આઇઆઇટીમાં આત્મહત્યા કરનાર ગુજરાતી વિદ્યાર્થી પેરન્ટ્સને મળવા અમદાવાદ જવાનો હતો

14 February, 2023 08:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિત્રોથી લઈને પરિવારજનોનું કહેવું છે કે દર્શન ખૂબ નૉર્મલ રીતે વાત કરતો હોવાથી આત્મહત્યા કરવાનું કારણ સમજાતું નથી

ફાઇલ તસવીર

મુંબઈમાં પવઈ આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી, મુંબઈ)ના પહેલા વર્ષનો વિદ્યાર્થી દર્શન સોલંકી શનિવારે ૧૧ ફેબ્રુઆરીએ એક્ઝામ પૂરી થયા બાદ પેરન્ટ્સને મળવા અમદાવાદ જવાનો હતો. જોકે તેણે પેરન્ટ્સને મળવા જવાને બદલે હૉસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરીને જીવ આપી દીધો હતો. આત્મહત્યા કરનાર ૧૮ વર્ષના દર્શનના પેરન્ટ્સથી લઈને સાથે રહેતા મિત્રો બધાની સાથે જ તે ખૂબ નૉર્મલ વાત કરતો હતો. એથી આ બનાવ બન્યા બાદ તેના સંપૂર્ણ પરિવારથી લઈને મિત્ર વર્ગ આઘાતમાં જોવા મળી રહ્યો છે. જોકે પવઈ પોલીસ દરેક ઍન્ગલથી કેસની તપાસ કરી રહી છે.

દર્શન મૂળ અમદાવાદનો હતો અને તે ત્રણ મહિના પહેલાં આઇઆઇટી-મુંબઈમાં શિક્ષણ માટે આવ્યો હતો. રવિવારે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. આત્મહત્યાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તેને હૉસ્પિટલ લઈ ગઈ અને ડૉક્ટરે તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. દર્શને ત્રણ મહિના પહેલાં ઍડ્મિશન લીધું હતું અને શનિવારે જ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થઈ હતી. આત્મહત્યા પાછળ અભ્યાસનું દબાણ કે અન્ય કોઈ કારણ છે કે નહીં, એ વિશે પોલીસ તપાસ કરી રહી છે.

દર્શન આઇઆઇટીમાં બી.ટેકમાં કેમિકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે આઇઆઇટીમાં હૉસ્ટેલ નંબર-૧૬ના રૂમ નંબર ૮૦૨માં રહેતો હતો. અચાનક બપોરે હૉસ્ટેલની નજીકમાં કંઈક પડવાનો અવાજ આવ્યો અને ત્યાં દોડધામ મચી ગઈ હતી. એ સમયે સ્ટાફે નજર કરતાં દર્શન લોહીનાં ખાબોચિયાંમાં જોવા મળ્યો હતો. તેને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. દર્શનના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

આ કેસ સંભાળનાર પવઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અનિલ કાંબળેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દર્શન સોલંકીના મૃત્યુ વિશે તેના પરિવારને જાણ કરી હોવાથી તેઓ મુંબઈ આવ્યા હતા. આ કેસમાં આકસ્મિક મૃત્યુ નોંધવામાં આવ્યું છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ત્રણ મહિના પહેલાં આઇઆઇટીમાં જોડાયેલા દર્શન સોલંકીએ શા માટે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો એ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. તેના મિત્રોથી લઈને પરિવારજનો સાથે વાત કરી, પણ તે નૉર્મલ જ રહેતો હોવાનું જણાયું હતું. તે પરિવારને મળવા એક્ઝામ પછી અમદાવાદ જવાનો પણ હતો.’

૨૦૧૪માં બીજા એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી
દર્શન સોલંકી આત્મહત્યા એ પહેલો કિસ્સો નથી. આ પહેલાં ૨૦૧૪માં બી.ટેકના ચોથા વર્ષમાં ભણતા બાવીસ વર્ષના અનિકેત અંભોરે નામના વિદ્યાર્થીએ આઇઆઇટી-મુંબઈમાં આત્મહત્યા કરીને પોતાનો જીવ આપ્યો હતો. 

mumbai mumbai news iit bombay powai ahmedabad