મીરા રોડમાં પર્યાવરણની ઐસીતૈસી

25 January, 2025 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅન્ગ્રોવ્ઝ અને મીઠાના અગરની જમીનમાં ગેરકાયદે માટીની ભરણી કરવામાં આવી : વેસ્ટ બાજુએ એક વર્ષથી માટી ભરવામાં આવતી હોવાની માહિતીને આધારે તલાટીએ બે કંપની સામે ફરિયાદ નોંધાવી

મીરા રોડ-વેસ્ટમાં રેલવે-સ્ટેશન નજીક માટીની ભરણી કરવામાં આવી રહી છે. (તસવીર : પ્રકાશ બાંભરોલિયા)

મીરા રોડ-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની આસપાસ મીઠાના અગર અને મૅન્ગ્રોવ્ઝ આવેલાં છે આથી પર્યાવરણની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ આ જમીન કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)માં પણ આવે છે એટલે અહીં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનાં બાંધકામ કરવામાં નથી આવ્યાં. જોકે છેલ્લા એક વર્ષથી આ જમીનમાં ગેરકાયદે માટીની ભરણી કરવામાં આવી રહી છે જેને લીધે મૅન્ગ્રોવ્ઝનું મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ બાબતની માહિતી પ્રશાસનને આપવામાં આવતાં ભાઈંદરના તલાટીએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ૧૮ જાન્યુઆરીએ ધ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અને મીરા રિયલ એસ્ટેટ ડેવલપર્સ નામની કંપનીઓ સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું.

ભાઈંદરના તલાટી અમિત મધાળેએ ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ભાઈંદર-વેસ્ટના સર્વે નં. ૧૪૬/૧/બીની રાધાસ્વામી સત્સંગ મઠ પાસેની જમીનમાં મૅન્ગ્રોવ્ઝ છે. અહીં ચાલવા માટેના રોડને અડીને આવેલી આ જમીનમાં ગેરકાયદે માટીની ભરણી થતી હોવાની ફરિયાદ પર્યાવરણપ્રેમી હર્ષદ ઢગેએ ગયા વર્ષે ૧૯ સપ્ટેમ્બરે અમને કરી હતી. આ ફરિયાદને પગલે મીરા ભાઈંદર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતાં જણાઈ આવ્યું છે કે સર્વે નં. ૧૩૭થી ૧૪૪, ૧૫૫, ૧૫૬, ૧૫૭ અને ૩૭૬ની જમીનમાં પણ મોટા પ્રમાણમાં ગેરકાયદે માટીની ભરણી કરવામાં આવી છે. આ ભરણી ધ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ અને મીરા રિયલ એસ્ટેટ ડેવલપર્સ નામની કંપની દ્વારા કરવામાં આવી હોવાનું જણાતાં આ બન્ને કંપની સામે ભાઈંદર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

mira road environment news mumbai mumbai news