10 May, 2023 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના સત્તાસંઘર્ષનો ચુકાદો સુપ્રીમ કોર્ટ ગમે ત્યારે આપે એવી શક્યતા છે ત્યારે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર લંડનની મુલાકાતે જઈ રહ્યા હોવાના સમાચાર વહેતા થયા હતા. સ્પીકર ૧૦થી ૧૫ મે સુધી વિદેશમાં હશે એવા સમયે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે તો મુશ્કેલી થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબતે સ્પીકર રાહુલ નાર્વેકરે ગઈ કાલે કહ્યું હતું કે ચુકાદો ન આવે ત્યાં સુધી હું ક્યાંય નથી જવાનો અને કોઈએ મારી લંડનની મુલાકાતની અફવા ફેલાવી છે.
રાહુલ નાર્વેકરે પત્રકારો સાથેની વાતચીતમાં ગઈ કાલે કહ્યું હતું કે ‘શિવસેનાના ૧૬ વિધાનસભ્યોના અપાત્રતાની સાથે બીજા કેટલાક વિધાનસભ્યોની અપાત્રતાનો મુદ્દો પણ છે. આ બાબતે બધાને નોટિસ મોકલવામાં આવી છે. એમાંથી કેટલાકે મુદત વધારી લીધી છે. વિધાનસભાનો જે નિયમ છે એ મુજબ જ કાર્યવાહી થશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગમે ત્યારે આવી શકે છે એટલે હું લંડન કે બીજે ક્યાંય જવાનો નથી. વિધાનસભાના સ્પીકરના કામકાજમાં કોઈ પણ હસ્તક્ષેપ કરી ન શકે એવી જોગવાઈ બંધારણમાં કરવામાં આવી છે. સ્પીકરની ગેરહાજરીમાં ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવળે કયા આધારે ૧૬ વિધાનસભ્યોને નોટિસ મોકલી હતી એની મને ખબર નથી.’
પૃથ્વીરાજ ચવાણનું કદ કેટલું?
કર્ણાટકની ચૂંટણીમાં એનસીપીએ કૉન્ગ્રેસ સાથે યુતિ કરવાને બદલે પોતાના સ્વતંત્ર ઉમેદવાર ઊભા રાખ્યા છે એ વિશે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે એનસીપી બીજેપીની બી ટીમ છે. આ વિશે એનસીપી ચીફ શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમારી સામે આંગળી ચીંધવાને બદલે પૃથ્વીરાજ ચવાણે કૉન્ગ્રેસમાં પોતાનું કદ કેટલું છે એ જોવું જોઈએ. પક્ષમાં તેમનું કદ એ, બી, સી કે ડી છે એ ચકાસવું જોઈએ. કૉન્ગ્રેસના તેમના કોઈ પણ સાથી કહીં દેશે. અમે કર્ણાટકમાં પક્ષની એન્ટ્રી કરાવવા માગતા હતા એટલે સ્વતંત્ર રીતે ઉમેદવારો ઊભા રાખ્યા છે. અમે કર્ણાટકમાં એકદમ નીચલા સ્તરેથી શરૂઆત કરવા માગીએ છીએ એટલે કૉન્ગ્રેસ કે બીજા કોઈ પક્ષ સાથે યુતિ નથી કરી. જ્યારે કોઈ પક્ષ સાથે યુતિ કરવામાં આવે છે ત્યારે એ પક્ષની તાકાત વધે છે, પણ નવા પક્ષના હાથ ખાસ કંઈ આવતું નથી.’
ભૂતપૂર્વ મેયર મહાડેશ્વરનું હાર્ટ-અટૅકથી મૃત્યુ
મુંબઈના ભૂતપૂર્વ મેયર વિશ્વનાથ મહાડેશ્વરનું ગઈ કાલે હાર્ટ-અટૅકથી મૃત્યુ થયું હતું. ૬૩ વર્ષના વિશ્વનાથ મહાડેશ્વર નગરસેવક બન્યા બાદ ૨૦૧૭થી ૨૦૧૯ દરમ્યાન મુંબઈ બીએમસીના મેયર બન્યા હતા. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે સેનાના તેઓ એક સમયના મહત્ત્વના નેતા હતા. ૨૦૦૨માં પહેલી વખત નગરસેવક બન્યા બાદ તેઓ સતત ચાર ટર્મ સુધી નગરસેવક રહ્યા હતા. તેમના પરિવારમાં પત્ની તેમ જ એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું. સવારે મૃત્યુ થયા બાદ સાંજે સાંતાક્રુઝમાં આવેલી ટીચર્સ કૉલોની સ્મશાનભૂમિમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી.