થાણેના યેઉરના બંગલા અને કોઠારી કમ્પાઉન્ડમાં ધમધમે છે ગેરકાયદે હુક્કા પાર્લરો અને હોટેલો

30 December, 2022 09:40 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

અહીં યુવાનો મોટી સંખ્યામાં નશો કરતા જોવા મળી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

મુંબઈ : થાણેના સંજય ગાંધી નૅશનલ પાર્ક વિસ્તાર અને યેઉરના જંગલ તથા કોઠારી કમ્પાઉન્ડ વિસ્તારોમાં ગેરકાયદે અનેક હોટેલો, લાઉન્જ બાર અને હુક્કા પાર્લરો ધમધમી રહ્યાં છે જ્યાં યુવાનો મોટી સંખ્યામાં નશો કરતા જોવા મળી રહ્યા છે. એ હોટેલો, લાઉન્જ બાર અને હુક્કા પાર્લર પર કઠોર કાર્યવાહી કરવામાં આવે એવી લેખિત માગણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના જનહિત કક્ષ અને વિધિ વિભાગ દ્વારા થાણે સુધરાઈના કમિશનર, ફાયર બ્રિગેડ અને ફૉરેસ્ટ ઑફિસરને કરવામાં આવી છે.

એમએનએસના થાણે શહેરના અધ્યક્ષ સ્વપ્નિલ મહિન્દ્રકરે આ બાબતે કરેલી અરજીમાં કહ્યું છે કે ‘થાણેના સંજય ગાંધી નૅશનલ પાર્ક વિસ્તાર અને યેઉરના જંગલ તથા કોઠારી કમ્પાઉન્ડ વિસ્તારોમાં ગેરકાયદે અનેક હોટેલો, લાઉન્જ બાર અને હુક્કા પાર્લરો ચાલી રહ્યાં છે જેમાંથી ઘણાંનું બાંધકામ ગેરકાયદે છે. કેટલીક હોટેલો અને લાઉન્જ બાર તથા હુક્કા પાર્લરોએ અગ્નિશમન દળ પાસેથી કોઈ પરવાનગી લીધી નથી. આ ઉપરાંત હુક્કા પાર્લરોમાં અનૈતિક વ્યવસાય પણ ચાલે છે. થોડાં વર્ષ અગાઉ કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલી રૂફ ટૉપ હોટેલમાં ભીષણ આગ લાગી હતી અને એમાં અનેક નિર્દોષ વ્યક્તિના જીવ ગયા હતા તથા મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. એ પછી કુર્લાની હોટેલમાં લાગેલી આગમાં કૉલેજિયનો જીવતા ભૂંજાઈ ગયા હતા. થોડા વખત પહેલાં ચેમ્બુરની એક હોટેલમાં પણ આગ લાગી હતી. પ્રશાસનની બેદરકારીને કારણે આગની ઘટના બને છે અને લોકોએ એનો ભોગ બનવું પડે છે એથી આ બાબતે વહેલી તકે પગલાં લેવાય અને એ ગેરકાયદે ચાલી રહેલી હોટેલો, લાઉન્જ બાર અને હુક્કા પાર્લરો પર કડક કાર્યવાહી કરી એના પર કાયમનો પ્રતિબંધ મૂકવામાં આવે.’

mumbai mumbai news thane