મુલુંડના ગુજરાતી-મરાઠી વિવાદમાં માફીના દસ કલાકે નોંધાઈ ફરિયાદ

01 October, 2023 07:53 AM IST  |  Mumbai | Mehul Jethva

મૂળમાં તો માફી પછી વિવાદ પછી પૂરો થઈ ગયો હતો, પણ રાજકારણે એને ફરી ભડકાવ્યો

ગુજરાતી પિતા-પુત્ર પ્રવીણચંદ્ર અને નીલેશ તન્ના.


મુંબઈ ઃ મુલુંડમાં રહેતી એક મરાઠી મહિલા પોતાની ઑફિસ માટે જગ્યા જોવા ગઈ હતી. એ દરમ્યાન એ જ સોસાયટીમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝને મરાઠી લોકોને ઑફિસ ન આપવાની વાતે વિવાદ સર્જાયો હતો, જેને મહિલાએ મોબાઇલ કૅમેરાથી રેકૉર્ડ કરીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ એમએનએસના સ્થાનિક નેતાઓ મહિલા સાથે સોસાયટીમાં પહોંચ્યા હતા. ત્યાર બાદ ગુજરાતી સિનિયર સિટિઝન અને તેમના પુત્રે માફી માગી હતી અને મહિલાએ પણ બન્નેને માફ કરી દીધા હતા. આ ઘટનાના આશરે ૧૦ કલાક બાદ મુલુંડ પોલીસે બન્ને ગુજરાતી બાપ-દીકરા સામે ફરિયાદ નોંધી હતી.
મુલુંડ-ઈસ્ટમાં ભોઈરનગરની ઋષભ દર્શન સોસાયટીમાં રહેતી અને ડિજિટલ માર્કેટિંગ અને સોશ્યલ મીડિયાનો વ્યવસાય કરતી તૃપ્તિ દેવરુખકરે કરેલી ફરિયાદ અનુસાર તેને ઑફિસ શિફ્ટ કરવી હોવાથી નવી ઑફિસની જગ્યા શોધી રહી હતી. દરમ્યાન આર. પી. રોડ પર શિવસદન સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં તેના પરિચયમાં પરેશ અનમનું ઘર જોવા તે બપોરે સાડાબાર વાગ્યે ગઈ હતી. પરેશે ફ્લૅટની ચાવી ગ્રાઉન્ડ ફ્લોર પર દરજી મનોજ ચાવડા પાસે રાખી હતી. મનોજે તેને ઘર બતાવ્યું હતું. એ સમયે સોસાયટીના ભૂતપૂર્વ સેક્રેટરી ૮૦ વર્ષના પ્રવીણચંદ્ર રતનસિંહ તન્ના ત્યાં આવ્યા હતા અને કહ્યું હતું કે હમારે યહાં મહારાષ્ટ્રિયન લોગોં કો અલાઉડ નહીં હૈ. આ સાંભળીને તૃપ્તિએ કહ્યું હતું કે આવો કોઈ કાયદો જો તમારી સોસાયટીનો હોય તો મને લખેલું દેખાડો. આથી પ્રવીણચંદ્ર ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું કે નહીં બતાવીએ, જીધર જાના હૈ ઉધર જાઓ, પોલીસ સ્ટેશન મેં કમ્પ્લેઇન્ટ કરો, મેરા કોઈ કુછ નહીં બિગાડ સકતા. જોકે તેઓ સિનિયર સિટિઝન હોવાથી તૃપ્તિ કંઈ બોલી નહોતી અને ત્યાંથી નીકળી જવા માટે આગળ વધી હતી. એટલામાં પ્રવીણચંદ્રનો દીકરો નીલેશ ત્યાં આવ્યો હતો અને તૃપ્તિને પૂછ્યું કે આપ કી પપ્પા કે સાથ ક્યા બાત હુઈ? થોડી વારમાં પ્રવીણચંદ્ર પાછા આવ્યા હતા અને બૂમો પાડવા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી તૃપ્તિએ પોતાનો મોબાઇલ ફોન કાઢીને એમાં વિડિયો રેકૉર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. તૃપ્તિને વિડિયો ઉતારતી જોઈને નીલેશે તેનો મોબાઇલ લઈ લીધો હતો અને વિડિયો ઉતારવા દીધો નહોતો. તૃપ્તિનો પતિ બચાવવા આગળ આવ્યો ત્યારે ભૂતપૂર્વ સેક્રેટરી પ્રવીણચંદ્ર અને તેમના પુત્રએ ફરિયાદીના પતિને માર માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારના મંડપ ડેકોરેટરે પ્રવીણચંદ્રને રોક્યા હતા. અંતે બન્ને પાર્ટી વચ્ચે ઝઘડો ઉકેલાયો હતો અને ફરિયાદીનો મોબાઇલ પાછો આપ્યો હતો. 
