25 June, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિરોધ
અશોક લેલૅન્ડ કંપની દ્વારા હાલમાં ઇન્ટ્રોડ્યુસ કરાયેલી ૧૩.૫ મીટર યુરો સિક્સ મૉડલની બસમાં ઘણી બધી ટેક્નિકલ ખામી હોવાના કારણે બસ-ઓનર્સ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુખ્ય ફરિયાદ એ છે કે ચાલુ બસમાં આગળનું ટાયર નીકળી જાય છે અને બસ બ્રેકડાઉન થઈ જાય છે જે બસ માટે, બસના પ્રવાસીઓ માટે અને પાછળથી આવતાં વાહનો માટે પણ જોખમી બની જાય છે. બે દિવસ પહેલાં મુંબઈ-ગોવા રોડ પર ઇલેક્ટ્રિક ખામીના કારણે રસ્તા પર અચાનક ઊભી રહી ગયેલી બસની પાછળ બાઇકસવાર ઘૂસી જતાં બે જણનાં મોત થયાં હતાં. આ બાબતે વધુ માહિતી આપતાં મુંબઈ બસ માલક સંઘટના (પૅકેજ ટૂર્સ)ના પ્રેસિડેન્ટ જયદીપ પટણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બસોમાં બહુ બધી ટેક્નિકલ ખામી છે. કંપની આ બદલ કોઈ રિસ્પૉન્સ નથી આપતી. કંપનીના મુંબઈના હેડ વિજયા બોડાડે અમારી ફરિયાદને ગણતરીમાં જ નથી લેતા, તેમણે તો અમારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. એથી અમે ગઈ કાલે થાણેમાં કંપનીના ડીલર ઑટોમોટિવ સામે ૧૦ બસો ઊભી કરીને દેખાવો કર્યા હતા. અમારી માગણી છે કે કંપની અમને આ ફૉલ્ટી બસ સામે રિપ્લેસમેન્ટ આપે અથવા એની ખામીઓ સુધારીને આપે. ચાલુ બસમાં ટાયર નીકળી જાય તો એનાં ગંભીર પરિણામ કેવાં આવે એ સમજી શકાય એમ છે. કંઈ પણ થઈ શકે. વળી આ પૅસેન્જર વેહિકલ છે, એમાં પ્રવાસીઓ હોય છે. તેમના જીવનું પણ જોખમ છે જ. કંપનીની આવી ૩૦૦ બસનો લૉટ છે, જે જોખમી છે.’
અન્ય એક બસ-ઓનર કે.વી. શેટ્ટીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘બસનું પ્રૉપર ટેસ્ટિંગ થતું હોય છે, એ પછી જ એ પાસ કરાય છે, તો આવી ફૉલ્ટી બસો આવી કેવી રીતે? એથી કંપની સહિત સરકારી ટેસ્ટિંગ એજન્સીઓ જે એનાં સેફ્ટી સર્ટિફિકેટ ઇશ્યુ કરે છે તેમના સહિત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને અન્ય સંબંધિતને આ બાબતે જાણ કરી છે. સાથે જ બસ પર લોન આપતી બૅન્કો અને ફાઇનૅન્સ કંપનીઓને પણ કહ્યું છે કે આ બસ પર લોન ન આપો. અમારી હાલત કફોડી છે. બસ લીધી એટલે એની લોનના હપ્તા ચાલુ થઈ ગયા. બીજું, બ્રેકડાઉનને કારણે બસ ઊભી રહી જાય છે એથી એટલા દિવસનું રોલિંગ અટકી જાય, કમાણીમાં નુકસાન થાય. વળી ગવર્નમેન્ટના જેકોઈ ચાર્જીસ હોય એ તો ભરવાના જ છે. આમ અમને બધી તરફથી માર પડે છે. હાલ તો અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ પણ કંપની અમને તીવ્ર આંદોલન કરવા મજબૂર ન કરે. ગઈ કાલે આંદોલન વખતે પોલીસે દરમ્યાનગીરી કરતાં કંપની તરફથી આ બાબતે ચાર દિવસમાં નિર્ણય લઈશું એમ કહ્યું છે.’