મૃત પિતા બોલાવે છે એવો ભાસ થતાં જૈન મહિલાએ ૪૦ જ દિવસની બાળકીને ૧૪મા માળેથી ફેંકી દીધી?

23 September, 2023 07:52 AM IST  |  Mumbai | Mehul Jethva

આ વાત દીકરીની હત્યાનો ગુનો જેની સામે નોંધવામાં આવ્યો છે તે મનાલી મહેતાના મુલુંડમાં રહેતા ભાઈ જેનિલ શાહે પોલીસને કહી. જોકે ગુરુવારે સવારે મુલુંડના નીલકંઠ તીર્થમાં બનેલી આ ઘટનામાં પોલીસને આરોપીની વાત પર ભરોસો બેસતો ન હોવાથી એણે ઝીણવટભરી તપાસ શરૂ કરી.

નીલકંઠ તીર્થના ૧૪મા માળની આ વિન્ડોમાંથી હાશ્વીને ફેંકી દેતા તે યોગેશ બિલ્ડિંગમાં આવેલા ગૅરેજ (નીચે, જમણે) પર પડી હોવાની વાત પણ પોલીસને ગળે નથી ઊતરી રહી.


મુંબઈ : મુલુંડમાં ભાઈના ઘરે રોકાવા આવેલી ગુજરાતી જૈન મહિલાને આશરે નવ મહિના પહેલાં મૃત્યુ પામેલા પિતા બોલાવતા હોવાનો ભાસ થતો હોવાથી પોતાની ૪૦ દિવસની પુત્રીને ૧૪મા માળેથી નીચે ફેંકી દીધી હતી. ત્યાર બાદ તેણે ઘરમાં બાળકીને શોધવાનો ઢોંગ કર્યો હતો. જોકે આશરે દોઢ કલાક બાદ બાજુના બિલ્ડિંગના ગ્રાઉન્ડમાં આવેલા ગૅરેજની ટેરેસ પરથી બાળકીની ડેડ-બૉડી મળી હતી. મુલુંડ પોલીસે મમ્મી સામે હત્યાનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મળેલી માહિતી અનુસાર ૨૧ સપ્ટેમ્બરે સવારે આઠ વાગ્યે મુલુંડની નિર્ભયા સ્ક્વૉડને જાણ થઈ હતી કે મુલુંડ-વેસ્ટના ઝવેર રોડ પર આવેલા નીલકંઠ તીર્થમાં ૧૪મા માળેથી ગણેશ ગાવડે રોડ પર આવેલા યોગેશ બિલ્ડિંગના ગૅરેજ પર બે મહિનાની બાળકી નીચે પડી છે અને તે બેભાન હોવાથી તેને તાત્કાલિક મદદની જરૂર છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે બાળકીને ૧૪મા માળે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ નીલકંઠ તીર્થમાં ૧૪૦૧ નંબરના ફ્લૅટમાં પહોંચી ત્યારે બાળકી તેના મામા જેનિલ શાહ પાસે ચાદરમાં લપેટાયેલી મળી હતી. ત્યાર બાદ પોલીસે ઍમ્બ્યુલન્સ દ્વારા તરત તેને મુલુંડની અગ્રવાલ હૉસ્પિટલમાં મોકલી હતી. જોકે ત્યાંના ફરજ પરના ડૉક્ટરે ૪૦ દિવસની હાશ્વી સંકેત મહેતાને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ તેની ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પોલીસે બાળકીના મામા જેનિલ શાહનું વિગતવાર નિવેદન નોંધ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેની બહેન મનાલી જન્મથી મૂક-બધિર છે. તેનાં સુરતમાં રહેતા સંકેત મહેતા સાથે નવેમ્બર ૨૦૨૦માં લગ્ન થયાં હતાં. સંકેત પણ મૂક-બધિર છે. લગ્ન બાદ મનાલીએ નવેમ્બર ૨૦૨૧માં પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ જુલાઈ ૨૦૨૨માં તેની શ્વાસનળીમાં દૂધ અટવાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું, જેનો આઘાત જેમિલ અને મનાલીના પિતા વિનયને ખૂબ લાગ્યો હતો. એમાં હાર્ટ-અટૅકને કારણે ડિસેમ્બર ૨૦૨૨માં તેમનું મૃત્યુ થયું હતું. આ વર્ષની ૧૪ ઑગસ્ટે મનાલીએ સુરતની હૉસ્પિટલમાં હાશ્વીને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ મનાલી ૨૧ દિવસ સુધી તેની સાસુ સાથે રહી હતી અને ત્યાર બાદ ભાઈ જેનિલના ઘરે રોકાવા આવી હતી. ૨૧ સપ્ટેમ્બરે મોડી રાતે જેનિલ ઘરે આવ્યો ત્યારે તેની માતા, બહેન મનાલી અને તેની દીકરી હાશ્વી ઘરમાં સૂતાં હતાં. દરમિયાન સવારે સાડાછ વાગ્યે તેણે તેની માતા હિના અને મનાલીની ચીસો સાંભળી હતી. તેથી પૂછ્યું કે શું થયું છે? ત્યારે જાણવા મળ્યું કે હાશ્વી ઘરમાં મળતી નથી. એ જ સમયે જેનિલે મનાલીને પુત્રી વિશે પૂછપરછ કરી, પરંતુ તેની માહિતી મળી શકી નહોતી. થોડા સમય બાદ જેનિલને તેની સોસાયટીના ચોકીદાર દ્વારા ગણેશ ગાવડે રોડ પર આવેલા યોગેશ બિલ્ડિંગના પરિસરમાં નાનું બાળક પડ્યું હોવાની જાણ થઈ હતી. એ પછી જેનિલ યોગેશ બિલ્ડિંગમાં ગયો ત્યારે એ બાળક મનાલીનું હોવાનું જણાયું હતું. પ્રાથમિક માહિતીમાં જે વિસ્તારમાં બાળક પડ્યું હતું એ વિસ્તારમાં બહેન મનાલીનો બેડરૂમ હતો. મનાલી જન્મથી જ બોલી-સાંભળી નથી શકતી અને તેનો પહેલો પુત્ર મૃત્યુ પામ્યો હતો. એના આઘાતથી પિતા વિનયનું પણ મૃત્યુ થયું હતું. ત્યારથી મનાલી માનસિક તનાવમાં હતી. આ તનાવને કારણે મનાલીએ તેની બાળકીને ૧૪મા માળેથી ફેંકી દીધી હોઈ શકે છે. ત્યાર બાદ પોલીસે મનાલી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
મુલુંડ પોલીસ સ્ટેશનના ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આદિનાથ ગાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે મહિલાને એવો ભાસ થતો હતો કે આશરે નવ મહિના પહેલાં મૃત્યુ પામેલા તેના પિતા બાળકીને બોલાવી રહ્યા છે. આ કેસમાં હાલમાં અમે મૃત બાળકીની માતા પર હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.’ 
ઇન્સ્પેક્ટર આદિનાથ ગાવડેને જ્યારે થિયરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘બાળકી તેની માતા સાથે બેડરૂમમાં હતી. એ સમયે બીજું કોઈ અંદર હતું પણ નહીં. બાળકી નાની હોવાથી તે ચાલીને વિન્ડો પાસે જઈ શકે નહીં એટલે તેની માતાએ જ બાળકીને ૧૪મા માળેથી નીચે ફેંકીને શોધવાનો ઢોંગ કર્યો હતો. આ કેસમાં ટેક્નિકલ માહિતીઓ ભેગી કરીને વધુ તપાસ કરવામાં આવશે. એ સાથે આ કેસમાં વધુ સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવશે.’

mumbai news mulund jain community