દર્શન સોલંકીના કેસમાં આઇઆઇટી-બૉમ્બેએ વ્યવસ્થિત તપાસ કરી નથી : એસઆઇટી

06 May, 2023 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ​ઇઆઇટી-બૉમ્બેની કમિટીએ આ સંદર્ભે દર્શનના માત્ર બે મિત્રો સાથે ફોન પર વાત કરીને એ દિવસે શું બન્યું હતું એ જાણવાનો પ્રયાસ કર્યો હતો

દર્શન સોલંકી

આઇઆઇટી-બૉમ્બેની પૅનલે દર્શન સોલંકીના અપમૃત્યુના કેસની યોગ્ય તપાસ કરી નથી એવું આ કેસની તપાસ કરી રહેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ સ્પેશ્યલ કોર્ટને જણાવ્યું છે. પબ્લિક પ્રોસિક્યુટરે આ બાબતે કોર્ટને જણાવતાં કહ્યું હતું કે ‘આ​ઇઆઇટી-બૉમ્બેની કમિટીએ આ સંદર્ભે દર્શનના માત્ર બે મિત્રો સાથે ફોન પર વાત કરીને એ દિવસે શું બન્યું હતું એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે તેમનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં નહોતાં; એટલું જ નહીં, એ તપાસનો કોઈ રેકૉર્ડ પણ રાખ્યો નહોતો એથી પૅનલે કરેલી તપાસને પુરાવા તરીકે ગણાવી ન શકાય.’ 
આ ઉપરાંત સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે દર્શનને આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરાયો હોવાનો આરોપ ધરાવતા અરમાન ખત્રીએ કરેલી જામીનઅરજીનો પણ વિરોધ કર્યો હતો. અરમાને તેની અરજીમાં કહ્યું હતું કે આ​ઇઆઇટી-બૉમ્બેની કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસમાં મારી વિરુદ્ધ કશું મળ્યું નથી અને મને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે કેસની શરૂઆતની તપાસ કરનાર પવઈ પોલીસે પણ એ અપમૃત્યુના કેસમાં કશું ખોટું થયું હોવાની શક્યતાને નકારી કાઢી હતી.  

આઇઆઇટી-બૉમ્બેમાં કેમિકલ એન્જિનિયરિંગનું ભણવા આવેલા અમદાવાદના ૧૮ વર્ષના દર્શન સોલંકીનો મૃતદેહ હૉસ્ટેલના કૅમ્પસમાં ૧૨ ફેબ્રુઆરીએ મળી આવ્યો હતો. એ કેસની પ્રારંભિક તપાસ પવઈ પોલીસે કરી હતી. જોકે દર્શનના પિતા રમેશ સોલંકી અને તેમના પરિવારે આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમને શંકા છે કે દર્શનના મૃત્યુ માટે તેની સાથે જાતીયતાના આધારે કરવામાં આવેલું ભેદભાવપૂર્ણ વર્તન મુખ્ય કારણ હોઈ શકે છે એટલે આ દિશામાં તપાસ થવી જોઈએ.

mumbai mumbai news iit bombay ahmedabad gujarat news