‘આઇઆઇટી પોતાની શાખ બચાવવા મારા દીકરાના હત્યારાને બચાવી રહી છે’

08 March, 2023 08:52 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દર્શન સોલંકીએ નબળા ઍકૅડેમિક પર્ફોર્મન્સને કારણે સુસાઇડ કર્યું એવા આઇઆઇટી-બૉમ્બેની ઇન્ટર્નલ કમિટીના ઇન્ટરિમ રિપોર્ટથી રમેશ સોલંકી ગુસ્સે ભરાયા. આ રિપોર્ટને પડકારવાની દર્શનના પપ્પાએ કરી જાહેરાત

દર્શન સોલંકી અને તેના પિતા રમેશ સોલંકી

મૂળ અમદાવાદના અને પવઈની આઇઆઇટીના સ્ટુડન્ટ દર્શન સોલંકીના કથિત સુસાઇડના કેસમાં આઇઆઇટીની ઇન્ટરનલ કમિટીએ એનો ઇન્ટરિમ (વચગાળાનો) રિપોર્ટ આપ્યો છે અને એમાં તેણે તેના નબળા ઍકૅડેમિક પર્ફોર્મન્સને કારણે અને લેક્ચરમાં સમજ પડતી ન હોવાથી આ આત્મહત્યા કરી હોવાનું તારણ કાઢ્યું છે અને સાથે જ તેનું જાતીય આધારિત શોષણ થયું હોવાની કે તેની સાથે ભેદભાવ કરાયો હોવાની વાતને રદિયો આપ્યો છે. જોકે દર્શનના પિતા રમેશ સોલંકીએ આ ઇન્ટરિમ રિપોર્ટને ખોટો ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેમના દીકરાની હત્યા કરાઈ છે અને આઇઆઇટી એ હત્યા કરનારને બચાવવા માગે છે. તેઓ આ ઇન્ટરિમ રિપોર્ટને પણ પડકારવાની તૈયારી કરી રહ્યા છે.

આઇઆઇટી - મુંબઈના કેમિકલ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લેનાર દર્શન સોલંકીનો મૃતદેહ ૧૨ ફેબ્રુઆરીએ આઇઆઇટીના પવઈ કૅમ્પસમાંથી મળી આવ્યો હતો. તેણે આત્મહત્યા કરી હોવાનું નોંધીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે તેના પિતા રમેશ સોલંકીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે તેની સાથે કાસ્ટ ડિસ્ક્રિમિનેશન થતું હતું, તેની હત્યા કરવામાં આવી છે અને આઇઆઇટી હત્યા કરનારને બચાવીને પોતાની શાખ બચાવવા માગે છે. આઇઆઇટીએ તેમના દાવા કે દર્શન સાથે જાતીય ભેદભાવ રખાતો હતો એની તપાસ કરવા આ ઘટના બાદ ૧૨ સભ્યોની કમિટી બનાવી હતી અને કેસની તપાસ કરવા જણાવ્યું હતું. આ કમિટીએ એનો વચગાળાનો રિપોર્ટ બીજી માર્ચે આપ્યો છે. એ રિપોર્ટમાં તેમણે દર્શને તેના નબળા પર્ફોર્મન્સ (વેરી પૂઅર)ને કારણે આત્મહત્યા કરી હોવાનું તારણ કાઢ્યું છે અને સાથે જ તેની સાથે કોઈ જાતીય ભેદભાવ રખાયો હોય એ વાતને રદિયો આપ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે દર્શને તેના મિત્રોને એેમ પણ કહ્યું હતું કે તે કદાચ આઇઆઇટીના બીટેકના કોર્સને છોડીને તેના હોમટાઉન (અમદાવાદ)માં કોઈ કોર્સ જૉઇન કરશે. આઇઆઇટી - મુંબઈમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે જાતીય ભેદભાવ રખાય છે અને તે પણ એનો ભોગ બન્યો છે એમ દર્શને તેની બહેનને કહ્યું હતું એ વાતની નોંધ આ સમિતિએ લીધી હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. દર્શનના પિતા રમેશ સોલંકીએ આ બાબતે કહ્યું હતું કે દર્શને તેમને એ વિશે વાત નથી કરી, પણ એની પાછળ એ કારણ હોઈ શકે કે તેને ડર હોય કે તેને હું કોર્સ છોડીને પાછો બોલાવી લઈશ એટલે મને ન કહ્યું હોય.

રમેશ સોલંકીએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્ટરનલ કમિટીમાં તેની સાથે ભણતો કોઈ સ્ટુડન્ટ નથી કે પછી બહારની કોઈ તટસ્થ વ્યક્તિનો સમાવેશ કરાયો નથી એટલે એના રિપોર્ટને અમે સાચો માનતા નથી. એ રિપોર્ટ ખોટો છે. જો તેણે આત્મહત્યા જ કરી હોય તો તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ પણ મળી નથી. દર્શનની હત્યા કરાઈ છે, કારણ કે તે જો સાતમા માળેથી નીચે પડ્યો હોય તો તેને ઘણીબધી ઈજા થવી જોઈએ, જ્યારે તેને માત્ર માથામાં પાછળની તરફ જ ઈજા થઈ છે. એથી કોઈએ તેને માથામાં પાછળથી મારીને તેની હત્યા કર્યા બાદ નીચે ફેંકી દીધો છે. હજી સુધી પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યો નથી. અમે કમિટીના આ રિપોર્ટને પણ પડકારવાના છીએ, કારણ કે અમે તેમને અમારી જે શંકા દર્શાવી એને રિપોર્ટમાં સમાવી જ નથી.’ 

અમારી કમિટી સ્વતંત્ર તપાસ કરી રહી છે
દેશભરમાં ચકચાર જગાવનાર દર્શન સોલંકીના કેસની ઝીણવટભરી તપાસ કરાય એ માટે મહારાષ્ટ્ર સરકારે જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) લખમી ગૌતમના વડપણ હેઠળ ત્રણ સદસ્યની એસઆઇટી બનાવી છે. લખમી ગૌતમે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઇઆઇટીની ઇન્ટરનલ કમિટીએ એનો ઇન્ટરિમ રિપોર્ટ આપ્યો છે એ વિશે અમને કોઈ જાણ નથી કે તેમણે અમને એ વિશે કંઈ જણાવ્યું નથી. અમે એ રિપોર્ટ પર ડિપેન્ડન્ટ નથી. અમે આ કેસની સ્વતંત્રપણે અમારી રીતે તપાસ કરી રહ્યા છીએ અને એ હાલ ચાલી રહી છે.’ 

mumbai mumbai news iit bombay bakulesh trivedi