પોતાના પર અટૅક કરી શકે એવા બાવીસ જણનાં નામ બન્ને સાથળ પર કોતરાવ્યાં

27 July, 2024 01:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુ વાઘમારે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં આવેલા સ્પા પાસેથી ૨૦૧૦થી જ ખંડણી પડાવતો હતો

ગુરુ વાઘમારે

પોલીસના ખબરી સાથે જ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ તરીકે કામ કરતા ૪૮ વર્ષના ગુરુ વાઘમારેની વરલીના સૉફ્ટ ટચ સ્પામાં બુધવારે વહેલી સવારે હત્યા થઈ હતી. એ કેસમાં પોલીસે  તેની બન્ને સાથળ પર તેણે ટૅટૂ કરીને લખાવેલાં બાવીસ નામ પરથી સ્પાના માલિક સંતોષ શેરકરનું નામ મળ‍તાં તેની પૂછપરછ કરી તેને તાબામાં લઈને તપાસ કરી હતી અને કુલ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. એમાં બે હત્યારા સહિત અન્ય બે જણની પોલીસે ધરપકડ કરી છે. ગુરુ વાઘમારે પણ ક્રિમિનલ રેકૉર્ડ ધરાવતો હતો અને તેના પર સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે.

પોલીસના જણાવ્યા અનુસાર ગુરુને તેના પર હુમલો થઈ શકે અને તેની હત્યાનો પણ પ્રયાસ થઈ શકે એવી આગોતરી જાણ હતી. એથી તેણે એ સંભવિત હુમલાખોરોનાં નામ પોતાની બન્ને સાથળ પર ટૅટૂ કરીને લખાવી રાખ્યાં હતાં. તપાસ દરમ્યાન જાણવા મળ્યા મુજબ સંતોષ શેરકર ગુરુથી ત્રાસી ગયો હતો, કારણ કે ગુરુ તેની પાસેથી અવારનવાર ખંડણી માગતો હતો. એથી સંતોષે જ ગુરુને મારવાની ૬ લાખ રૂપિયાની સુપારી મોહમ્મદ ફિરોઝ અન્સારીને આપી હતી. ફિરોઝ પણ નાલાસોપારામાં સ્પા ચલાવતો હતો, પણ ગયા વર્ષે તેને ત્યાં રેઇડ પડ્યા બાદ એ સ્પા બંધ થઈ ગયું હતું. એ રેઇડ પણ ગુરુએ કરેલી ફરિયાદને કારણે પડી હતી. એથી ફિરોઝને પણ ગુરુ પર ખાર હતો. વળી સંતોષ અને ફિરોઝ એકબીજાને ઓળખતા હતા. ફિરોઝે સંતોષને કહ્યું હતું કે ગુરુને સમજાવે કે આ રીતની રેઇડ ન પડાવે. જોકે સામે સંતોષે તેને કહ્યું કે એના કરતાં ગુરુને કાયમ માટે હટાવી દઈએ. એથી પછી ફિરોઝે દિલ્હીના શાકિબ અન્સારીનો સંપર્ક કર્યો હતો. આમ ત્રણ મહિના પહેલાં જ ગુરુ વાઘમારેની હત્યાનો પ્લાન તૈયાર થઈ ગયો હતો. એ પછી ગુરુ ક્યાં-ક્યાં જાય છે? કોને મળે છે? ક્યારે ક્યાં હોય છે? આ બધાની ઝીણવટભરી રેકી કરી હતી અને ત્યાર બાદ હત્યાનો પ્લાન અમલમાં મુકાયો હતો.

આ મર્ડરકેસની તપાસ કરી રહેલી પોલીસે ગુરુની ગતિવિધિની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગુરુએ મંગળવારે તેની ગર્લફ્રેન્ડ સાથે સાયનના બારમાં પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. ત્યાંથી તે ગર્લફ્રેન્ડ સાથે સ્પામાં જવા નીકળ્યો હતો. એ વખતે પણ હત્યારાઓ તેનો સ્કૂટર પર પીછો કરી રહ્યા હોવાનું ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કૅમેરામાં ઝિલાઈ ગયું છે. CCTV કૅમેરામાં જોવા મળ્યું હતું કે ગુરુ બારમાં હતો ત્યારે તેના બહાર આવવાની રાહ જોઈ રહેલા હત્યારાએ બારની બાજુની દુકાનમાંથી ગુટકાનાં બે પૅકેટ લીધાં હતાં અને એનું પેમેન્ટ તેણે મોબાઇલથી UPIથી કર્યું હતું. એથી એની ટેક્નિકલ ડીટેલ કઢાવતાં એ પેમેન્ટ ફિરોઝ અન્સારી દ્વારા થયું હોવાનું જણાઈ આવ્યું હતું. એટલું જ નહીં, ફિરોઝનો ફોન-નંબર પણ એમાં મળી આવતાં તપાસ કરતાં તેની અને સંતોષ શેરકર સાથે પણ ઘણી વાર ફોન પર વાતચીત થઈ હોવાનું જણાઈ આવ્યું હતું.

ફિરોઝ અને શાકિબ મંગળવારે મધરાત બાદ ૧.૩૦ વાગ્યે સ્પામાં પ્રવેશ્યા હતા. એ પછી તેઓ ગુરુ પાસે પહોંચ્યા હતા. તેઓ તેની ગર્લફ્રેન્ડને બીજી રૂમમાં લઈ ગયા હતા. ત્યાર બાદ કાતરના બે અલગ-અલગ ફાડિયાં કરીને તેમણે ગુરુ પર હુમલો કર્યો હતો. એકથી તેનું ગળું ચીરી નાખવામાં આવ્યું હતું અને બીજાથી તેના પેટમાં ઉપરાઉપરી ઘા કરવામાં આવ્યા હતા.

ગુરુની ગર્લફ્રેન્ડને તો છેક સવારે ૯.૩૦ વાગ્યે ગુરુની હત્યા થઈ એની જાણ થઈ હતી. એથી તેણે તરત જ એ બાબતે સંતોષને જાણ કરી હતી. જોકે એ પછી દોઢ કલાકે સંતોષે પોલીસને જાણ કરી હતી. આમ મધરાત બાદ ૧.૩૦ વાગ્યે થયેલી હત્યાની જાણ પોલીસને સવારે ૧૧ વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી.

પોલીસે તપાસ કરીને સંતોષની પૂછપરછ કરી ત્યારે તેના પર જ શંકા જતાં તેને તાબામાં લીધો હતો. એ પછી તેણે કબૂલાત કરી લેતાં ફિરોઝને નાલાસોપારાથી અને શાકિબને ગરીબ રથ ટ્રેનમાંથી રાજસ્થાનના કોટા પાસેથી ઝડપી લેવાયો હતો.

ગુરુ વાઘમારે મુંબઈ, નવી મુંબઈ, થાણે અને પાલઘરમાં આવેલા સ્પા પાસેથી ૨૦૧૦થી જ ખંડણી પડાવતો હતો. તેની સામે પણ ખંડણી, બળાત્કાર અને વિનયભંગના કેસ નોંધાયા હતા.

mumbai news mumbai mumbai police Crime News mumbai crime news worli thane navi mumbai