29 August, 2024 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માલવણમાં આવેલા રાજકોટ ફોર્ટ પર ગઈ કાલે ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી
મહારાષ્ટ્રના સિંધુદુર્ગના માલવણમાં આવેલા રાજકોટ કિલ્લામાં ઊભું કરવામાં આવેલું છત્રપતિ શિવાજી મહારાજનું પૂતળું તૂટી પડવા બાબતે રાજકારણ ગરમાઈ ગયું છે. ગઈ કાલે આદિત્ય ઠાકરે કેટલાક કાર્યકરો સાથે આ કિલ્લામાં પહોંચ્યા ત્યારે રત્નાગિરિ-સિંધુદુર્ગ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નારાયણ રાણે અને તેમનો મોટો પુત્ર નીલેશ રાણે પણ કાર્યકરો સાથે પહોંચ્યા હતા. બન્ને તરફના કાર્યકરો સામસામે આવી ગયા હતા. સામસામે સૂત્રોચ્ચાર કરવાની સાથે કેટલાક અંશે હાથાપાઈ પણ થઈ હતી. લગભગ દોઢ કલાક સુધી આ માથાકૂટ ચાલી હતી. જોકે પોલીસે મધ્યસ્થી કરીને તેમને સમજાવીને દૂર કર્યા હતા એટલે મામલો થાળે પડ્યો હતો
આ ધમાલ થયા બાદ સંસદસભ્ય નારાયણ રાણેએ પત્રકારોને માહિતી આપી હતી કે ‘અમે કંઈ કર્યું નથી. અમે રાજકોટ કિલ્લાની મુલાકાત કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે આદિત્ય ઠાકરેની સાથેના કેટલાક લોકો અમારા પર ધસી આવ્યા હતા. અમે તેમને રોક્યા હતા. અમારે કંઈ કરવું હોત તો અમે ચીરીમીરી નથી કરતા. એક પણ વ્યક્તિ તેના ઘરે ન પહોંચી શકત. તમને અમારો ઇતિહાસ ખબર છે. આદિત્ય ઠાકરે અમારે લીધે રાજકોટ કિલ્લામાં રાડો થયો હોવાનું કહે છે, પણ રાડો કરવાથી જ શિવસેનાની નામના થઈ હતી. એ સમયે આદિત્ય ઠાકરે બાળક હતો, ઉદ્ધવ ઠાકરેને પણ શિવસેનાના રાડાની ખબર નહોતી.’
પૂતળું નૌસેનાએ બનાવેલું, રાજ્ય સરકારે નહીં: દેવેન્દ્ર ફડણવીસ
રાજકોટ કિલ્લામાં ૩૫ ફીટનું પૂતળું રાજ્ય સરકારે નહીં પણ નૌસેનાએ ઊભું કર્યું હતું અને એની જાણ શરદ પવારને પણ છે. આ વિશે નાગપુરમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારોને કહ્યું હતું કે ‘૨૦૨૩ની ૨૩ ડિસેમ્બરે નેવી ડેએ રાજકોટ કિલ્લામાં ઊભું કરવામાં આવેલું પૂતળું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. થાણેના કૉન્ટ્રૅક્ટરે માત્ર પેડસ્ટલ બનાવ્યું હતું, જ્યારે પૂતળું નૌસેનાએ તૈયાર કરાવડાવ્યું હતું. આની જાણ શરદ પવારને પણ છે. આમ છતાં આ દુઃખદ ઘટના વિશે રાજકારણ રમવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસની સાથે નૌસેનાએ પણ આ મામલાની તપાસ શરૂ કરી છે અને આ માટે જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ જગ્યાએ નવું ભવ્ય પૂતળું બનાવવામાં આવશે.’