16 September, 2024 08:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
વિધાનસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં જાહેર થાય એવી શક્યતા છે ત્યારે મહા વિકાસ આઘાડી દ્વારા ઍડ્વાન્સમાં જ મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરવાનો ઇરાદો નથી એવું જાણી ગયેલા ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે અહમદનગરમાં કહ્યું હતું કે મેં ક્યારેય મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા રાખી નથી એટલું જ નહીં, તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે ક્યારેય સરકારમાં કોઈ પદ પર નહોતા એમ છતાં લોકોનો સપોર્ટ તેમને હોવાથી તેમના હાથમાં બધી સત્તા રહેતી. ગયા મહિને ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ આઘાડીના સાથી પક્ષો નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અને કૉન્ગ્રેસને મહારાષ્ટ્રના ભાવિ મુખ્ય પ્રધાનનું નામ જાહેર કરવા કહ્યું હતું, પણ તેમને એમાં સફળતા મળી નહોતી. શરદ પવારે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનના નામની જાહેરાત હમણાં કરવાની જરૂર નથી. આઘાડીની કઈ પાર્ટી સૌથી વધુ બેઠકો જીતે છે એ જોયા પછી મુખ્ય પ્રધાનપદનો ઉમેદવાર નક્કી કરવામાં આવશે.’