ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવાન સાથે દોસ્તી કરવાનું યુવતીને ભારે પડ્યું

16 December, 2023 08:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન કરવાનું વચન આપીને વિડિયોકૉલ પર પોતાની સાથે યુવતીને પણ નિર્વસ્ત્ર થવાની ફરજ પાડીને એનું રેકૉર્ડિંગ કરી લીધું અને ફોટો પણ પાડ્યા : ત્યાર બાદ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી બ્લૅકમેઇલ કરીને તેની પાસે ખંડણી માગી

એમઆઇડીસી પોલીસની ટીમ છેક આસામ જઈને આરોપી દિલદાર ખાનને પકડી લાવી હતી.

મુંબઈ : સોશ્યલ મીડિયા પર અજાણ્યા યુવાન સાથે દોસ્તી કરવાનું અંધેરીની એક યુવતીને ભારે પડ્યું હતું. લગ્નનું વચન આપનાર યુવાન દ્વારા જ તેને બ્લૅકમેઇલ કરીને તેની પાસે ખંડણી માગવામાં આવતી હતી. આખરે યુવતીએ અંધેરી એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસ આરોપી યુવાનને છેક આસામ જઈને પકડી લાવી હતી. 

એમઆઇડીસી પોલીસે આ સંદર્ભે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અંધેરીમાં રહેતી તે યુવતીની ઇન્સ્ટાગ્રામ પર આસામમાં રહેતા આરોપી યુવાન દિલદાર ખાન સાથે ઓળખાણ થઈ હતી. એ પછી તેઓ ફ્રેન્ડ્સ બન્યાં હતાં. ત્યાર બાદ તેમની વચ્ચે સોશ્યલ મીડિયા પર જ પ્રેમ પાંગર્યો હતો અને આરોપી દિલદારે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. એ પછી દિલદારે યુવતીને વિડિયોકૉલ કર્યો હતો અને પોતાની સાથે તેને પણ નિર્વસ્ત્ર થવાની ફરજ પાડી હતી. દિલદાર ખાને એ વિડિયોકૉલનું સ્ક્રીન-રેકૉર્ડિંગ કરી લીધું હતું અને ફોટો પણ પાડ્યા હતા. ત્યાર બાદ તેણે તે યુવતીના નામની ફેક સાઇટ બનાવી હતી અને એના પર એ ફોટો અને એ વખતનો અશ્લીલ વિડિયો અપલોડ કરી દીધા હતા. તેણે એ વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી યુવતીને બ્લૅકમેઇલ કરીને તેની પાસે ખંડણીની માગણી કરી હતી. તેની એ માગણીથી ડરી જઈને આખરે ગભરાયેલી યુવતીએ એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. 

ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એની ટેક્નિકલ ટીમની સાથે બેસીને એ કૉલ ક્યાંથી કરાયો હતો એનું લોકેશન અને ડીટેલ મેળવ્યાં હતાં. એમાં જણાઈ આવ્યું હતું કે કૉલ કરનાર દિલદાર ખાન આસામના અંતરિયાળ ભાગમાં રહેતો હતો. એથી એમઆઇડીસી પોલીસ એક ખાસ ટીમ બનાવીને આસામ ગઈ હતી અને આખરે આસામના વરાંગના સોનપીપુરના લોતુન બજાર પાસે આવેલી પઠાસિમલો બ્લૉકમાંથી ૨૩ વર્ષના દિલદાર ખાનને ઝડપીને મુંબઈ લાવી હતી. દિલદાર ખાન સામે આઇપીસીની અન્ય કલમો સાથે આઇટી ઍક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 

mumbai news andheri instagram mumbai police