તૃપ્તિ દેવરુખકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાથી અમે બન્ને ખૂબ ડરી ગયાં હતાં અને રિક્ષામાં તરત જ ઘરે પાછાં આવ્યાં હતાં. એકાએક બનેલી ઘટનાથી રોષે ભરાઈને મારી સાથે થયેલા દુર્વ્યવહારનો વિડિયો મેં ફેસબુક પર અપલોડ કર્યો હતો. મેં માત્ર સર્કલવાળાઓને ધ્યાનમાં આવે એ માટે આમ કર્યું હતું અને હું મારા કામે લાગી ગઈ હતી. થોડી જ વારમાં મને મુલુંડના મનસેના નેતાનો ફોન આવ્યો હતો, જેમણે મને મુલુંડ-વેસ્ટમાં મળવા માટે કહ્યું હતું. થોડી જ વારમાં મનસેના નેતાઓ મને મળ્યા હતા અને ત્યાર બાદ અમે ફરી એક વાર એ જ સોસાયટીમાં ગયા હતા, જ્યાં મારી સાથે મનસેના પદાધિકારીઓને જોઈને તેઓ ડરી ગયા હતા અને બન્ને બાપ-દીકરાએ માફી માગી હતી. એ સમયે પ્રવીણચંદ્રનાં પત્ની પણ ત્યાં હાજર હતાં. તેમની પણ બહુ જ મોટી ઉંમર હતી. તેમણે પણ માફી માગી એટલે મેં તેમને એ જ સમયે માફ કરવાનો નિર્ણય લીધો હતો. સાથે તેમની પાસે મરાઠીમાં માફી માગતો વિડિયો તૈયાર કર્યો હતો અને હું ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે મેં સોશ્યલ મીડિયા પર નાખેલો વિડિયો એટલો વાઇરલ થયો હતો કે થોડી જ વારમાં મને મહિલા બાળવિકાસના અધિકારીઓનો ઘટના વિશે ફોન આવ્યો હતો. મેં તેમને મારી સાથે બનેલી ઘટના કહી હતી. ત્યાર બાદ તેમણે આપેલી સલાહ અને બીજા રાજકીય નેતાઓએ મને ફોર્સ કરીને બન્ને સામે ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી, જે મેં માનીને રાતે મુલુંડ પોલીસ સ્ટેશનમાં બન્ને સામે ફરિયાદ નોંધાવી હતી. મને પૂછવામાં આવ્યું કે જો હવે ગુજરાતી બાપ-દીકરો તમારી પાસે માફી માગે તો તમે શું કરશો? ત્યારે મેં કહ્યું હતું કે હાલમાં તમામ ચીજો હવે કાયદાકીય રીતે થશે.’
બીજી બાજુ નીલેશ તન્નાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં અમે વર્ષોથી રહીએ છીએ. એ સાથે મરાઠીભાઈઓ સાથે મળીને વર્ષોથી કામ કરતા આવ્યા છીએ. એટલું જ નહીં, અમારી સોસાયટીમાં પણ મરાઠી લોકો હાલમાં રહે છે. અમારાથી ભૂલ તો થઈ છે. પપ્પા એ દિવસે બોલતા બોલી ગયા કે મરાઠીને અહીં અલાઉડ નથી, જે તેમની ભૂલ હતી. આ ઘટના પછી અમારી ભૂલ અમને સમજાતાં અમે તે મહિલા પાસે માફી પણ માગી હતી. ફરી એક વાર પણ અમે માફી માગવા તૈયાર છીએ.’
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે એ જ દિવસે બાપ-દીકરાની ધરપકડ કરી હતી. બન્નેના કોર્ટમાંથી જામીન મંજૂર થયા છે. વધુ તપાસ આ કેસમાં કરવામાં આવી રહી છે.’

mulund mumbai news maharashtra news