31 October, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સદા સરવણકર
માહિમ વિધાનસભા બેઠકમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ઉમેદવારી આપી છે એની સામે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માહિમની બેઠકમાંથી ત્રણ ટર્મથી સતત ચૂંટાઈ આવતા સદા સરવણકરને ફરી ઉમેદવારી આપી છે. શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP) મહાયુતિમાં સામેલ છે અને મહાયુતિ વતી ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા હોવા છતાં BJPએ હવે અમિત ઠાકરેને સપોર્ટ કરવાનું કહ્યું છે. સદા સરવણકર પર ઉમેદવારી પાછી ખેંચવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈ કાલે સદા સરવરણકરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે ‘હું ૪૦ વર્ષથી શિવસેનાનો કાર્યકર છું. ખૂબ મહેનત કરીને માહિમ બેઠકમાં ત્રણ વખત વિધાનસભ્ય બન્યો. બાળાસાહેબ હયાત હોત તો તેમણે મને તેમના સંબંધીઓને બેઠક છેડવાનું ક્યારેય ન કહ્યું હોત. ઠાકરે પરિવારના પચાસ સંબંધી દાદર-માહિમમાં રહે છે, પણ બાળાસાહેબે તેમનામાંથી કોઈને બદલે મારા જેવા સામાન્ય કાર્યકરને ઉમેદવારી આપી હતી. બાળાસાહેબ બધા કાર્યકરની ભાવના સમજતા હતા. એકનાથ શિંદેસાહેબ તરફ જુઓ તેમનો પુત્ર ત્રણ ટર્મથી સંસદસભ્ય હોવા તેમણે પ્રધાનપદ પુત્રને બદલે એક શિવસૈનિકને તક આપી. રાજસાહેબને હું વિનંતી કરું છું કે મારા જેવા કાર્યકર પર અન્યાય ન કરો. મને તમારું સમર્થન આપો.’
સદા સરવણકરને મનાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સાથે બેઠક કરીને પ્રયાસ કરશે એવું જાણવા મળ્યું છે. ૪ નવેમ્બર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે એટલે દિવાળી બાદ સદા સરવણકર શું કરે છે એના પર સૌની નજર રહેશે.
સદા સરવણકરે બાઇક પર બેસીને ઉમેદવારી નોંધાવી
માહિમ વિધાનસભા બેઠકમાં મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. શિવસેનામાંથી સદા સરવણકરે ઉમેદવારી નોંધાવી હતી. જોકે તેઓ શક્તિ-પ્રદર્શન કરવાને બદલે બાઇક પર બેસીને ચૂંટણીપંચના સેન્ટરમાં પહોંચ્યા હતા. આ વિશે સદા સરવણકરે કહ્યું હતું કે ‘મારા વિરોધીઓએ હું ઉમેદવારી ન નોંધાવી શકું એ માટે રસ્તામાં રોકી રાખવાનો પ્લાન બનાવ્યો હતો. આથી મેં કોઈને ખબર ન પડે એવી રીતે ચૂપચાપ સેન્ટરમાં પહોંચીને ઉમેદવારી નોંધાવી હતી.’