કલ્યાણ લોકસભા બેઠકે સરકારનું ટેન્શન વધાર્યું

11 February, 2024 07:56 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

બીજેપીના સ્થાનિક નેતાઓએ અહીંનાં વિકાસકામોનું શ્રેય સાંસદ શ્રીકાંત શિંદે લઈ રહ્યા હોવાથી તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં ભંગાણ કરાવીને સત્તા મેળવવામાં બીજેપીને સફળતા મળી છે, પણ ઉલ્હાસનગર અને બોરીવલીમાં શિવસેનાના નેતાઓ પર ફાયરિંગ થવાની ઘટનાથી સત્તાધારી પક્ષો બીજેપી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના સંબંધમાં કડવાશ આવી છે. આવી સ્થિતિ વચ્ચે કલ્યાણ લોકસભા બેઠક માટે બંને પક્ષ વચ્ચે ચાલી રહેલા ઘર્ષણે સરકારનું ટેન્શન વધાર્યું હોવાનું લાગી રહ્યું છે. બીજેપીના સ્થાનિક નેતાઓએ કલ્યાણ લોકસભા મતદારક્ષેત્રમાં શ્રીકાંત શિંદેનો ફોટો ક્યાંય ન વાપરવાનો નિર્ણય લીધો છે એટલે પણ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેના સંબંધ લોકસભાની ચૂંટણી આવતાં સુધીમાં વણસી શકે છે.

શુક્રવારે બીજેપીના કલ્યાણના પદાધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં આરોપ કરવામાં આવ્યો હતો કે સાંસદ શ્રીકાંત શિંદે બીજેપીના કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. અહીં કરવામાં આવેલાં વિકાસનાં કામોનું શ્રેય અને ફન્ડનો લાભ એકનાથ શિંદે જૂથના નેતાઓને જાય છે. આવું ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. આ વાત હવે હદથી બહાર જઈ રહી છે એટલે હવે બીજેપીના કોઈ પણ કાર્યક્રમમાં શ્રીકાંત શિંદેનો ફોટો ન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બીજેપીના એક સ્થાનિક નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાનીમાં બીજેપીના સહયોગથી રાજ્ય સરકાર બની છે ત્યારથી કલ્યાણમાં બીજેપીના નેતાઓની સરકાર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે. બીજેપીના સ્થાનિક વિધાનસભ્યો, નગરસેવકો અને બીજા નેતાઓ દ્વારા અનેક કામ કરવામાં આવ્યાં છે એનું શ્રેય સાંસદ શ્રીકાંત શિંદે અને તેમના સાથીઓ લઈ રહ્યા છે. આથી બીજેપીના નેતા હાંસિયામાં ધકેલાઈ ગયા છે. બીજેપીના નેતાઓને એકનાથ શિંદે જૂથના નેતાઓ પરેશાન કરી રહ્યા છે એની જાણ બીજેપીના વ​રિષ્ઠ નેતાઓને થાય એ માટે શ્રીકાંત શિંદેનો બહિષ્કાર કરવાનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે.’

કલ્યાણમાં પહેલેથી જ બીજેપી અને શિવસેના વચ્ચે માથાકૂટ ચાલી રહી છે. એમાં કલ્યાણના બીજેપીના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે એકનાથ શિંદે જૂથના મહેશ ગાયકવાડ પર પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ કરવાની ઘટનાએ આગમાં ઘી હોમ્યું છે. બીજેપીએ એકનાથ શિંદેની સાથે અજિત પવારને પણ સરકારમાં સામેલ કરીને ખીચડી સરકાર બનાવી છે એમાં હવે કેટલાક મુદ્દે મતભેદ સપાટી ઉપર આવી રહ્યા છે એટલે એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણી શરૂ થશે ત્યાં સુધીમાં સરકારનું ટેન્શન વધશે.

મૂડ ઑફ નેશનના તાજેતરના એક લેટેસ્ટ સર્વેમાં બીજેપીની કેન્દ્રમાં ફરી મોટા માર્જિનથી સરકાર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે મહારાષ્ટ્રમાં બીજેપી, એકનાથ શિંદે સેના અને એનસીપીનું અજિત પવાર જૂથ સાથે હોવા છતાં વિરોધ પક્ષો કરતાં ઓછી બેઠકો મળી રહી હોવાનું સર્વેમાં જણાવાયું છે. સર્વેમાં સત્તાધારી મહાયુતિને ૨૨ તો કૉન્ગ્રેસ, ઉદ્ધવ ઠાકરે સેના અને એનસીપી શરદ પવાર જૂથને ૨૬ બેઠકનો વરતારો કરવામાં આવ્યો છે.

આ સર્વેથી સત્તાધારી પક્ષોની ચિંતામાં વધારો થયો છે. એમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ઘર્ષણ કાયમ રહેશે તો લોકસભાની સાથે આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગંભીર અસર થવાની શક્યતા નકારી ન શકાય.

mumbai news mumbai kalyan maharashtra political crisis eknath shinde bharatiya janata party