છ દિવસ મેઘકૃપા થાય તો ઠીક, નહીં તો પાણીકાપ પાક્કો

25 June, 2023 08:30 AM IST  |  Mumbai | Prajakta Kasale

૩૦મી જૂન સુધી જળાશયોના કૅચમેન્ટ એરિયામાં ભરપૂર વરસાદ જરૂરી છે : બાકી બીએમસી પાસે પાણીકાપનો આકરો નિર્ણય લેવા સિવાયનો વિકલ્પ નહીં રહે

બીએમસીએ અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકમાંથી 70 ટકા પાણીનો ઉપયોગ કરી લીધો છે

70
બીએમસીએ અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકમાંથી આટલા ટકા પાણીનો ઉપયોગ કરી લીધો છે

આગામી છ દિવસ શહેરમાં પાણીપુરવઠાની સ્થિતિ નક્કી કરવા માટે મહત્ત્વના છે. ગઈ કાલથી શહેરમાં વરસાદ તો શરૂ થઈ ગયો છે, પરંતુ શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોનાં સ્તર ઊંચાં આવે એ માટે કેટલાક દિવસો સુધી ભારે વરસાદની જરૂર છે. હાલ જળાશયોમાં સાત ટકા કરતાં ઓછો સ્ટૉક છે. સુધરાઈ ભાત્સા જળાશયોના રિઝર્વ સ્ટૉકમાંથી પાણી લેવા માટે તૈયાર છે. 
શહેરને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં છેલ્લા એક દાયકા કરતાં સૌથી ઓછું પાણી આ વખતે છે. સુધરાઈએ અપર વૈતરણાના રિઝર્વ સ્ટૉકમાંથી ૭૦ ટકા પાણીનો ઉપયોગ કરી નાખ્યો છે. ત્યાર બાદ ભાત્સા જળાશયના રિઝર્વ સ્ટૉકમાંથી પાણી લેશે, કારણ કે રેગ્યુલર સ્ટૉકનું માત્ર બે ટકા પાણી જ બાકી રહ્યું છે. રિઝર્વ સ્ટૉકમાં રહેલું પાણી એક મહિના સુધી ચાલે એમ છે. એથી પાણીકાપનો નિર્ણય જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં વરસાદના આધારે લેવામાં આવશે. સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી વરસાદના આગમનની તારીખોમાં સતત વિલંબ જોવા મળી રહ્યો છે. એથી અમે તળાવના પૂરક વિસ્તારોમાં કેટલો વરસાદ પડે છે એની રાહ ૩૦ જૂન સુધી જોઈશું. ત્યાર બાદ પાણીકાપનો નિર્ણય લઈશું. હાલ શહેરને દરરોજ ૩૮૫૦ મિલ્યન વૉટરની જરૂર છે તેમ જ તળાવોમાં ૧.૯૮ લાખ મિલીલિટર પાણી છે. તુલસી અને વિહાર નાનાં જળાશયો છે. બાકીનાં પાંચ જળાશયો થાણે અને નાશિકમાં આવેલાં છે. કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો છે. તો પણ ખરું ચિત્ર આજે નક્કી થશે. વરસાદ સતત પડે એ પણ જરૂરી છે.’

mumbai rains brihanmumbai municipal corporation Mumbai prajakta kasale