08 April, 2023 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દર્શન સોલંકી
મુંબઈ ઃ બૉમ્બે આઇઆઇટી સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યા કરવાના મામલામાં જણાઈ આવ્યું છે કે તેની રૂમમાંથી મળી આવેલી સુસાઇડ-નોટ તેણે જ લખેલી હતી. ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી)ના હૅન્ડ રાઇટિંગ વિભાગે દર્શન સોલંકીના અક્ષરો તપાસ્યા બાદ જારી કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે મૃત્યુ પામતાં પહેલાં દર્શન સોલંકીએ જ સુસાઇડ-નોટ લખી હતી. આથી પોલીસ હવે આરોપી સ્ટુડન્ટ્ની લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરી શકે છે.
ફેબ્રુઆરીમાં આઇઆઇટી સ્ટુડન્ટ દર્શન સોલંકીની આત્મહત્યાના મામલામાં તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને દર્શન સોલંકીની રૂમમાંથી ૩ માર્ચે એક સુસાઇડ-નોટ મળી આવી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે ‘તેં મને મારી નાખ્યો’. દર્શને પોતાની સાથેના એક સ્ટુડન્ટને પોતાના મૃત્યુ માટે જવાબદાર ગણાવ્યો હતો. દર્શન સોલંકીના પરિવારજનોએ આ સુસાઇડ-નોટ સંબંધે શંકા વ્યક્ત કરતાં એસઆઇટીએ આ સુસાઇડ-નોટ હૅન્ડ રાઇટિંગ ઍનૅલિસિસ માટે મોકલી આપી હતી. ગઈ કાલે એસઆઇટીના હાથમાં રિપોર્ટ આવ્યા બાદ એ પોલીસને સોંપ્યો હતો.
એક પોલીસ અધિકારીએ આ વિશે કહ્યું હતું કે ‘હૅન્ડરાઇટિંગ ઍનૅલિસિસે અમને રિપોર્ટ મોકલ્યો છે, જેમાં જણાઈ આવે છે કે દર્શન સોલંકીની હૅન્ડરાઇટિંગ સાથે સુસાઇડ-નોટમાં લખવામાં આવેલા અક્ષર મૅચ થાય છે. આથી સ્પષ્ટ થાય છે કે તેણે મૃત્યુ પામતાં પહેલાં પોતાના મૃત્યુ માટે જવાબદાર સ્ટુડન્ટને ઉલ્લેખીને લખ્યું હતું.’
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે દર્શન સોલંકીની આત્મહત્યાના મામલામાં આ મહત્ત્વની અપડેટ છે. આથી પોતાના મૃત્યુ માટે દર્શને જે સ્ટુડન્ટનું નામ લખ્યું છે તેની લાઈ ડિટેક્ટર ટેસ્ટ થઈ શકે છે. પોલીસે ગયા અઠવાડિયે આ સ્ટુડન્ટનું નિવેદન નોંધ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તેનો દર્શન સોલંકી સાથે ઝઘડો થયો હતો, પરંતુ બાદમાં તેની માફી માગી લીધી હતી. એ પછી ત્રીજા દિવસે દર્શને આત્મહત્યા કરી લીધી હતી.
દર્શન સોલંકીના પરિવારજનોએ આરોપ કર્યો છે કે જાતિ-ભેદભાવને લીધે દર્શનને ધક્કો મારતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આ આરોપ બાબતે અનેક લોકોનાં નિવેદન નોંધ્યાં છે અને દર્શનના મૃત્યુ માટે કોઈ જવાબદાર હોવાની કલમ પણ એફઆઇઆરમાં નોંધવામાં આવી છે.
પોલીસ અધિકારીએ આ વિશે કહ્યું હતું કે ‘આઇઆઇટીના એક સ્ટુડન્ટ સાથે ઝઘડો થયો હોવાથી દર્શન સોલંકીને ધક્કો મારીને તેની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ આવશે તો સ્ટુડન્ટ સામે કાર્યવાહી કરાશે. જોકે અત્યાર સુધી આવો કોઈ પુરાવો સામે નથી આવ્યો.’
ઉલ્લેખનીય છે કે ૧૩ ફેબ્રુઆરીએ પવઈમાં આવેલી બૉમ્બે આઇઆઇટી હૉસ્ટેલની રૂમમાંથી દર્શન સોલંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પવઈ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને બાદમાં આ મામલાની તપાસ એસઆઇટી દ્વારા હાથ ધરાઈ હતી. દર્શનના મૃત્યુનાં બે અઠવાડિયાં બાદ તેની રૂમમાંથી સુસાઇડ-નોટ મળી આવી હતી.