05 April, 2023 08:50 AM IST | Mumbai | Faizan Khan
દર્શન સોલંકી
આઇઆઇટી - મુંબઈના સ્ટુડન્ટ દર્શન સોલંકીના કેસની તપાસ કરનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ને જાણવા મળ્યું હતું કે તેણે ૧૨ ફેબ્રુઆરીએ આત્મહત્યાના એક સપ્તાહ પહેલાં ઘણી વખત પોતાના ક્લાસમેટની માફી માગી હતી. તેણે પોતાની નોટમાં આ વિદ્યાર્થીનું નામ પણ લખ્યું હતું. પોલીસ જાણવા માગે છે કે મરનાર શા માટે માફી માગતો હતો.
એસઆઇટીનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ કેસમાં અત્યાર સુધી ૩૫ સ્ટેટમેન્ટ નોંધવામાં આવ્યાં છે. એવું લાગે છે કે દર્શન સોલંકી અને તેના ક્લાસમેટ વચ્ચે કોઈક પ્રકારનો તનાવ હતો. અગાઉ કેટલાક વિદ્યાર્થીઓએ દર્શન સોલંકીને ક્લાસમેટની માફી માગતો જોયો હતો. વધુ તપાસમાં ખબર પડી કે તેણે પાંચ વખત આવું કર્યું હતું. એક અધિકારીએ કહ્યું કે કોઈને કારણની ખબર નથી અથવા તેઓ જાહેર કરતા નથી. એથી અમે જેનું નામ સુસાઇડ-નોટમાં લખવામાં આવ્યું છે તેની લાઇ-ડિટેક્શન ટેસ્ટ લઈ રહ્યા છીએ. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે દર્શન સોલંકીએ પોતાના ક્લાસમેટ સામે કોઈક ધાર્મિક ટિપ્પણી કરી હતી. તેણે ત્યાર બાદ દર્શન સોલંકીને ધમકી આપી હતી. જોકે ખરેખર શું બન્યું હતું એ અધિકારીઓ જાણવા માગે છે.
અધિકારીએ વધુમાં કહ્યું કે ‘અમને એવું લાગે છે કે ધમકીને કારણે તેણે માફી માગી હોય અને પોતાના સંબંધ સુધારવા માગતો હોય અથવા તો કંઈક એવું બન્યું છે જેને કારણે તેણે આત્મહત્યા કરવા જેવું પગલું ભરવું પડ્યું.
પોલીસે દર્શન સોલંકી અને તેના ક્લાસમેટના ફોનની માહિતી કઢાવવા માટે મોબાઇલ ફૉરેન્સિક લૅબમાં મોકલ્યા છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મૃત્યુ પામ્યાના એક સપ્તાહ પહેલાં દર્શન સોલંકીએ એ વિદ્યાર્થીને ઘણા બધા ફોન કર્યા હતા, પણ તેણે ફોનનો જવાબ પણ આપ્યો નહોતો. વળી તે શુક્રવારે નમાઝ પણ અદા કરતો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ તેને પાછો માફી માગતો જોયો હતો.
ઑફિસરે કહ્યું કે સાચી હકીકત સુધી પહોંચવા માટે ઘણાં બધાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યાં છે, પરંતુ હજી સુધી દર્શન સોલંકીએ આત્મહત્યા શા માટે કરી એના ખરા નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી.