13 December, 2022 09:44 AM IST | Mumbai | Priti Khuman Thakur
ડોમ્બિવલીમાં એક જ રાતમાં સાત કેમિસ્ટની દુકાનોમાંની ચોરી સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી
ડોમ્બિવલીમાં ચોરોએ કેમિસ્ટ શૉપમાં એકસાથે ચોરી કરીને આતંક મચાવ્યો હોવાથી કેમિસ્ટોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડોમ્બિવલીમાં આવેલા લોઢા, સંગીતાવાડી, નાંદિવલી રોડ વિસ્તારમાં લગભગ સાત દુકાનોનાં શટર તોડીને રોકડ રકમ અને કીમતી સામાનની ચોરી કરવામાં આવી હતી. એકસાથે આટલી દુકાનમાં ચોરી થતાં સુરક્ષા-વ્યવસ્થા સામે પ્રશ્ન ઊભો થતાં ડોમ્બિવલી કેમિસ્ટ્સ અસોસિએશન તરફથી પોલીસને નિવેદન આપીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ પણ થયેલી જોવા મળે છે.
ડોમ્બિવલીમાં થયેલી ચોરીમાં મોડી રાતે માનપાડા પોલીસ ચોકીની સામે આવેલી એસ. એસ. મેડિકલની દુકાન તોડવામાં આવી હતી. લોઢામાં નિલજે મેડિકલ, જેનેરીકાર્ટ, ગેટ વેલ મેડિકલ, સંગીતાવાડીમાં સિદ્ધિ મેડિકલ, સ્વામી મેડિકલ અને નંદિવલી રોડ પર વિજયાલક્ષ્મી મેડિકલમાં તોડફોડ કરવામાં આવી હતી. એથી ચોરીનો બનાવ સામે આવતાં તરત જ ગઈ કાલે ડોમ્બિવલી કેમિસ્ટ્સ અસોસિએશન તરફથી માનપાડા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપવામાં આવ્યું હતું. તેમ જ અસોસિએશને માગણી કરી છે કે ચોરોને પકડવા માટે વિશેષ ટીમની નિમણૂક કરવામાં આવે.
આ ચોરીઓ વિશે માહિતી આપતાં ડોમ્બિવલી તેમ જ થાણે જિલ્લાના કેમિસ્ટ્સ અસોસિએશનના અધ્યક્ષ દિલીપ દેશમુખે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લૉકડાઉન બાદ અનેક મેડિકલ દુકાનોમાં ચોરીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ડોમ્બિવલીના માનપાડાની હદમાં આવા બનાવ હવે દિવસે-દિવસે વધી ગયા છે. ડોમ્બિવલીના લોઢા પરિસરમાં છેલ્લા પાંચ દિવસમાં લગભગ ચાર મેડિકલ દુકાનમાં ચોરી થઈ છે. એવામાં એક જ રાતમાં સાત મેડિકલ દુકાનોમાં ચોરી થવી ખૂબ ગંભીર બાબત છે. મેડિકલ દુકાનો પર ચોરોની નજર હોવાથી કડક પોલીસ પૅટ્રોલિંગ કરવાની આવશ્યકતા છે. તેમ જ બેફામ વધી ગયેલા ચોરોને પકડવા માટે પોલીસ એક વિશેષ ટીમ બનાવે એવી માગણી કરતો પત્ર લખવામાં આવ્યો છે. એ ઉપરાંત માનપાડા હદમાં અમુક મેડિકલ દુકાનમાં પોલીસ વિઝિટની નોંધ કરવાનું શરૂ કરે જેથી કેમિસ્ટો મોડી રાત સુધી પણ કોઈ ભય અનુભવ્યા વગર લોકોને સેવા આપી શકે. હાલમાં વધી રહેલી ચોરીના બનાવોથી મેડિકલ દુકાનો ધરાવતા કેમિસ્ટો ભીતિના વાતાવરણમાં છે. લોઢા વિસ્તારમાં તો શનિવારે પણ ચોરી કરી અને એ જ દુકાનમાં રવિવારે રાતે પણ ચોરી કરી હતી. અંદાજે રાતના બેથી ૪ વાગ્યાની વચ્ચે આ ચોરીના બનાવો બન્યા હોય એવો અંદાજ છે. અમુક દુકાનમાં એક, બીજામાં બે-ત્રણ એમ ચોરો સીસીટીવી કૅમેરામાં જોવા મળી રહ્યા છે. ચોરો મોઢા પર રૂમાલ અને કૅપ પહેરીને આવ્યા હતા. દુકાનોમાંથી દવાઓ છોડીને ચોરોએ જિલેટનાં બૉક્સ, પાઉડર, રોકડ રકમ સહિત કૅડબરીનાં આખાં ને આખાં બૉક્સ ચોરી લીધાં છે. દુકાનમાં રહેલી મોંઘી વસ્તુઓ ચોરી કરીને જતા રહ્યા હતા. પરંતુ ચોરીના આ બનાવો વધુપડતા બનતાં કેમિસ્ટો ગભરાયેલા હોવાથી પોલીસને પણ તાત્કાલિક કાર્યવાહી કરવા ગઈ કાલે આવેદનપત્ર સોંપ્યો છે.’