25 April, 2024 07:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈગરાઓએ ૧૦ દિવસ પહેલાં હીટવેવને કારણે આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. જોકે હવે ફરી એક વખત પારો ઉપર જવાનો છે અને ગરમી વધવાની છે એવી આગાહી વેધશાળાએ કરી છે એટલે ફરી એક વખત મુંબઈગરાએ એનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આ વીક-એન્ડમાં શનિ, રવિ અને સોમવાર એમ ત્રણ દિવસ સુધી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે એમ જણાવીને મુંબઈ વેધશાળાનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ ઍન્ટિ-સાઇક્લોનિક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ પરિસ્થિતિમાં ગરમ હવા ઉપરની તરફ જતી નથી અને જમીનની નજીક જ ફેલાતી રહે છે એને કારણે તાપમાનમાં વધારો થાય છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં તાપમાન ૩૯ ડિગ્રીથી ૪૦ ડિગ્રી રહી શકે છે.’
આ હીટવેવ વખતે મુંબઈગરાઓએ પોતાની કાળજી રાખવી જરૂરી છે. બની શકે તો ભરબપોરે તડાકામાં ખુલ્લા માથે નીકળવું નહીં અને કૅપ પહેરવી. પાણી પીતા રહેવું. સનગ્લાસિસનો ઉપયોગ કરવો. શરીર પૂરું ઢંકાય એવાં કપડાં પહેરવાં હિતાવહ રહેશે એવું વેધશાળાએ સૂચન કર્યું છે.