11 May, 2024 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
છેલ્લાં દસથી ૧૨ વર્ષમાં પ્રૉપર્ટી ટૅક્સ ન ભરનારા મુંબઈગરાઓ સામે હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. મુંબઈના દરેક વૉર્ડના જે પણ મોટા ડીફૉલ્ટર છે, જેમણે વર્ષોથી પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની દરકાર નથી કરી એવા ૫૦૦ લોકોની યાદી બનાવવામાં આવશે. તે લોકોને શોધી તેમને પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની નોટિસ આપવામાં આવશે. એ પછી પણ જો તેઓ પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરે તો તેમની પ્રૉપર્ટી જપ્ત કરીને એનું ઑક્શન કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ યાદી બનાવવાનું ઑલરેડી ચાલુ થઈ ગયું છે અને ધીમે-ધીમે હવે કાર્યવાહી પણ ચાલુ થઈ રહી છે.
BMCએ ૨૦૨૩-’૨૪ના પ્રૉપર્ટી ટૅક્સનો ટાર્ગેટ ૪૫૦૦ કરોડનો રાખ્યો હતો, જેની સામે ૩૮૦૦ કરોડ જ કલેક્ટ થઈ શક્યા હતા. આમ ૭૦૦ કરોડ ટૅક્સ ઓછો જમા થયો હતો. એથી હવે જે પ્રૉપર્ટી-માલિકોએ છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી પ્રૉપર્ટી ટૅક્સ ભર્યો નથી તેમની સામે કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે. છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં ૩૭૫૬ પ્રૉપર્ટી-માલિકોએ પ્રૉપર્ટી ટૅક્સ ભર્યો નથી. એમાં પણ હવે વધારો થઈ રહ્યો છે. એથી હવે નવેસરથી યાદી તૈયાર કરી તેમને નોટિસ મોકલાવાઈ રહી છે. આ સંદર્ભે હાલમાં જ BMCનાં ઍડિશનલ કમિશનર અશ્વિની જોશીએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં BMCના દરેક વૉર્ડના પ્રૉપર્ટી ટૅક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જે લોકોએ સૌથી વધુ પ્રૉપર્ટી ટૅક્સ નથી ભર્યો એમની યાદી તૈયાર કરીને ૨૧ દિવસની નોટિસ મોકલવાનું અશ્વિની જોશીએ મીટિંગમાં કહ્યું હતું. જો તેઓ એ સમયગાળામાં પ્રૉપર્ટી ટૅક્સ નહીં ભરે તો તેમની પ્રૉપર્ટી જપ્ત કરીને ઑક્શન કરવાનો આદેશ તેમણે આપ્યો છે.