નાંદેડમાં ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા

08 February, 2024 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ગામમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ખોરાક લેવાથી આશરે ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા હતા.

ફૂડ પૉઈઝનિંગ માટેની પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ગામમાં આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં ખોરાક લેવાથી આશરે ૨૦૦૦ લોકો ફૂડ પૉઇઝનિંગનો ભોગ બન્યા હતા.

મંગળવારે લોહા તહસીલ હેઠળના કોષ્ટવાડી ગામમાં એક ધાર્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક તથા આસપાસનાં સાવરગાંવ, પોસ્ટવાડી, રિસનગાંવ અને મસ્કી જેવાં ગામોના લોકો સાંજે પાંચ વાગ્યે ભેગા થયા હતા અને તેમણે ભોજન લીધું હતું. અધિકારીના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારે અમુક લોકોને ઊલટીઓ થઈ હતી અને એ સિવાય છૂટીછવાઈ ફરિયાદો આવવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં ૧૫૦ લોકોને નાંદેડના લોહામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં દરદીઓની સંખ્યામાં વધારો થતાં શંકરરાવ ચવાણ સરકારી મેડિકલ કૉલેજ સહિત અન્ય વિવિધ આરોગ્ય ખાતામાં કુલ ૮૭૦ દરદીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ માટે દરદીઓનાં સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. અસરગ્રસ્ત ગામોમાં સર્વે માટે પાંચ ટીમોને તહેનાત કરવામાં આવી હતી.’ 

અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવા માટે એક રૅપિડ રિસ્પૉન્સ ટીમની પણ રચના કરવામાં આવી છે.

mumbai news mumbai nanded maharashtra news maharashtra