09 November, 2024 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિક્સ્ડ ડિપોઝિટ મૅચ્યોર થઈ ગઈ છે, પણ એન્કૅશ નથી કરી શકાતી.
દેશભરમાં વર્ષોથી ટપાલસેવા ઉપરાંત અન્ય સર્વિસ પણ પૂરી પાડતી ભારતીય ડાક એટલે કે ઇન્ડિયા પોસ્ટને ઇન્ટરનેટ કનેક્શન પૂરું પાડતી મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)ની બન્ને લાઇનમાં ખામી સર્જાતાં આખા મહારાષ્ટ્રમાં પોસ્ટલ સર્વિસ ઠપ થઈ ગઈ છે અને અનેક લોકોએ હાલાકીનો ભોગ બનવું પડ્યું છે.
આ બાબતે માહિતી આપતાં પોસ્ટનાં એજન્ટ શીતલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા પાંચ દિવસથી આ સમસ્યા સર્જાઈ છે. સર્વર સાથે કનેક્શન જ ન મળતું હોવાના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. જનરલ પોસ્ટ ઑફિસ (GPO) સહિત દરેક પોસ્ટ ઑફિસમાં આ જ હાલ છે. કોઈ કામ નથી થઈ રહ્યાં. અમે લોકો પાસેથી ઘરે-ઘરે જઈને તેમની રિકરિંગ ડિપોઝિટની રકમ ઉઘરાવી પોસ્ટમાં જમા કરાવતા હોઈએ છીએ. એ રકમ ચોક્કસ તારીખ પહેલાં ભરી દેવાની હોય છે. જો ન ભરીએ તો પેનલ્ટી લાગે. હવે કસ્ટમરે તો અમને રકમ આપી દીધી, પણ પોસ્ટ એ સ્વીકારી જ નથી રહી, કારણ કે રિસીટ ઇશ્યુ થતી નથી. હવે પેનલ્ટી અમારે ભરવી પડશે. બીજું, લોકોની ફિક્સ્ડ ડિપોઝિટ મૅચ્યોર થતી હોય છે એ પણ રિલીઝ નથી કરવામાં આવી રહી. અનેક લોકો રોજેરોજ પોસ્ટ ઑફિસમાં ધક્કા ખાય છે અને પાછા જાય છે. તેમનો આખો સ્ટાફ હાથ પર હાથ ધરીને બેસી રહ્યો છે. હવે આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એની એમને પણ ખબર નથી.’
પોસ્ટના એક અન્ય ગ્રાહકે કહ્યું હતું કે ‘ખાસ કરીને સિનિયર સિટિઝનોનું પેન્શન ૧૦ તારીખ પહેલાં આવી જતાં હોય છે. હાલમાં જ દિવાળી ગઈ હોવાથી તેમના હાથમાં કૅશ ઓછી છે અને તેઓ તેમના ગુજરાન માટે પેન્શન પર આધાર રાખતા હોય છે. પેન્શન પણ રિલીઝ ન થતાં તેમની હાલત કફોડી થઈ ગઈ છે અને તેઓ ચિંતામાં મુકાઈ ગયા છે.’
આ બાબતે જ્યારે GPOના ઉચ્ચ અધિકારી સંજય નાઈકનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ઇન્ટરનેટ પ્રોવાઇડ કરતી MTNLની અમારી બે લાઇન છે. એ બન્ને લાઇન પાંચ દિવસથી બંધ થઈ જતાં આ સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા MTNLના અધિકારીઓ છેલ્લા પાંચ દિવસથી પ્રયાસ કરી રહ્યા છે. જોકે હજી લાઇન રીસ્ટોર થઈ શકી નથી.’