૫૦,૦૦૦ કરોડ ક્યાં ખર્ચ થશે એ ખબર નથી: આદિત્ય ઠાકરે

05 February, 2023 08:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે ૫૨,૬૧૯.૦૭ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યા બાદ યુવાસેનાના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આ વિશે પ્રતિક્રિયા આપી હતી.

આદિત્ય ઠાકરે


મુંબઈ ઃ બીએમસીના બજેટ વિશે યુવાસેનાના નેતા આદિત્ય ઠાકરેએ સવાલ કર્યા છે. તેમણે મુંબઈની સડકના ગોટાળા બાબતે ફરી ઉલ્લેખ કર્યો હતો અને ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ખર્ચ થશે એ ખબર નથી એવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘બજેટમાં કોઈ નવા પ્રોજેક્ટ જાહેર નથી કરાયા. જે નાના-મોટા પ્રોજેક્ટ જાહેર કરાયા છે એના પર અમારી બારીક નજર છે.’
મુંબઈના બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે ગઈ કાલે ૫૨,૬૧૯.૦૭ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યા બાદ યુવાસેનાના નેતા અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘જે વ્યક્તિએ બજેટ રજૂ કર્યું છે એ જ મંજૂર કરી રહ્યા છે. આથી લોકતંત્ર બચ્યું છે કે નહીં એવો સવાલ થાય છે. બજેટ શા માટે વધારવામાં આવ્યું અને એમાં પ્રસ્તાવિત કરવામાં આવેલાં કયાં કામ કરવામાં આવશે એની ખબર નથી. આ બજેટ એક ફુગ્ગા જેવું છે, જેમાં હવા ભરાતાં એ ફૂલે છે. અમે અત્યાર સુધી મુંબઈકરોનો એક-એક રૂપિયો બચાવીને રાખ્યા છે. એ ખર્ચ કરવો હોય તો સમજી-વિચારીને અને પારદર્શકતાથી કરવો જોઈએ.’
ઉલ્લેખનીય છે કે આદિત્ય ઠાકરેએ બજેટ પહેલાં મુંબઈ બીએમસીને પત્ર લખ્યો હતો જેમાં તેમણે માગણી કરી હતી કે બજેટમાં 
અગાઉનાં કોઈ કામ રોકવામાં ન આવે અને નવાં કોઈ જાહેર ન કરવાં. અત્યારે બીએમસીમાં સત્તાધારી પક્ષ નથી અને પ્રશાસક આવા કોઈ નિર્ણય ન લે. 

રૂપિયાની ચિંતા નથી, પણ જરૂર પડશે તો એફડી તોડીશું ઃ ચહલ
બજેટ રજૂ કર્યા બાદ મુંબઈ બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે ‘૨૦૨૩-’૨૪ના બજેટમાં પ્રસ્તાવિત ડેવલપમેન્ટ સહિતનાં કામ માટે અત્યારે પૂરતા રૂપિયા છે. બીએમસીની બૅન્ક ફિક્સ્ડ ડિપોઝિટ ૧૧,૦૦૦ કરોડ રૂપિયાના વધારા સાથે ૮૮,૦૦૦ કરોડ થઈ છે. એ સિવાય રાજ્ય સરકાર દ્વારા ઑક્ટ્રૉય રદ કરવાના બદલમાં બીએમસીને દર વર્ષે ૧૫,૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવે છે. આથી અત્યારે રૂપિયાની ચિંતા નથી. આમ છતાં જરૂર પડશે તો મુંબઈકરોએ ટૅક્સરૂપે આપેલા રૂપિયાનો ઉપયોગ તેમને સુવિધા આપવાના કામમાં કરવામાં આવશે. આ રૂપિયા મુંબઈકરોના છે એટલે એનો ઉપયોગ મુંબઈના ડેવલપમેન્ટમાં થાય એની સામે કોઈને વાંધો ન હોવો જોઈએ.’

mumbai news brihanmumbai municipal corporation aaditya thackeray shiv sena