દીકરાનું સુસાઇડ નથી, મર્ડર થયું છે

16 February, 2023 08:41 AM IST  |  Mumbai | Mehul Jethva

આવું કહેતા આઇઆઇટીના સ્ટુડન્ટ દર્શન સોલંકીના પપ્પા ઉમેરે છે કે પોસ્ટમૉર્ટમ પછી મેં તેની ડેડ-બૉડી જોઈ ત્યારે તેના મોઢા પર માર લાગ્યો હોય એવાં કોઈ નિશાન નહોતાં, માત્ર માથાની પાછળની બાજુએ થોડો માર લાગ્યો હતો એટલે અમને લાગે છે કે હત્યા કર્યા બાદ તેનો..

દર્શન સોલંકી


મુંબઈ : પવઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી - બૉમ્બેમાં બીટેકના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને મૂળ અમદાવાદના મણિનગરમાં રહેતા ૧૮ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ રવિવારે બપોરે સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. પવઈ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. જોકે દર્શનના પરિવારે દાવો કર્યો છે કે આ આત્મહત્યા નથી, હત્યા છે. પરિવારે મુંબઈ પોલીસ પાસે નિષ્પક્ષ તપાસ કરવાની માગ કરી છે.

અમદાવાદના મણિનગરના ઉત્તમનગર વિસ્તારમાં ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા ૧૮ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ પહેલા ધોરણથી નવમા ધોરણ સુધી મણિનગરની શારદા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસમાં તે ખૂબ જ હોશિયાર હોવાથી તેણે એસએસસીથી એચએસસીનો અભ્યાસ સ્વામી વિવેકાનંદ કૉલેજમાં કર્યો હતો. એચએસસીમાં સારા માર્ક્સ મેળવ્યા બાદ દર્શન તેનાં માતા-પિતા અને દાદા-દાદીને પોતાના નાના ઘરમાંથી નવા-મોટા મહેલ જેવા ઘરમાં લઈ જવા માગતો હોવાથી તેણે કેમિકલ એન્જિનિયર બનીને પોતાનું સપનું સાકાર કરવા માટે મુંબઈની આઇઆઇટીમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. એ માટે પરિવાર દ્વારા પહેલાં વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે દર્શનનાં સપનાં અને અભ્યાસ પ્રત્યેનો પ્રેમ જોઈને તેના પરિવારજનોએ તેને મુંબઈ અભ્યાસ કરવા માટે મોકલ્યો હતો. રવિવારે બપોરે ૧૨.૨૦ વાગ્યે તેણે પિતા રમેશભાઈ સાથે વાત કર્યા બાદ ૧.૩૮ વાગ્યે આત્મહત્યા કરી પોતાના જીવનનો અંત આણી દીધો હતો. આ ઘટનાની માહિતી પવઈ પોલીસ સ્ટેશનને મળતાં પોલીસે પ્રાથમિક માહિતીના આધારે એડીઆર નોંધીને તપાસ હાથ ધરી છે.

 દર્શન મુંબઈ ભણવા આવ્યા બાદ તેના સ્વભાવમાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. તે શેડ્યુલ કાસ્ટનો હોવાથી તેના પર રૅગિંગ થતું હોવાની માહિતી તેણે મારાં ભાભીને આપી હતી, જેની મને હમણાં જાણ થઈ છે.


રમેશ સોલંકી, દર્શનના પપ્પા

દર્શનના પિતા રમેશ સોલંકીએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘રવિવારે બપોરે મારા નંબર પર એક વૉટ્સઍપ કૉલ આવ્યો હતો. એમાં મને એક સ્ટુડન્ટે કહ્યું કે તમે તાત્કાલિક અહીં આવી જાઓ, દર્શન પડી ગયો છે. મેં તરત તેના રૂમમેટને પાછો ફોન કર્યો ત્યારે તેણે ફોન ઉપાડ્યો નહોતો. થોડી વાર બાદ મને અન્ય એક યુવકનો ફોન આવ્યો હતો અને કહ્યું કે તમે તમારાં પત્ની બન્ને આવી જાઓ. આ સાંભળીને હું ડરી ગયો હતો. ત્યાર બાદ અમને ફ્લાઇટમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ અમારાથી બુકિંગ થતું નહોતું એટલે તરત જ આઇઆઇટી તરફથી અમારી ફ્લાઇટની ટિકિટનું બુકિંગ કરાવવામાં આવ્યું હતું. અમે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે અમને આઇઆઇટીની ઑફિસમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં અમને કેટલાક કલાકો બેસાડીને દર્શનની માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે આ આત્મહત્યા નથી પણ આ હત્યાનો કેસ જણાય છે, કારણ કે પોસ્ટમૉર્ટમ બાદ જ્યારે મેં દર્શનની ડેડ-બૉડી જોઈ ત્યારે તેના મોઢા પર માર લાગ્યો હોય એવાં કોઈ નિશાન નહોતાં. જે છોકરો સાતમા માળેથી નીચે પડે તેના મોઢા પર માર લાગ્યો હોય, પણ દર્શનને માત્ર માથાની પાછળની બાજુએ થોડો માર લાગ્યો હતો. એનાથી અમને લાગે છે કે હત્યા કર્યા બાદ તેને નીચે રાખી દેવામાં આવ્યો છે. એ માટે અમે મુંબઈ પોલીસ પાસે નિષ્પક્ષ તપાસની માગ કરી છે.’

