બધા નેતાના શ્વાસ અધ્ધર કરીને અજિત પવાર ગયા અજ્ઞાતવાસમાં

18 April, 2023 10:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આમ તો ગઈ કાલે પુણે જવાના હતા, પણ મુંબઈમાં પોતાના બંગલા પર જ રહ્યા : આજે શરદ પવારે પાર્ટીના બધા વિધાન સભ્યોને મુંબઈમાં હાજર રહેવાનું કર્યું ફરમાન

રવિવારે રાત્રે નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં ઉદ્ધવ ઠાકરે સાથે ગયેલા અજિત પવાર (તસવીર : પી.ટી.આઈ.)

વિરોધ પક્ષના અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર ગઈ કાલે ફરી તમામ કાર્યક્રમો રદ કરીને ગાયબ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ શરદ પવાર કે પક્ષથી નારાજ હોવાથી બીજેપીમાં ગમે ત્યારે જોડાઈ શકે છે એવી અટકળો લગાવાઈ રહી છે. આથી અજિત પવારે ગઈ કાલે સાસવડમાં ખેડૂતોના કાર્યક્રમ સહિતના તમામ કાર્યક્રમો અચાનક રદ કરી દીધા હતા અને મુંબઈ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ બધા વચ્ચે એનસીપીના બે વિધાનસભ્યોએ ગઈ કાલે કહ્યું હતું કે અજિત પવાર બીજેપી સાથે જોડાશે તો તેમને સમર્થન આપશે. વિધાનસભ્યોના આ નિવેદનથી પણ કંઈક નવાજૂની થવાનાં એંધાણ દેખાઈ રહ્યાં છે. દરમ્યાન જાણવા મળ્યું હતું કે એનસીપી ચીફ શરદ પવારે આજે એનસીપીના તમામ વિધાનસભ્યોને મુંબઈમાં હાજર થવાનું ફરમાન જારી કર્યું છે.

અજિત પવારે ગઈ કાલે તેમનો સાસવડ ખાતેનો કાર્યક્રમ અચાનક રદ કરી નાખ્યો હતો અને તેઓ મુંબઈ આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ જ સમયે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે અચાનક દિલ્હીની મુલાકાતે ગયા હતા. આથી કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

નાગપુરમાં મહાવિકાસ આઘાડી દ્વારા આયોજિત કરવામાં આવેલી વજ્રમુઠ સભામાં અજિત પવારને બોલવા ન દેવાને લીધે તેઓ નારાજ છે એટલે તેમણે બીજેપીમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા થઈ રહી છે.

સિન્નરના એનસીપીના વિધાનસભ્ય માણિકરાવ કોકાટે અને પિંપરીના એનસીપીના વિધાનસભ્ય અણ્ણા બનસોડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘અજિત પવાર જો બીજેપી સાથે જશે તો તેમને અમારું સમર્થન રહેશે. આજની સ્થિતિમાં બીજેપીને લોકસભાની બેઠકોમાં નુકસાન થઈ રહ્યું છે એટલે તે બીજા વિકલ્પોનો વિચાર કરી રહી છે. અજિત પવાર તેમની સાથે જશે તો અમને કોઈ વાંધો નથી. અમે તેમને સમર્થન કરીશું.’

બધા કાર્યક્રમો રદ કરીને અજિત પવાર મુંબઈ આવી ગયા હોવાની અને તેમણે એનસીપીના વિધાનસભ્યોની બેઠક બોલાવી હોવાની અટકળો વચ્ચે ગઈ કાલે અજિત પવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘હું મુંબઈમાં જ છું, પણ મેં વિધાનસભ્યોની કોઈ બેઠક નથી બોલાવી. ખારઘરની ઘટનામાં એમજીએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ શ્રીસેવકોની પૂછપરછ કરવા વહેલી સવાર સુધી હતો. આજે મારો કોઈ કાર્યક્રમ નહોતો. આવતી કાલે વિધાનસભાની મારી ઑફિસમાં રોજબરોજનું કામકાજ કરીશ. આથી હું અચાનક મુંબઈ આવી ગયો છું અને બેઠક બોલાવી છે એ વાત સાચી નથી.’

બીએમસીના વૉર્ડ સંબંધી અરજીઓ ફગાવાઈ
મહાવિકાસ આઘાડી સરકારે મુંબઈના ૨૨૭ વૉર્ડમાંથી ૨૩૬ કર્યા હતા, જેને એકનાથ શિંદે સરકારે આવીને રદ કર્યા હતા. તેમના આ નિર્ણયને પડકારતી બે અરજી બૉમ્બે હાઈ કોર્ટમાં કરવામાં આવી હતી, જે ગઈ કાલે ફગાવી દેવામાં આવી હતી. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. બી. શુકારે અને જસ્ટિસ એમ. ડબ્લ્યુ. ચાંદવાણીની ખંડપીઠે કહ્યું હતું કે બીએમસી વૉર્ડની ફેરરચના કરવાના સરકારના નિર્ણયને પડકારવામાં આવેલી બે અરજીમાં કોઈ સરકારના નિર્ણયમાં અયોગ્ય થયું હોવાનું કંઈ જણાયું નથી એટલે એ ફગાવી દેવામાં આવે છે. મુંબઈ બીએમસીમાં ૨૨૭ વૉર્ડ છે, જેમાં મહાવિકાસ આઘાડીની સરકાર વખતે વધારો કરીને ૨૩૬ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બરાબર ન હોવાનું કહીને એકનાથ શિંદે સરકારે અગાઉના ફેરફારને રદ કર્યા હતા. 

mumbai mumbai news maharashtra indian politics shiv sena nationalist congress party ajit pawar sharad pawar