પાકિસ્તાની કલાકારોની ફિલ્મો રજૂ કરશો તો એ મોંઘું પડશે : રાજ ઠાકરે

23 September, 2024 08:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરેએ આ બાબતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કહ્યું હતું કે ‘પાકિસ્તાની કલાકારોની ફિલ્મ ભારતમાં કેમ રિલીઝ કરવા દેવાય છે?`

રાજ ઠાકરે

પાકિસ્તાનમાં હિટ ગયેલી ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ મૌલા જટ્ટ’ની ભારતમાં થનારી રિલીઝના મુદ્દે MNS ચીફે આપી વૉર્નિંગ

પાકિસ્તાની કલાકાર ફવાદ ખાનની પાકિસ્તાનમાં હિટ ગયેલી ફિલ્મ ‘ધ લેજન્ડ ઑફ મૌલા જટ્ટ’ની ભારતમાં બીજી ઑક્ટોબરે થનારી રિલીઝને લઈને વિવાદ વકર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા એની રિલીઝનો વિરોધ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં ૨૦૨૨માં રિલીઝ થયેલી ફવાદ ખાનની ફિલ્મ ‘ધ લેજન્ડ ઑૅફ મૌલા જટ્ટ’ ​ત્યાંનાં ​થિયેટરોમાં હિટ સાબિત થઈ હતી. હવે એ ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની છે જેનો MNS દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. MNSનું કહેવું છે કે એ મહારાષ્ટ્રમાં ફિલ્મને રિલીઝ નહીં થવા દે. રાજ ઠાકરેએ આ બાબતે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કહ્યું હતું કે ‘પાકિસ્તાની કલાકારોની ફિલ્મ ભારતમાં કેમ રિલીઝ કરવા દેવાય છે? આર્ટને કોઈ બાઉન્ડરી નથી હોતી એ બીજા બધાની સાથે ઠીક છે, પણ પાકિસ્તાનની બાબતમાં આ જરાય ન ચલાવી શકાય. હિન્દુસ્તાનનો દ્વેષ એ એક જ મુદ્દો જે દેશનું લક્ષ્ય છે એ દેશના કલાકારોને અહીં લાવીને નચાવવા, તેમની ફિલ્મો રિલીઝ કરવી આ બધું શું ચાલી રહ્યું છે? મહારાષ્ટ્ર છોડો, દેશમાં કોઈ પણ જગ્યાએ ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઈએ. એથી સમયસર પગલાં લો અને એ રિલીઝ ન થાય એ જુઓ. મરાઠી ફિલ્મોની રિલીઝ વખતે એને થિયેટર આપવું કે નહીં એ બાબતે વિચાર કરતા થિયેટરમાલિકોએ જો પાકિસ્તાની ફિલ્મો માટે આપણા દેશમાં લાલ જાજમ પાથરી તો એ ઔદાર્ય આગળ જતાં મોંઘું પડશે એ ભૂલતા નહીં. કોઈ પણ પાકિસ્તાની ફિલ્મ માટે મહારાષ્ટ્રમાં સંઘર્ષ થાય એવું હું ઇચ્છતો નથી અને સરકાર એ બાબતે ધ્યાન આપશે એવી મને ખાતરી છે. આ ફિલ્મ જ્યારે રિલીઝ થવાની છે ત્યારે દેશમાં નવરાત્રિ ચાલતી હશે. એથી એવા સમયે મહારાષ્ટ્રમાં કોઈ પણ સંઘર્ષ થાય એવી મારી ઇચ્છા નથી અને એવી જ ઇચ્છા રાજ્યના મુખ્ય પ્રધાન, ગૃહપ્રધાન અને રાજ્યના પોલીસવડાની પણ હશે. નકામો સંઘર્ષ અમને પણ નથી જોઈતો.’

mumbai news mumbai maharashtra navnirman sena raj thackeray political news