આ પણ વાંચો:આઇઆઇટીમાં આત્મહત્યા કરનાર ગુજરાતી વિદ્યાર્થી પેરન્ટ્સને મળવા અમદાવાદ જવાનો હતો


તેમણે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘દર્શન અમદાવાદ મારી પાસે હતો ત્યારે અને મુંબઈ ભણવા આવ્યા બાદ તેના સ્વભાવમાં મોટો બદલાવ જોવા મળ્યો હતો. તે શેડ્યુલ કાસ્ટનો હોવાથી તેના પર રૅગિંગ થતું હોવાની માહિતી તેણે મારાં ભાભીને આપી હતી, જેની મને હમણાં જાણ થઈ છે. દર્શને મને પહેલાં ક્યારેય રૅગિંગ વિશે કહ્યું જ નહોતું, કારણ કે તેને ખબર હતી કે તે મને એ વિશે કંઈ કહેશે તો હું તેને પાછો અમદાવાદ લઈ આવીશ. તે દુ:ખના ઘૂંટડા પીને અને અભ્યાસ કરીને મોટો માણસ બનવા માગતો હતો અને મને ઘરે બેસાડીને પોતે કમાવા માગતો હતો. હવે મારે આખું જીવન મારી અને મારા પરિવારની જવાબદારી માટે કામ કરવું પડશે. મારો આશરો મુંબઈ આઇઆઇટીએ છીનવી લીધો છે. મેં ઘટનાના દિવસે તેના રૂમમેટ અને બીજા સ્ટુડન્ટ્સ સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ પોલીસ અધિકારીઓ અને આઇઆઇટીના સત્તાધીશ અધિકારીઓ સામે હતા એટલે સ્ટુડન્ટ્સ મને જે કહેવા માગતા હતા એ કહી શક્યા નહોતા એમ અમને લાગે છે.’

રમેશ સોલંકીએ દર્શનને થતી હેરાનગતિની માહિતી આઇઆઇટીને હતી એવું જણાવીને કહ્યું હતું કે  ‘દર્શને પોતાને કરવામાં આવતી હેરાનગતિની કૉલેજમાં આવેલા આંબેડકર પેનરિયાર ફુલે સ્ટડી સર્કલ ગ્રુપને ફરિયાદ કરી હતી જેમા તેણે રેગિગ થતો હોવાનો આરોપ મુક્યો હતો-જ્યારે આ બનાવ બન્યો એ પહેલા તેણે બપોરના ૧૨.૨૦ વાગ્યે મારી જોડે વાત કરેલી. ત્યારે મને નહોતું લાગ્યું કે દર્શન આવું કંઈ કરશે. બપોરે ૧.૩૮ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. મારો ફોન મૂકવાથી તેના મૃત્યુના સમય દરમ્યાન દર્શનએ આઇઆઇટી તરફથી સંસ્થામાં મદદ માટે રાખવામાં આવેલા આંબેડકર પે રિયાર ફુલે સ્ટડી સર્કલ ગ્રુપને ફોન કર્યા હતા, પણ એ ઉપાડવામાં આવ્યો ન હતો. આ ફોન સંબધી પોલીસ સ્ટેટમેન્ટમાં નોંધ થયુ હોવાનુ અમને જાણવા મળ્યું છે.’
સાકીનાકા ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર ભરત સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ અમે પ્રાથમિક માહિતીને આધારે એડીઆર નોંધ કરીને તપાસ હાથ ધરી છે. અમે ત્યાંના સ્ટુડન્ટ્સ અને તેની સાથે રહેતા લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધ કરી રહ્યા છીએ. તેનાં માતા-પિતાનું સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવશે, જેના માટે તેમને અહીં બોલાવવામાં આવશે. જો તેમને અહીં આવવું શક્ય ન હોય તો અમારી ટીમ ત્યાં જઈને તેમનું સ્ટેટમેન્ટ લેશે.’ 

તેમને પૂછવામાં આવ્યું કે તેની હત્યા થઈ હોવાનો પરિવારે દાવો કર્યો છે ત્યારે તેમણે કહ્યું હતું કે ‘દર્શને સુસાઇડ કર્યું ત્યારના એક આઇ વિટનેસનું અમે સ્ટેટમેન્ટ લીધું છે એટલે એ આત્મહત્યા છે એ ક્લિયર છે, પણ શા માટે કરવામાં આવી છે એની અમે વિગતવાર તપાસ કરી રહ્યા છીએ.’

mumbai news indian institute of technology powai iit bombay mehul jethva