંકટમાં છે. એક રિપોર્ટ અનુસાર બાર્બાડોસનું ઍરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.

ઈન્ડિયા ટુડેના એક સમાચાર અનુસાર, ચક્રવાતી તોફાનના કારણે બાર્બાડોસમાં કર્ફ્યુ જેવી સ્થિતિ છે. અહીંનું ઍરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. કોઈને પણ ઘરની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી. હરિકેન બેરીલ (Indian Cricket Team)ને કારણે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો ટીમ ઈન્ડિયા હવે ન્યૂયોર્ક જવાને બદલે સ્પેશિયલ ચાર્ટર્ડ પ્લેનમાં સીધી દિલ્હી જવા રવાના થશે, પરંતુ આ માટે હવે રાહ જોવી પડશે. હજુ સુધી ત્યાં કોઈ સામાન્ય સ્થિતિ નથી.

ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી ક્યારે રવાના થશે?

હાલમાં ટીમ ઈન્ડિયા (Indian Cricket Team)ને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય ટીમ 3 જુલાઈ સુધીમાં પોતાના દેશ પરત ફરી શકે છે, પરંતુ તે ક્યારે છોડશે તે બાર્બાડોસના હવામાન પર નિર્ભર રહેશે. ભારતીય ટીમને ફાઈનલ બાદ ન્યૂયોર્ક જવા રવાના થવાની હતી અને અહીંથી દિલ્હીની ફ્લાઈટ મળશે, પરંતુ હવે આવું નહીં થાય. હવે ભારતીય ટીમ સીધી દિલ્હી આવી શકે છે.

બેરીલ એક ખૂબ જ ખતરનાક તોફાન

હરિકેન બેરીલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેના આગમનને કારણે રવિવારે લગભગ 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તે હવે કેટેગરી 4 માં આવી ગયું છે. તેની ભવિષ્યની સ્થિતિ શું હશે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે અને ઍરપોર્ટ ખુલતાની સાથે જ ટીમ ઈન્ડિયા રવાના થઈ જશે.

ટીમ ઈન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો

શનિવારે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ બીજી વખત આ ખિતાબ જીત્યો છે. આ મેચમાં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. કોહલીએ 76 રનની જોરદાર ઇનિંગ રમી હતી. ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયાને કરોડો રૂપિયા ઈનામ તરીકે મળ્યા છે. BCCIએ 125 કરોડની ઈનામી રકમની જાહેરાત કરી છે. ટીમ ઇન્ડિયા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. આ ટુર્નામેન્ટની જીતથી ટીમ ઇન્ડિયાની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે.

indian cricket team t20 world cup india cricket news sports sports news